- National
- એક સમયે ઢાબા પર વેઈટરનું કામ કરનાર વ્યક્તિએ 31 લાખમાં કારનો નંબર ખરીદ્યો... ઉદ્યોગપતિ પિતાએ પુત્રને
એક સમયે ઢાબા પર વેઈટરનું કામ કરનાર વ્યક્તિએ 31 લાખમાં કારનો નંબર ખરીદ્યો... ઉદ્યોગપતિ પિતાએ પુત્રને ભેટ આપી!
જયપુરમાં VIP કાર નંબરો પ્રત્યેનો જુસ્સો નવી ઊંચાઈએ પહોંચ્યો છે. RTO ખાતે તાજેતરમાં થયેલા E-હરાજીમાં, 'RJ60 CM 0001' નંબરે ઇતિહાસ રચ્યો. તે 31 લાખ રૂપિયામાં વેચાયો, જે રાજસ્થાનમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો નોંધણી નંબર બની ગયો.
આ નંબર કોઈ શ્રીમંત પરિવાર દ્વારા નહીં, પરંતુ ઢાબા પર વેઈટર તરીકે પોતાની પહેલી નોકરી કરનાર વ્યક્તિ દ્વારા ખરીદાયો હતો, તે વ્યક્તિ છે જયપુરના ઉદ્યોગપતિ રાહુલ તનેજા. તેમણે આ નંબર તેમના પુત્રને તેમના જન્મદિવસ પર ભેટમાં આપેલી લક્ઝરી કાર માટે ખરીદ્યો હતો.

રાહુલ તનેજાના મતે, નંબર '1' તેમના માટે માત્ર એક નંબર નથી, પરંતુ તેમની વિચારસરણી અને જીવનયાત્રાનું પ્રતીક છે. તેમણે કહ્યું, 'જ્યારે મારો દીકરો રેહાન 11 વર્ષનો હતો, ત્યારે મેં તેને વચન આપ્યું હતું કે, જ્યારે તે 18 વર્ષનો થશે, ત્યારે હું તેને '1' નંબરવાળી તેની પ્રિય કાર આપીશ. આજે, જ્યારે તે વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે, ત્યારે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.' રાહુલ કહે છે, 'જીવનમાં કંઈપણ નિશ્ચિત નથી હોતું. કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી. તેથી, જ્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી મારી સૌથી મોટી સફળતા મારા બાળકોની ખુશીમાં સ્મિત ઉમેરવાની છે.'
રેહાન તનેજા તેના 18મા જન્મદિવસે તેના પિતા પાસેથી લક્ઝરી કાર અને VIP નંબર 'RJ60 CM 0001' મેળવીને ખૂબ જ ખુશ થયો. તેણે કહ્યું, 'આ ફક્ત કારનો નંબર જ નથી, તે એક સંદેશ છે કે જીવનમાં હંમેશા નંબર વન બનવાનો પ્રયાસ કરવો જોઈએ. મારા પિતાએ મને ફક્ત જ કાર નથી આપી, પરંતુ સખત મહેનત અને ખંત દ્વારા સપનાઓને કેવી રીતે સાકાર કરવા તે શીખવ્યું.'

જયપુર RTO-1 ખાતે યોજાયેલી E-હરાજી 15 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને 31 ઓક્ટોબર સુધી ચાલુ રહી. હરાજીમાં કુલ 12 અરજદારોએ ભાગ લીધો હતો, પરંતુ રાહુલ તનેજાની બોલી આખરે રૂ. 31 લાખ પર અટકી ગઈ. રાજસ્થાનમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ VIP નંબર રૂ. 30 લાખનો આંકડો પાર કરી ગયો છે. 'RJ60 CM 0001' સિરીઝનો આ નંબર ચેમ્પિયન (CM) કેટેગરીમાં આવે છે, જે સામાન્ય રીતે લક્ઝરી કાર અને હાઇ-એન્ડ SUV માલિકોમાં ખુબ જ લોકપ્રિય છે.
રાહુલ તનેજાની આ વાર્તા ફિલ્મની પટકથાથી કંઈ ઓછી નથી. એક સમય હતો જ્યારે તે જયપુરના એક નાના ઢાબા પર વેઈટર તરીકે કામ કરતો હતો. તેના ખિસ્સામાં ફક્ત થોડા જ રૂપિયા હતા અને તેના સપનામાં સફળતાની ચમક હતી. બે વર્ષ ઢાબા પર કામ કર્યા પછી, તેણે અલગ અલગ પ્રકારના નાના મોટા ધંધાઓ કર્યા, જેમ કે દિવાળી દરમિયાન ફટાકડા વેચવા, હોળી દરમિયાન રંગો વેચવા, મકરસંક્રાંતિ દરમિયાન પતંગ વેચવા, રક્ષાબંધનમાં રાખડીઓ વેચવા અને ઉનાળા દરમિયાન કોમિક્સ વેચવી. રાહુલ પોતે કહે છે, 'મારી પાસે પૈસા નહોતા, પણ મને સખત મહેનતની ભૂખ હતી. મને જે કામ મળતું તે હું ખુબ દિલ લગાવીને કરતો હતો.' ત્યાર પછી, તેમણે પોતાના પરિવારને ટેકો આપવા માટે દરેક કામ કર્યું, જેમાં અખબારો પહોંચાડવાથી લઈને જયપુરના દુર્ગાપુરા રેલ્વે સ્ટેશન પર ઓટો-રિક્ષા ચલાવવાનો સમાવેશ થાય છે.

સ્થાનિક ફેશન શોમાં મોડેલિંગ શરૂ કર્યા પછી તેમના ભાગ્યમાં એક નવો વળાંક આવ્યો. આ સમય દરમિયાન તેમને ઇવેન્ટ મેનેજમેન્ટનો વિચાર આવ્યો. 2000માં, તેમણે પોતાની કંપની શરૂ કરી, અને ત્યાંથી, તેમના જીવનમાં એક વળાંક આવ્યો. સખત મહેનત, સંઘર્ષ અને પ્રામાણિકતાએ તેમને રાજસ્થાનના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક બનાવ્યા છે. આજે, રાહુલ તનેજા રાજસ્થાનમાં એક VIP નંબરોના શોખીન અને સફળ ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા છે. તેમની પાસે પહેલેથી જ 'નંબર 1' નંબરવાળી ઘણી કાર છે. પરંતુ આ નવો નંબર તેમના માટે સૌથી ખાસ છે.
રાહુલ કહે છે, 'મારા માટે, નંબર '1' ફક્ત એક નંબર નથી, તે આત્મવિશ્વાસનું પ્રતીક છે. જ્યારે તમે નંબર વન બનવાનું લક્ષ્ય રાખો છો, ત્યારે તમે તમારી જાતને મર્યાદાઓથી આગળ ધપાવો છો. મેં જીવનમાં શીખ્યું છે કે ક્યારેય હાર ન માનો, ક્યારેય અટકશો નહીં, ભલે ગમે તે પરિસ્થિતિ હોય.' તે કહે છે કે 'નંબર 1'એ ઢાબાના ટેબલથી લઈને લક્ઝરી કારના સ્ટિયરિંગ સુધીની તેમની સફરની વાર્તા પણ છે.
રાજસ્થાનમાં, ખાસ કરીને જયપુરમાં, VIP નંબરોની હરાજી એક નવો ટ્રેન્ડ બની ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, '0001', '0007', '9999' અને '1111' જેવા નંબરો પર લાખોમાં બોલી લાગી ચુકી છે. પરંતુ આ વખતે, રાહુલ તનેજાએ જે રેકોર્ડ બનાવ્યો, તેને બીજા બધાને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. RTO અધિકારીઓ કહે છે કે, લક્ઝરી કારના વધતા વેચાણ સાથે, પ્રીમિયમ નંબરોની માંગમાં વધારો થયો છે. આ નંબરોને હવે સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે.

રાહુલ તનેજાની વાર્તા ફક્ત એક શ્રીમંત માણસના શોખ વિશે નથી, પરંતુ એક એવા માણસ વિશે છે, જેણે ગરીબીને પડકારી છે, સખત મહેનત દ્વારા પોતાની ઓળખ બનાવી અને પોતાના વિચાર દ્વારા એ સાબિત કર્યું કે, જો કોઈનો સંકલ્પ મજબૂત હોય, તો જીવનમાં કોઈ ધ્યેય દૂર નથી. તેમના પુત્ર, રેહાન કહે છે, 'પપ્પાએ અમને ક્યારેય પૈસાનું મહત્વ શીખવ્યું નહીં, પરંતુ સખત મહેનતનું મહત્વ શીખવ્યું. આજે, આ કાર મારા માટે ફક્ત ભેટ નથી, તે તેમની મહેનતનું ઉદાહરણ છે.'
તેમની આટલી સફળતા છતાં, રાહુલ જમીન સાથે જોડાયેલા છે. તે કહે છે, 'હું એ જ છોકરો છું, જે એક સમયે ઢાબા પરના એઠાં વાસણો સાફ કરતો હતો. ફરક માત્ર એટલો છે કે, હવે હું મારા હાથ બીજાઓને મદદ કરવા માટે ઉઠાવું છું.' તે માને છે કે 'નંબર વન' બનવું એ કોઈ લક્ષ્ય નથી, પણ એક જવાબદારી છે. આ જ કારણ છે કે, તે દર વર્ષે પોતાની કમાણીનો એક ભાગ સમાજ સેવા અને વંચિત બાળકોના શિક્ષણ માટે સમર્પિત કરે છે.

