- National
- શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો થઈ રહી છે? વિદેશ સચિવે જણાવ્યું સત્ય
શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો થઈ રહી છે? વિદેશ સચિવે જણાવ્યું સત્ય
પહેલગામની ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. જો કે, તાજેતરમાં કેટલાક એવા અહેવાલો સામે આવ્યા હતા કે બંને દેશો વચ્ચે પડદા પાછળ વાટાઘાટો ચાલી રહી છે. થોડા દિવસ અગાઉ, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીલંકાના કોલંબોમાં ભારતીય અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળો વચ્ચે એક અનૌપચારિક બેઠક થઈ હતી. આ અટકળો વચ્ચે, હવે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
શું છે આખો મામલો?
શ્રીલંકાના કોલંબોમાં તાજેતરમાં IISSની પ્રાદેશિક સુરક્ષા પરિષદ યોજાઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કાર્યક્રમ દરમિયાન ભારત અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળો વચ્ચે અનૌપચારિક ચર્ચા થઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે, શું બંને દેશો વચ્ચે બેક-ડોર વાટાઘાટો થઈ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અનૌપચારિક બેઠકના અહેવાલો પર વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ખરેખર આ કાર્યક્રમો પર ધ્યાન આપતા નથી; તેમનું આપણા માટે કોઈ ખાસ મહત્વ નથી. અમારી નજરમાં તેનું કોઇ ખાસ મહત્ત્વ નથી, આ ખાનગી સંસ્થાઓ દ્વારા આયોજિત ખાનગી કાર્યક્રમો છે; અમારા માટે તેમાં કંઈપણ સત્તાવાર નથી. ભારતથી જે પણ લોકો આ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્ છે, પછી ભલે તેઓ નિવૃત્ત રાજદ્વારીઓ હોય, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ હોય કે નાગરિક સમાજના સભ્યો, તેઓ પોતાના વિચારો અને દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે. તેઓ કોઈપણ રીતે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા નથી અને ન તો કરી શકે છે.
ભારતે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હુમલાની નિંદા કરી છે. એક નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાને ઉશ્કેરણી વિના કરવામાં આવેલ ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા તેમજ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ માટે સીધું જોખમ છે. ભારતે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાના આંતરિક બાબતો પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે અફઘાનિસ્તાનને નિશાન બનાવી રહ્યું છે. નોંધનીય છે કે 28 જૂને, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનના ત્રણ વિસ્તારો પર બોમ્બ વરસાવ્યા હતા, જેમાં 36 લોકો માર્યા ગયા હતા અને 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

