- Sports
- ‘ટીમ ઈન્ડિયાને હારતી જોવાની જ ખુશી છે...’ 37 સદી ફટકારનાર પાક. બેટ્સમેનનો લવારો
‘ટીમ ઈન્ડિયાને હારતી જોવાની જ ખુશી છે...’ 37 સદી ફટકારનાર પાક. બેટ્સમેનનો લવારો
ભારતીય ટીમને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી ભારતીય ક્રિકેટ ચાહકો સ્તબ્ધ છે. તેમને વિશ્વાસ થઇ રહ્યો નથી કે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ આયર્લેન્ડ જેવી નબળી ગણાતી ટીમ સામે શ્રેણી હારી ગઈ. ટીમ શ્રેણીની બંને મેચ હારી ગઈ. આ જ કારણ છે કે ચાહકો નિરાશ પણ છે, ત્યારે પાકિસ્તાની ક્રિકેટર આબિદ અલીએ ટીમ ઈન્ડિયાની હાર બાદ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
આબિદ અલીએ ટીમ ઇન્ડિયાની આયરલેન્ડ સામેની હાર બાદ X પર લખ્યું કે, ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે હારતી જોવી જ ખુશી છે. આબીદ અલીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આબિદ અલીએ પાકિસ્તાન માટે 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 49.16ની સરેરાશથી 1180 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે પાકિસ્તાન માટે 6 વનડે પણ રમી છે, જેમાં એક સદી અને એક અડધી સદીની મદદથી 234 રન બનાવ્યા છે.
આબિદ અલીએ પોતાની વ્યાવસાયિક ક્રિકેટ કારકિર્દીમાં કુલ 37 સદી ફટકારી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 11,696 રન અને લિસ્ટ A મેચોમાં 3874 રન બનાવ્યા હતા. જોકે, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી રહી અને ફક્ત બે વર્ષ સુધી ચાલી; તેણે પોતાની છેલ્લી મેચ 2021માં રમી હતી.
નોંધનીય છે કે, આ પહેલી વાર હતું જ્યારે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે મેચ હારી ગઈ અને તેને શ્રેણી પણ ગુમાવવી પડી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ પણ આયર્લેન્ડ સામે એક મેચ હારી ચૂકી છે; આ હાર તેને 2024માં મળી હતી.

