- National
- પત્ની સાથેના ઝઘડાએ SPની ખુરશી છીનવી લીધી, IPS ભાનુ પ્રતાપ સિંહની નોકરીથી લગ્ન સુધીની કહાની
પત્ની સાથેના ઝઘડાએ SPની ખુરશી છીનવી લીધી, IPS ભાનુ પ્રતાપ સિંહની નોકરીથી લગ્ન સુધીની કહાની
એક સમયે UPSC પરીક્ષાઓની તૈયારીના દિવસોમાં સાથ નિભાવવાનું વચન અને પછી સિવિલ સેવામાં સફળતા અને IPS સુધીની સફર. ભાનુ પ્રતાપ સિંહના જિંદગીની કહાનીમાં એક સમય એવો પણ હતો જ્યારે તેમની પાસે કોઈ સરકારી નોકરી નહોતી. વર્ષ 2016માં પૂજા સિંહે તેમની સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો. સમય બદલાયો, ભાનુ પ્રતાપ સિંહ IPS અધિકારી બન્યા અને બિહારના ખગડિયા જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP)ની જવાબદારી સંભાળવા સુધી પહોંચ્યા. પરંતુ, હવે તેમના અંગત જીવનનો વિવાદ સાર્વજનિક થઇ ગયો છે. પત્ની પૂજા સિંહે તેમના અને તેમના પરિવાર પર સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે. છ વર્ષની પુત્રી સાથે વાત ન કરવા દેવાનો પણ દાવો કર્યો છે. આ દરમિયાન, બિહાર સરકારે ભાનુ પ્રતાપ સિંહને ખગડિયાના SP પદ પરથી હટાવી દીધા છે અને તેમને પટના સ્થિત પોલીસ મુખ્યાલયમાં પરત બોલાવી લીધા છે.
બિહાર પોલીસ વિભાગમાં તાજેતરમાં થયેલા ફેરફારો અંતર્ગત, IPS ભાનુ પ્રતાપ સિંહને ખગડિયાના પોલીસ અધિક્ષક (SP) પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સરકારે તેમને પટનામાં પોલીસ મુખ્યાલય ખાતે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. તેમની જગ્યાએ શિવહરના SP શૈલેન્દ્ર સિંહને ખગડિયાના નવા SP બનાવવામાં આવ્યા છે, જ્યારે મોહિબુલ્લાહ અન્સારીને શિવહરના નવા SP બનાવવામાં આવ્યા છે. આ વહીવટી ફેરફાર એવા સમયે થયો છે જ્યારે ભાનુ પ્રતાપ સિંહ તેમની પત્ની સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. પત્નીની ફરિયાદ, મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન અને મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા કેસે આ મામલાને વધારે ચર્ચામાં લાવી દીધો છે.
ભાનુ પ્રતાપ સિંહ અને પૂજા સિંહના લગ્ન 2016માં થયા હતા. તે સમયે, ભાનુ પ્રતાપ સિંહ સિવિલ સર્વિસિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને તેમની પાસે કોઇ નોકરી નહોતી. તાજેતરની એક વાતચીતમાં, પૂજા સિંહે તેમના લગ્નજીવનના શરૂઆતના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, તેમણે એ સમયે તેમનો સાથ પસંદ કર્યો હતો, જ્યારે તેમના પતિ પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.. ત્યારબાદ, ભાનુ પ્રતાપ સિંહે સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળતા મેળવી અને ભારતીય પોલીસ સેવા (IPS) માટે પસંદગી પામ્યા. તેઓ 2021 બેચના IPS અધિકારી છે. તેમના પત્નીનું કહેવું છે કે જે સંબંધની શરૂઆત સંઘર્ષોના દિવસોમાં સાથ આપવાના પરસ્પર વચનથી થઇ હતી, આજે એ જ સંબંધમાં એવી પરિસ્થિતિ આવી ગઇ કે તેમણે પોલીસ પાસે જવું પડ્યું.
આ સમગ્ર પરિસ્થિતિનો સૌથી હૃદયદ્રાવક પાસું એ છે કે, પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા હોવા છતા પૂજા સિંહ છૂટાછેડા લેવા માંગતા નથી. તેમનું કહેવું છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમનો પરિવાર વિખેરાઈ જાય. તેઓ ઈચ્છે છે કે તેમના પતિ સાથે ફરી વાતચીત શરૂ થાય અને પરિવાર ફરી એકસાથે રહી શકે. પૂજા સિંહના જણાવ્યા અનુસાર, તેઓ હજુ પણ તેમના પતિ અને 6 વર્ષની પુત્રી સાથે નવી શરૂઆત કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમના પતિ તેમની વાત સમજવા અને પરિવારને એક રાખવા તૈયાર હોય, તો તેઓ પોલીસ ફરિયાદ પાછી ખેંચવા પણ તૈયાર છે.
પૂજા સિંહની ફરિયાદનો એક મહત્વપૂર્ણ મુદ્દો તેમની છ વર્ષની પુત્રી સાથે જોડાયેલો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના પતિ તેમને બાળકી સાથે વાત કરવા દેતા નથી. સંપર્ક ન થઈ શકવાની પરેશાનીને લઇને, તેમણે તાજેતરમાં પટનામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર ધરણાં કર્યા હતા. પૂજા સિંહનું કહેવું છે કે તેઓ તેમની પુત્રીને મળવા અને તેની સાથે વાત કરવા માંગે છે; તેમની માંગ છે કે એક માતા તરીકે તેમની પુત્રી સાથે સંપર્કનો અધિકાર મળે. પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે તેમની પુત્રી સાથેના સંબંધો પર પણ અસર કરી રહ્યો છે, આ જ કારણ છે કે પૂજા સિંહ સતત વહીવટીતંત્રને હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યા છે.
પૂજા સિંહે પટનાના મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ ભાનુ પ્રતાપ સિંહ અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે સતામણી સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, સચિવાલય SDPO-1 અનુ કુમારીએ ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી અને હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. આ પ્રકારે આ કેસ અત્યારે પોલીસ તપાસના તબક્કે છે. પૂજા સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે ભાનુ પ્રતાપ સિંહનો પક્ષ હજુ સામે આવવાનો બાકી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, તેમની પ્રતિક્રિયા મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
ભાનુ પ્રતાપ સિંહ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીના વતની છે. તેમણે હિન્દી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. સિવિલ સર્વિસીસમાં આવતા પહેલા તેમણે ખૂબ જ મહેનત કરી હતી; અહેવાલો અનુસાર, 2018 અને 2020ની વચ્ચે તેમણે UPSC અને રાજ્ય સિવિલ સેવાની પરીક્ષાઓમાં સફળતા મેળવી હતી. મુખ્ય પરીક્ષા માટે તેમણે હિન્દી સાહિત્ય વિષય પસંદ કર્યો હતો. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)માં પસંદગી પામ્યા બાદ, તેમની પ્રથમ મહત્ત્વપૂર્ણ નિમણૂક મુઝફ્ફરપુરમાં ટાઉન ASP તરીકે થઈ હતી. ત્યાં તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક અભિગમ અપનાવ્યો હતો. રસ્તાઓ પર ગુંડાગીરી અને તોફાની તત્વો સામે નિર્ણાયક કાર્યવાહી કરીને તેમણે એક કડક પોલીસ અધિકારી તરીકેની છબી બનાવી હતી. ત્યારબાદ, દાનાપુરમાં ASP તરીકેના કાર્યકાળ દરમિયાન, તેમણે લીધેલા વિવિધ કડક પગલાંને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2024માં, બાહુબલી ધારાસભ્ય રીતલાલ યાદવના ભાઈ પિંકુ યાદવ સાથે સંકળાયેલા મામલામાં પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી. આ ઓપરેશને એક કઠોર પોલીસ અધિકારી તરીકેની તેમની છબીને વધુ મજબૂત બનાવી હતી. જોકે, હાલમાં તેઓ કોઈ પોલીસ ઓપરેશન કે ગુનેગારો વિરુદ્ધની કાર્યવાહીને કારણે નહીં, પરંતુ તેમના અંગત જીવનમાં ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં છે. એક તરફ, તેમની પત્ની પરિવારને ફરી એક કરવા માટે વિનંતી કરી રહી છે, તો બીજી તરફ આ પોલીસ અધિકારી સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસ થવાની છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને ભાનુ પ્રતાપ સિંહ આ સમગ્ર મામલે પોતાનો પક્ષ ક્યારે સામે રાખે છે.

