- National
- શું સમોસા ખાવા માટે લોકો પાઇલટે ટ્રેનને વચ્ચે જ રોકી દીધી? રેલવેએ આપ્યો જવાબ
શું સમોસા ખાવા માટે લોકો પાઇલટે ટ્રેનને વચ્ચે જ રોકી દીધી? રેલવેએ આપ્યો જવાબ
વરસાદની ઋતુ હોય અને લોકોને ગરમાગરમ ભજીયા-સમોસા ખાવાની ઇચ્છા થવી એ એક સામાન્ય વાત છે. જો કોઈ દુકાનમા ગરમા ગરમ તાજા સમોસા બની રહ્યા હોય, તો લોકોના પગ ત્યાં અટકી જાય છે અને ઘણીવાર રોકાઈને તેનો સ્વાદ માણીને જ આગળ વધે છે. પરંતુ, જ્યારે આ સમોસા કોઈની જવાબદારીમાં દખલ કરે છે, ત્યારે મામલો ગંભીર બની જાય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ટ્રેન દેખાઈ રહી છે, જોકે તે સ્પષ્ટ નથી કે તે માલગાડી છે કે પેસેન્જર ટ્રેન. એક વ્યક્તિ એન્જિનમાંથી ઉતરીને નજીકની દુકાનમાંથી સમોસા ખરીદતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સમોસા ખરીદનાર વ્યક્તિ ટ્રેનનો લોકો પાઇલટ છે. વાયરલ વીડિયો મુજબ, આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમાં બની હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં દેખાતી ટ્રેન મહુ અને ઇન્દોર વચ્ચે દોડે છે.
પશ્ચિમ રેલવેએ સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોને ભ્રામક ગણાવ્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, વીડિયોમાં દેખાતી ટ્રેન પેસેન્જર ટ્રેન નહોતી, પરંતુ એક માલગાડી હતી જેને રાઉ યાર્ડમાં પૂર્વનિર્ધારિત એન્જિનિયરિંગ કાર્યને કારણે હોમ સિગ્નલ પર રોકવામાં આવી હતી.
https://twitter.com/AmdavadMatters/status/2074670101505413431
રતલામ રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે જણાવ્યું હતું કે, 'વીડિયોની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આગળના ટ્રેક પર એન્જિનિયરિંગનું કામ ચાલુ હોવાને કારણે તેણે સિગ્નલ નહોતું મળ્યું, અને તેથી તેને રાઉ ખાતે 'હોમ સિગ્નલ' પર રોકવામાં આવી હતી.'

મુકેશ કુમારે જણાવ્યું હતું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ ટ્રેનનો ઓન-ડ્યુટી આસિસ્ટન્ટ લોકો પાઇલટ નહોતો, પરંતુ એક સ્પેર (રિઝર્વ) આસિસ્ટન્ટ લોકો પાઇલટ હતો. તેમણે જણાવ્યું હતું કે, અધિકૃત ઓપરેશનલ હોલ્ટ દરમિયાન તે વ્યક્તિએ વ્યક્તિગત રીતે ખાદ્ય પદાર્થો ખરીદ્યા હતા. કુમારે જણાવ્યું હતું કે, 'લોકો પાઇલટે સમોસા ખરીદવા માટે ટ્રેન રોકી હોવાનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો અને ખોટો છે.' તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મીડિયા પર આ વીડિયોને DEMU (ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) પેસેન્જર ટ્રેન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે આ ઘટનામાં માલગાડીનો સમાવેશ થાય છે.

વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લોકો પાઇલટના વલણ અને જવાબદારી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
પશ્ચિમ રેલ્વેએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ ઇન્ટરનેટ પર ફરતા કોઈપણ વિડીયો અથવા દાવાઓને શેર કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતો સાથે ચકાસી લે. રેલ્વેએ નાગરિકોને ભ્રામક અથવા અપ્રમાણિત માહિતી ફેલાવવાનું ટાળવા અને ફક્ત ચકાસાયેલ તથ્યો પર આધાર રાખવા વિનંતી કરી છે.

