- National
- મોક ઈન્ટરવ્યૂમાં ભ્રષ્ટાચાર અને પોલીસ સુધારાની વાત કરનારા IPS પર જ લાગી ગયો 1 કરોડ લાંચનો આરોપ
મોક ઈન્ટરવ્યૂમાં ભ્રષ્ટાચાર અને પોલીસ સુધારાની વાત કરનારા IPS પર જ લાગી ગયો 1 કરોડ લાંચનો આરોપ
ઘણીવાર એવું બને છે કે જે લોકો આદર્શવાદીની વાત કરતા હોય છે, તેઓ વાસ્તવિકતામાં તેનાથી વિપરીત સાબિત થાય છે. છત્તીસગઢ કેડરના 2022 બેચના IPS અધિકારી રાહુલ બંસલનો આ કિસ્સો કંઇક આવો જ છે. IPS બંસલ અને બે પોલીસકર્મીઓના નામ એક ફરિયાદમાં આવ્યા છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સાયબર છેતરપિંડીનો કેસ ઉકેલવા માટે રૂ. 1 કરોડની લાંચ લેવામાં આવી હતી. આ કેસ થયા પછી, IPS બંસલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સિવિલ સર્વિસની તૈયારી કરતી વખતે તેમણે આપેલા એક મોક ઇન્ટરવ્યુનો છે. ચાલો પહેલા એ સમજી લઈએ કે, આ વીડિયોમાં શું છે.
UPSCની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થાઓ પણ આંતરિક રીતે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ લે છે. આ ઉમેદવારોની તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે લોકો પસંદગી પામે છે તે લોકોના મોક ઇન્ટરવ્યુ બહાર પાડવામાં આવે છે. આવો જ એક મોક ઇન્ટરવ્યુ રાહુલ બંસલનો પણ છે. વીડિયોમાં, બંસલ ભ્રષ્ટાચાર અને પોલીસ સુધારાની જરૂરિયાત વિશે વાત કરે છે. તે કહે છે, 'કેટલાક ભ્રષ્ટ અને અસમર્થ લોકો હોય છે. પરંતુ તમે આખી સિસ્ટમને દોષી ઠેરવી શકતા નથી.'
તે પછી પોતાનો અનુભવ પણ કહે છે, જેમાં તેણે જણાવ્યું હતું કે, કેવી રીતે તેમની પાસેથી લાંચ માંગવામાં આવી હતી. બંસલના જણાવ્યા મુજબ, તેમનો ભાઈ IIT કાનપુરમાં અભ્યાસ કરતો હતો અને પેપર પ્રેઝન્ટેશન માટે US જવાનું હતું. તેમને વિઝા માટે અરજી કરવા માટે તાત્કાલિક જન્મ પ્રમાણપત્રની જરૂર હતી. બંસલે આરોપ લગાવ્યો હતો કે એક પંચાયત અધિકારીએ પ્રમાણપત્ર જલ્દીથી આપવા માટે 500 રૂપિયા માંગ્યા હતા. તેમણે કહ્યું કે, આનાથી તેમને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. તેમણે પોલીસ અને જાહેર વહીવટમાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પરંતુ હવે, થોડા વર્ષો પછી, તેમના પોતાના પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
રાહુલ બંસલના આ મોક ઇન્ટરવ્યુ વીડિયોએ ખાસ ચર્ચા જગાવી હતી. હવે, આ ક્લિપ ફરીથી વાયરલ થઈ રહી છે, પરંતુ આ વખતે એક અલગ કારણસર. છત્તીસગઢ કેડરના IPS અધિકારી બંસલનું નામ ફરિયાદમાં બે અન્ય પોલીસકર્મીઓ સાથે લેવામાં આવ્યું છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સાયબર છેતરપિંડીના કેસને ઉકેલવા માટે રૂ. 1 કરોડની લાંચ લેવામાં આવી હતી. સિવિલ સર્વિસની તૈયારી દરમિયાન બંસલે જે વાત કહી હતી તે અને અત્યારે તેના પર લગાવવામાં આવેલા આરોપો પછી, તેમનો જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હીની સ્પેશિયલ CBI કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં IPS બંસલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર પ્રવીણ કુમાર રાઠોડ અને કોન્સ્ટેબલ અંશુલ શર્માના નામ છે. તેમના પર રૂ. 1 કરોડની લાંચ લેવાનો આરોપ છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પૈસા સાયબર છેતરપિંડીના કેસને ઉકેલવા માટે માંગવામાં આવ્યા હતા. સ્પેશિયલ કોર્ટે છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પાસેથી 'એક્શન ટેકન રિપોર્ટ' માંગ્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ફરિયાદીએ કથિત વ્યવહાર સંબંધિત ડિજિટલ પુરાવા પણ રજૂ કર્યા છે, જેમાં વોટ્સએપ વાતચીત અને કોલ રેકોર્ડિંગનો સમાવેશ થાય છે.
ભારતીય પોલીસ સેવામાં જોડાતા પહેલા, બંસલે IT (ઈન્ક્મટેક્સ) ઇન્સ્પેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. IPS અધિકારી તરીકે તેમનું પ્રથમ ફિલ્ડ પોસ્ટિંગ છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે હતું. આ પોસ્ટિંગ દરમિયાન સાયબર છેતરપિંડીના કેસ સંબંધિત આરોપો સામે આવ્યા હતા. ફરિયાદ મુજબ, રૂ. 1 કરોડની કથિત ચુકવણી એક જ વારમાં નહીં પણ બે હપ્તામાં કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવે છે કે, મે 2026માં હવાલા દ્વારા રૂ. 50 લાખની બે વખત ચુકવણી કરવામાં આવી હતી. હાલમાં આ કેસની તપાસ ચાલુ છે.

