- National
- કોઈએ અરજી ન કરી તો પણ 14000ની વિગતો બદલી દેવાઇ, શું SIRના બે અધિકારીઓ જેલ ભેગા થશે?
કોઈએ અરજી ન કરી તો પણ 14000ની વિગતો બદલી દેવાઇ, શું SIRના બે અધિકારીઓ જેલ ભેગા થશે?
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મતદાર યાદીમાં ગેરરીતિઓ માટે જવાબદાર અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાયો છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)એ જિલ્લાના બે ચૂંટણી નોંધણી અધિકારીઓ (EROs) મયંક ગોસ્વામી અને હેમંત ચૌધરી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. શનિવારે, 31 ઓક્ટોબરના રોજ, ચૂંટણી પંચે આ બંને સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો પણ આદેશ આપ્યો હતો. પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિણવાનેને પત્ર લખીને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
ચૂંટણી પંચે પત્રમાં UP ના CEO નવદીપ રિણવાને જણાવ્યું હતું કે તેમણે મોકલેલા અહેવાલની તપાસ કરવામાં આવી છે. તેના આધારે, ERO મયંક ગોસ્વામી અને હેમંત ચૌધરી સામેકાયદેસર અને સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બે અધિકારીઓ ઉપરાંત, એક કોમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ પણ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય ચૂંટણી પંચે UPના CEOને 127 પીલીભીત વિધાનસભા મતવિસ્તારના બે ચૂંટણી નોંધણી અધિકારીઓ (EROs) મયંક ગોસ્વામી અને હેમંત ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને વધુ તપાસ માટે તેમની ચાર્જશીટ પંચ સમક્ષ રજૂ કરવા તેમજ પંચની પૂર્વ મંજૂરી વિના આ અધિકારીઓને ફરીથી ફરજ પર લેવામાં ન આવે તેવો નિર્દેશ આપ્યો છે.
આ મામલે ત્યારે ગરમાવો આવ્યો જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP)એ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી. 22 ઓક્ટોબરના રોજ, CEO નવદીપ રિણવાએ મતદાર યાદીમાં ગેરરીતિઓ સ્વીકારી હતી અને જવાબદાર બંને ERO વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી હતી.
CEOએ સ્વીકાર્યું કે એક કોમ્પ્યુટર ઓપરેટરે 31 મે, 2026 થી 29 ઓગસ્ટ, 2026ની વચ્ચે 'ફોર્મ 8ની 13,779 એન્ટ્રીઓ કરી હતી, જ્યારે ઓફિસમાં કોઈ અસલી ફોર્મ કે સપોર્ટિંદ દસ્તાવેજો મળી આવ્યા નહોતા. 'ફોર્મ 8'નો ઉપયોગ ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ (EPIC) એટલે કે મતદાર ઓળખ કાર્ડમાં સુધારા-વધારા કરવા માટે થાય છે.
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ન કાયદાનો અનાદર કરનારા લોકસેવક સાથે જોડાયેલી ભારતીય ન્યાય સંહિતા' (BNS)ની કલમ 198ને બે અધિકારીઓ અને અનિલ કુમાર નામના કમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRમાં જોડવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, આ કેસોને તાર્કિક અંજામ સુધી પહોંચવા માટે સંબંધિત અદાલતમાં મજબૂતીથી લડવું જોઈએ.
ચૂંટણી પંચે એક અઠવાડિયાની અંદર પીલીભીતની મતદાર યાદીની સ્ક્રૂટનીનો અહેવાલ પણ માંગ્યો છે. પંચે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEOs) અને ચૂંટણી નોંધણી અધિકારીઓ (EROs)ને સૂચના આપી છે કે તેઓ પોતપોતાના અધિકારક્ષેત્ર હેઠળની મતદાર યાદીઓની ઝીણવટભરી પુનઃતપાસ કરે.
પંચે ખાસ કરીને, 'ફોર્મ 6', 'ફોર્મ 7' અને 'ફોર્મ 8' હેઠળ મતદારયાદીમાં મતદારોને જોડવા, કાઢવા કે તેમની જાણકારીમાં ફેરફારોનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. રવિવાર, 1 નવેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિણવાએ એક મોટો નિર્ણય લીધો. તેમણે ઉત્તર પ્રદેશમાં ERO ઓફિસના તમામ કમ્પ્યુટર ઓપરેટરોના લોગિન ID અને પાસવર્ડ તાત્કાલિક ડિએક્ટિવ કરવાનો આદેશ આપ્યો હતો.
મતદાર યાદીમાં અનિયમિતતાઓ અંગે ફરિયાદો મળ્યા બાદ, ઉત્તર પ્રદેશના CEO નવદીપ રિણવાએ પીલીભીતના જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) આલોક કુમારને મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો. આલોક કુમાર પીલીભીતના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) છે.
તેમની તપાસના બાદ, પીલીભીતવા પુરનપુર તાલુકાના SDM મયંક ગોસ્વામી અને અમરિયાના SDM હેમંત ચૌધરીને તેમના પદ પરથી હટાવીને જિલ્લા મુખ્યાલય સાથે એટેચ કરવામાં આવ્યા હતા. તો, મતદાર નોંધણી કેન્દ્ર પર કામ કરતા કમ્પ્યુટર ઓપરેટર અનિલ કુમારને નોકરી ખતમ કરી દેવામાં આવી છે.

