- National
- 80 કરોડની છેતરપિંડી કરનારો નકલી IAS અધિકારી પકડાયો
80 કરોડની છેતરપિંડી કરનારો નકલી IAS અધિકારી પકડાયો
લખનઉ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને એવા આરોપીની ધરપકડ કરી છે, જે નકલી IAS અધિકારી તરીકે પોતાની ઓળખાણ આપીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યો હતો. આ આરોપીનું નામ છે ડૉ. વિવેક મિશ્રા, જેની લખનઉ પોલીસે કામતા બસ સ્ટેશનથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તેણે 150થી વધુ લોકો સાથે આશરે 80 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. CID છેલ્લા 6 વર્ષથી તેની શોધ કરી રહી હતી, ત્યારે હવે તેને સફળતા મળી છે.
એવું જાણવા મળ્યું છે કે, સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ મિશ્રાએ 2019માં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, તે જૂન 2018માં કેટલાક સંબંધીઓ દ્વારા વિવેકને મળ્યો હતો. તેણે પોતાને 2014 બેચના IAS અધિકારી તરીકે રજૂ કર્યો હતો અને ગુજરાત સરકારમાં મુખ્ય સચિવ તરીકે કામ કરતો હોવાનો દાવો પણ કર્યો હતો. વિશ્વાસ મેળવવા માટે, તેણે તેની બહેનોનો પણ ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે, તેઓ ગુજરાતમાં IPS અધિકારી છે.
પરંતુ જ્યારે લખનઉ પોલીસે કેસની તપાસ કરી અને આરોપીની ધરપકડ કરી, ત્યારે જાણવા મળ્યું કે તેણે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ઘણી નકલી પ્રોફાઇલ બનાવી હતી. તેણે છોકરીઓને લગ્નનો પ્રસ્તાવ મૂકીને તેમના પરિવારજનોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, તેણે ઘણી વખત હાલમાં સેવા આપતા ઘણા IAS અને IPS અધિકારીઓના નામનો દુરુપયોગ પણ કર્યો.
હાલ તો, લખનઉ પોલીસ આરોપીના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે અને તેના ડિજિટલ રેકોર્ડની પણ તપાસ કરી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે આવી છેતરપિંડી પ્રકાશમાં આવી હોય. ફક્ત રાજ્ય બદલાય છે, અને આરોપીઓ અલગ હોય છે, પરંતુ ગુનો એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને આચરવામાં આવે છે. જો કે, છેતરપિંડી ફક્ત નકલી અધિકારીઓ તરીકે ઓળખ આપીને કરવા પૂરતી મર્યાદિત નથી, ડિજિટલ ધરપકડ પણ સામાન્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલાજ એક નિવૃત્ત ન્યાયાધીશ સાથે પણ છેતરપિંડી થઈ ચુકી હતી.

