- National
- ‘ફરવા લઈ જઈ રહ્યો છું’, કહી દોઢ વર્ષની દીકરીને લઈ ગયો પિતા અને નદીમાં ફેંકી દીધી કારણ કે...
‘ફરવા લઈ જઈ રહ્યો છું’, કહી દોઢ વર્ષની દીકરીને લઈ ગયો પિતા અને નદીમાં ફેંકી દીધી કારણ કે...
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સંબંધોને શરમમાં નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. પુત્રની ચાહતમાં એક પિતાએ તેની દોઢ વર્ષની દીકરીને નદીમાં ફેંકી દીધી. આ ઘટના જૌનપુરના કેરાકટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પોલીસે પિતાની અટકાયત કરી છે અને છોકરીને શોધવા માટે તરવૈયાઓને લગાવ્યા છે. માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવી વાત પણ સામે આવી છે કે લગભગ 10 મહિના અગાઉ મુંબઈમાં રહેતા પિતાએ તેની દીકરીને ગાદલાથી ગૂંગળાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
કેરાકટ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરગસેનપુર ગામના રહેવાસી અશોક વિશ્વકર્મા 3 દીકરીઓનો પિતા છે. બુધવારે સવારે અશોક પોતાની દોઢ વર્ષની દીકરી રૂતબી સાથે સાયકલ પર ઘરેથી નીકળ્યો હતો. તેણે પોતાની પત્ની સંજૂને કહ્યું કે તે રૂતબીને ફરવા લઈ જઈ રહ્યો છે. જોકે, અશોકે તેની દીકરીને તેમના ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર પંપ કેનાલ પાસે જઈને ગોમતી નદીમાં ફેંકી દીધી.
નદીના બીજા કિનારે બેઠેલા કેટલાક નાવ ચાલકોએ આ ઘટના પોતાની આંખોથી જોઈ લીધી. તેમણે બૂમ પાડતા દીકરીને બચાવવા માટે નદીમાં છલાંગ પણ લગાવી, પરંતુ અંતર વધુ હોવા અને તેજ વહેણને કારણે છોકરીને ન બચાવી શક્યા. થોડા સમયમાં જ ઘટનાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તેમણે આરોપી પિતા અશોકની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. ત્યારબાદ CO અજીત રજક અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને શોધખોળનું નિરીક્ષણ કર્યું.
અશોકની પત્ની સંજુએ પોલીસને જણાવ્યું કે, ત્રીજી દીકરીનો જન્મ થવાથી અશોક વારંવાર ઝઘડો કરતો હતો. તે એક પુત્ર ઇચ્છતો હતો, પરંતુ તે ન પેદા થતા નારાજ હતો. અશોક મુંબઈમાં મજૂરી કામ કરે છે, જ્યારે તેની પત્ની અને 3 પુત્રીઓ ગામમાં રહે છે. મોટી પુત્રી આકાંક્ષા 18 વર્ષની છે અને બીજી પુત્રી સૃષ્ટિ 13 વર્ષની છે. સંજૂએ જણાવ્યું કે લગભગ 10 મહિના અગાઉ અશોકે મુંબઈમાં રજાઈથી તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે સંજુની ફરિયાદના આધારે કેસ નોંધીને અશોકની ધરપકડ કરી છે. તો 24 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ પુત્રીનો મૃતદેહ નદીમાંથી મળ્યો નથી. પુત્રીને શોધવા માટે તરવૈયાઓની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

