- National
- MPની હૉસ્પિટલમાં ઉંદરોના કરડવાથી વધુ એક બાળકનો ગયો જીવ, રાહુલ ગાંધી બોલ્યા- ‘આ સીધી રીતે..’
MPની હૉસ્પિટલમાં ઉંદરોના કરડવાથી વધુ એક બાળકનો ગયો જીવ, રાહુલ ગાંધી બોલ્યા- ‘આ સીધી રીતે..’
ઇન્દોરની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ મહારાજા યશવંતરાવ હૉસ્પિટલ (MYH)માં ઉંદર કરડવાથી 2 બાળકોનો જીવ જતા વિવાદ ઉભો થયો છે. એવો આરોપ છે કે બંને બાળકોના જીવ જવા પાછળનું કારણ ઉંદર કરડવાનું છે. જ્યારે ડૉક્ટરોએ આ વાતનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ બાળકોને બીજી સમસ્યાઓ હતી, જેના કારણે તેમનો જીવ ગયો. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
બુધવાર 3 સપ્ટેમ્બરના રોજ એક બાળકીનો જીવ ગયો હતો. આ ઘટનામાં પોસ્ટમૉર્ટમ ન કરવાના નિર્ણય પર સવાલ ઉભા થયા હતા. તો, ડૉક્ટરોનું કહેવું છે કે પરિવારની ઇચ્છા મુજબ, મૃતદેહ પોસ્ટમૉર્ટમ વિના તેમને સોંપવામાં આવ્યો હતો. આ અગાઉ 2 સપ્ટેમ્બર, મંગળવારના રોજ હૉસ્પિટલમાં ઉંદર કરડવાથી વધુ એક નવજાતનો જીવ ગયો હતો. હૉસ્પિટલની અંદરના ઘણા કથિત વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં ઉંદરો આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.
https://twitter.com/meevkt/status/1963199518419357725
જોકે, હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અશોક યાદવે જણાવ્યું હતું કે બાળકો ઉંદર કરડવાથી નહીં, પરંતુ જન્મજાત સમસ્યાઓને કારણે તેમના જીવ ગયા. તેમણે જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરના રોજ જીવ ગુમાવનાર બાળકનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં હૃદયની અનેક નળીઓમાં સમસ્યાઓ, લોહીમાં પ્લેટલેટ્સનો અભાવ અને સેપ્ટિસેમિયાનો ખુલાસો થયો હતો.
બાળકોના જીવ ગયા બાદ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ કોઈ દુર્ઘટના નહીં, સીધી-સીધી હ*ત્યા છે. તેમણે X પર લખ્યું છે કે, ‘એક માતાએ પોતાનું બાળક ગુમાવ્યું. માત્ર એટલા માટે કે સરકારે તેની સૌથી મૂળભૂત જવાબદારી ન નિભાવી. આરોગ્ય ક્ષેત્રને જાણી જોઈને ખાનગી હાથમાં સોંપવામાં આવ્યું હતું, જ્યાં સારવાર હવે માત્ર અમીર લોકો માટે છે. ગરીબો માટે, સરકારી હૉસ્પિટલો હવે જીવનરક્ષક નથી, પરંતુ મો*તના અડ્ડા બની ચૂકી છે.
https://twitter.com/ANI/status/1963262329748877736
રાહુલે આગળ લખ્યું કે, પ્રશાસન હંમેશાંની જેમ કહે છે કે, ‘તપાસ થશે.’ પરંતુ સવાલ એ છે કે, ‘જ્યારે તમે નવજાત બાળકોની સુરક્ષા પણ ન કરી શકો, તો સરકાર ચલાવવાનો શું હક છે?’ કોંગ્રેસના સાંસદે આગળ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ શરમથી માથું ઝૂકાવી લેવું જોઈએ. તમારી સરકારે દેશના કરોડો ગરીબ લોકો પાસેથી આરોગ્યનો અધિકાર છીનવી લીધો છે. હવે માના ખોળામાંથી પણ બાળકો છીનવાઈ રહ્યા છે.
તો આ ઘટનાને લઈને પત્રકારો સાથેની વાતચીત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, ‘અમારી સરકાર કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરે. મેં કલેક્ટરને નિર્દેશ આપી દીધા છે અને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને જાણ કરી છે. મેં આરોગ્ય મંત્રીને પણ કાર્યવાહી કરવા કહ્યું છે.
બીજી તરફ, રાજ્ય માનવ અધિકાર પંચે આ ઘટનાની નોંધ લીધી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, પંચે હૉસ્પિટલના અધિક્ષકને પત્ર લખીને એક મહિનાની અંદર રિપોર્ટ માગ્યો છે. કામમાં બેદરકારી બદલ બાળરોગ વિભાગના અધ્યક્ષ ડૉ. બ્રજેશ લાહોટીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તો ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, હૉસ્પિટલમાં સ્વચ્છતા વ્યવસ્થા માટે જવાબદાર ખાનગી એજન્સી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેને સેવા સમાપ્ત કરવાની નોટિસ પણ આપવામાં આવી છે.

