- National
- સરકારી હોસ્પિટલમાં ડોક્ટર-નર્સને બદલે મહિલા ગાર્ડે દર્દીને ઇન્જેક્શન આપી દીધું
સરકારી હોસ્પિટલમાં ડોક્ટર-નર્સને બદલે મહિલા ગાર્ડે દર્દીને ઇન્જેક્શન આપી દીધું
છત્તીસગઢમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. આ તસવીર એટલી તો ચોંકાવનારી છે કે, દરેક વ્યક્તિ તેને જોઈને દંગ રહી ગયા. જ્યાં ગરિયાબંદ જિલ્લા હોસ્પિટલમાં નર્સને બદલે એક મહિલા ગાર્ડે દર્દીને ઇન્જેક્શન આપ્યું. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હાઇકોર્ટને પણ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો. છત્તીસગઢ હાઇકોર્ટે આ ગંભીર બેદરકારી બદલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને સખત ઠપકો આપ્યો છે.
હકીકતમાં, 19 ઓગસ્ટના રોજ, એક મહિલા ગાર્ડે હોસ્પિટલના વોર્ડમાં દર્દીને ઇન્જેક્શન આપ્યું. ભૂતપૂર્વ કાઉન્સિલર યોગેશ બઘેલે આ દ્રશ્ય પોતાના મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. આ તસવીર થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને સમગ્ર આરોગ્ય વિભાગ બદનામ થઈ ગયો. તસવીર વાયરલ થયા પછી જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. કલેક્ટરે CMHO ડૉ. V.S. નવરત્ન અને સિવિલ સર્જન ડૉ. યશવંત ધ્રુવને નોટિસ ફટકારી હતી. પરંતુ મામલો અહીં જ અટક્યો નહીં.
છત્તીસગઢ હાઈકોર્ટે મીડિયા રિપોર્ટ્સ અને વાયરલ ફોટોની જાતે નોંધ લીધી. ચીફ જસ્ટિસ રમેશ કુમાર સિંહા અને જસ્ટિસ BD ગુરુની ડિવિઝન બેન્ચે આ ઘટનાને લોકોના જીવની સાથે મજાક ગણાવી અને રાજ્ય સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કલેક્ટર પાસેથી સોગંદનામા સાથે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે અને પૂછ્યું છે કે, જો આ સમય દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ થયું હોત તો કોણ જવાબદાર હોત. શું નોટિસ બહાર પાડવા પૂરતી છે કે સિસ્ટમ સુધારવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યા છે? આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ માત્ર બેદરકારી નથી પરંતુ તબીબી નીતિશાસ્ત્ર અને વ્યાવસાયિક ધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. ગાર્ડ પાસેથી ઈન્જેક્શન લગાવડાવવું એ દર્દીના જીવન માટે ખતરો જ નથી, પરંતુ સરકારી હોસ્પિટલો પર જનતાનો વિશ્વાસ પણ ડગમગાવે છે. હાઈકોર્ટે ગરિયાબંદ કલેક્ટર પાસેથી સોગંદનામું માંગ્યું છે કે, નોટિસ પછી તેમણે શું પગલાં લીધાં. આ ઉપરાંત, કોર્ટે રાજ્ય સરકારને મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવા, દોષીત અધિકારીઓ પર જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન બને તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. હાલમાં આ કેસની આગામી સુનાવણી 28 ઓગસ્ટે થશે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સેવાઓની કામગીરીની વાસ્તવિકતા છતી કરી છે.

