- National
- અહીં ભાડેથી મળે છે પોલીસવાળા, 33100 રૂપિયામાં આખું પોલીસ સ્ટેશન પણ કરી શકશો બુક
અહીં ભાડેથી મળે છે પોલીસવાળા, 33100 રૂપિયામાં આખું પોલીસ સ્ટેશન પણ કરી શકશો બુક

ભારતમાં સરહદોની સુરક્ષા માટે સેનાને તૈનાત કરવામાં આવે છે. જ્યારે, દેશની આંતરિક સુરક્ષા માટે દરેક રાજ્યોમાં પોલીસને તૈનાત કરવામાં આવી છે. પોલીસમાં ભરતી થવા માટે યુવાનો દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, એક રાજ્ય એવું પણ છે જ્યાં ભાડા પર પોલીસકર્મીઓ મળે છે. આ વાત સાંભળવામાં કદાચ તમને અજીબ લાગતી હશે, પરંતુ આ વાત એકદમ સાચી છે. ત્યારે હાલમાં જ આની સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.
ભાડેથી લઈ શકાય છે પોલીસકર્મી
અહીં તમને જણાવી દઈએ કે, આ અજીબોગરીબ નિયમ કેરળમાં છે. જેને લઈને હાલના દિવસોમાં વિવાદ ચાલી રહ્યો છે. કેરળમાં જૂના નિયમ હેઠળ, પોલીસકર્મીઓને ભાડા પર રાખવામાં આવે છે. પોલીસકર્મીઓને ભાડા પર લેવા માટે તમારે ફક્ત તેની કિંમત ચૂકવવી પડશે. એટલું જ નહીં, તમે ઇચ્છો તો, આખે આખું પોલીસ સ્ટેશન પણ ભાડા પર લઈ શકો છો. કેરળમાં, 700 રૂપિયામાં તમે આખા એક દિવસ માટે કોન્સ્ટેબલને રાખી શકો છો. એક ઈન્સ્પેક્ટર માટે તમારે 2,560 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, આખા પોલીસ સ્ટેશનને ભાડા પર લેવા માટે તમારે 33100 રૂપિયા ચૂકવવા પડશે.
આ રીતે ચર્ચામાં આવ્યો મામલો
હાલમાં જ આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે કુન્નુરના K.K.અંસારે તેની પુત્રીના લગ્નમાં VIP સિક્યોરિટીના નામ પર 4 કોન્સ્ટેબલોને ભાડા પર રાખ્યા. મજાની વાત એ છે કે, આ લગ્નમાં કોઈ VVIP પહોંચ્યું જ નહીં. ત્યાર પછી કેરળના ઘણા પોલીસ અધિકારીઓએ આ નિયમનો વિરોધ કર્યો. એટલું જ નહીં કેરળ પોલીસ એસોસિએશને સોશિયલ મીડિયા દ્વારા આ મામલે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો. પોલીસ એસોસિએશનનું કહેવું છે કે, કેરળ પોલીસ અધિનિયમની કલમ 62 (2) મુજબ, કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત કાર્ય માટે પોલીસને દબાણ નહીં કરી શકશે.
ભાડા માટે નક્કી છે રેટ ચાર્ટ
કેરળમાં પોલીસને ભાડા પર લેવા માટે અલગ અલગ રેટ ચાર્ટ છે. રેટની કામ પ્રમાણે કેટેગરી બનાવવામાં આવી છે. ફિલ્મના શુટિંગ, લગ્ન સમારંભ, અંગત સુરક્ષા માટે રેન્ક પ્રમાણે રેટ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ CI રેન્કના અધિકારીને ભાડા પર રાખવા માટે એક દિવસનું 3795 રૂપિયા ભાડું છે અને એક રાત માટે 4750 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે. એજ રીતે, SI માટે દિવસના 2560 રૂપિયા અને રાતના 4360 રૂપિયા નક્કી છે. ત્યારે જો કોઈ, પોલીસ ડૉગની માંગ કરે છે, તો તેને 6950 આપવા પડે છે.