- National
- મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ
થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. હવે, તે ફરી એકવાર સવાલોના ચક્કરમાં ફસાઈ ગયું છે. NCERT પર ઇતિહાસ સાથે ચેડા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં એક નૃત્યાંગનાનો સુધારેલો ફોટો છાપવામાં આવ્યો છે. કાંસાની આ પ્રતિમા મોહેંજો-દડોમાં ખોદકામ દરમિયાન મળી આવી હતી.
મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં 'મધુરિમા'ના પહેલા પ્રકરણ 'કલાનો ઇતિહાસ'માં એક નૃત્યાંગનાનો ફોટો છાપવામાં આવ્યો છે. આ ફોટામાં, પ્રતિમાના ખભાની નીચેનો ભાગ ઢાંકી દેવામાં આવ્યો છે, જ્યારે મૂળ પ્રતિમાની અંદર આ ભાગને ખુલ્લો બતાવવામાં આવ્યો છે. આ ફેરફારના કારણે પ્રતિમાના શરીરના ભૌતિક લક્ષણો ઢંકાઈ ગયા હતા, જેનાથી એવો ભ્રમ પેદા થયો છે કે, પ્રતિમાએ કપડાં પહેર્યા છે.
આ કાંસાની પ્રતિમા, જે 25 વર્ષથી છાપવામાં આવી રહી છે, તેને તેના મૂળ સ્વરૂપથી ક્યારેય બદલવામાં આવી ન હતી. UPA સરકાર હોય કે NDA સરકાર, પાછલી NDA સરકાર દરમિયાન પણ, જ્યારે મુરલી મનોહર જોશી શિક્ષણ મંત્રી હતા, ત્યારે પણ આ પ્રતિમાની મૂળ છબી પાઠ્યપુસ્તકોમાં છાપવામાં આવી હતી. ઇતિહાસમાં તેના શરીરના ઉપરના ભાગને ઢાંકવાનો આ પહેલો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આશરે ચાર ઇંચ ઊંચી આ પ્રતિમા નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પણ રાખવામાં આવી છે. તે હડપ્પા સંસ્કૃતિના અદ્યતન ધાતુશાસ્ત્રનું પ્રતીક છે. આ પ્રતિમામાં એક છોકરીને આત્મવિશ્વાસપૂર્ણ મુદ્રામાં દર્શાવવામાં આવી છે, તેના વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા છે, અને તેણે તેના હાથમાં બંગડીઓ અને કંગન અને ગળામાં હાર પહેરેલો છે.
ઇતિહાસકારો પ્રતિમાના મૂળ સ્વરૂપમાં છેડછાડ કરવા બદલ NCERT પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના પ્રતિનિધિએ આ ફેરફાર વિશે ઇતિહાસકાર મિશેલ ડેનિનો સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે આ ફોટો વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે અન્યાયી અને ખોટો છે. આખા ધડને ઢાંકવું એ સેન્સરશીપનું એક સ્વરૂપ છે. મિશેલે પ્રશ્ન કર્યો, 'શું આપણે વિક્ટોરિયન નૈતિકતાના યુગમાં પાછા ફરવા માંગીએ છીએ? જો આપણે બાળકો આ દેખાડવા નથી માંગતા, તો શું આપણે તેમને રાષ્ટ્રીય સંગ્રહાલયની મુલાકાત લેતા પણ રોકવા જોઈએ, જ્યાં આવા ઘણા અર્ધ-નગ્ન અથવા નગ્ન પ્રતિમાઓ મુકેલી છે? સૌથી અગત્યની વાત તો એ છે કે, ફોટા સાથે આવી છેડછાડ એક નકલી કલાકૃતિને જન્મ આપે છે, જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. ઇતિહાસ કે કલામાં આવું ક્યારેય કરવામાં આવતું નથી.'

તેમણે ખુલાસો કર્યો કે, NCERTના કેટલાક સભ્યોએ અગાઉ ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં નગ્ન છબી સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને વિવાદાસ્પદ ગણાવ્યો હતો. જો કે, ત્યાર પછી ડેનિનોના વિરોધ પછી, તે ફોટાને હટાવવાને બદલે ફક્ત અંદરના પાન પર નાના આકારમાં છાપવામાં આવ્યો હતો. મિશેલ તે સમયે NCERTના ધોરણ 6ના નવા સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક માટે 'પાઠ્યપુસ્તક વિકાસ સમિતિ'ના વડા હતા.
NCERTના અધિકારીઓએ પણ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્યારે NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીને આ ફોટામાં ફેરફાર કરવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેમણે આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે આ પાછળ કોઈ ખાસ કારણ હોય શકે. છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં નૃત્ય કરતી છોકરીનો ફોટો અન્ય હડપ્પા શોધો જેવો જ છે.'
ચાલો, ધોરણ 9ના જે પાઠ્યપુસ્તકને લઈને આટલો વિવાદ થયો છે, હવે તેના વિશે પણ વધુ જાણી લઈએ. આ પાઠ્યપુસ્તક NCERTની નવી કલા શિક્ષણ શ્રેણીનો એક ભાગ છે, જે નવી શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF) હેઠળ વિકસાવવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ધોરણ 1થી 9ના પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે.

