- National
- ‘સાહેબ... ખૂબ ઠંડી લાગી રહી છે, રજા આપી દો’, બાળકોની ફરિયાદ સાંભળી પીગળી ગયા DM’, મંચ પરથી જ કરી દીધ...
‘સાહેબ... ખૂબ ઠંડી લાગી રહી છે, રજા આપી દો’, બાળકોની ફરિયાદ સાંભળી પીગળી ગયા DM’, મંચ પરથી જ કરી દીધી જાહેરાત
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઠંડી અને ખરાબ હવામાનના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી રહી છે. ખાસ કરીને નાના બાળકોને સવારે શાળાએ જવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડી, ધુમ્મસ અને ઠંડા પવનો વચ્ચે બાળકો સતત રજા માંગી રહ્યા હતા. તેને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે ભાવનાત્મક અને માનવતાવાદી નિર્ણય લીધો, જેનાથી બાળકોને મોટી રાહત મળી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે એક કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે બાળકોને તેમની પરેશાનીઓ અંગે પૂછ્યું અને જાણ્યું કે ઠંડીના કારણે તેમના માટે શાળાએ આવવા-જવાનું મુશ્કેલ બની રહ્યું છે. બાળકોએ ખચકાટ વિના વાત કરી, અને કહ્યું કે, ઠંડી ખૂબ છે. બાળકોની માસૂમ વાતો અને તેમના ચહેરા પર દેખાતી તકલીફ જોઈને, જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્ટેજ પરથી જ 2 દિવસની રજા જાહેર કરી દીધી.
છેલ્લા કેટલાક દિવસોથી હવામાન સતત ખરાબ રહ્યું છે. ગાઢ ધુમ્મસ, તેજ ઠંડા પવનો અને સવારે ઘટતા તાપમાનથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી હતી. ઘણા બાળકોએ હિંમત કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને સીધા સંદેશા મોકલ્યા હતા. આ સંદેશાઓમાં બાળકોએ સરળ શબ્દોમાં લખ્યું હતું કે, ‘DM અંકલ, ખૂબ ઠંડી છે, રજા આપી દો.’ જિલ્લા મેજિસ્ટ્રેટે આ સંદેશાઓને હળવાશથી ન લીધા. તેમણે બાળકોની પરેશાનીને ગંભીરતાથી સમજી અને સ્થળ પર તેમની સાથે વાત કર્યા બાદ, નિર્ણય લીધો કે તેમને ઠંડીના વાતાવરણમાં રાહત આપવી જોઈએ.
જિલ્લા મેજિસ્ટ્રેટની જાહેરાત મુજબ, નર્સરીથી લઈને ધોરણ 12 સુધીની બધી શાળાઓ 2 દિવસ માટે બંધ રહેશે. આ જાહેરાત થતા જ બાળકોના ચહેરા પર ચમક આવી ગઈ. તેમણે તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી અને જિલ્લા મેજિસ્ટ્રેટનો ખૂબ આભાર માન્યો. આ અચાનક રજાથી બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. કેટલાક બાળકો ખુશીથી કૂદતા જોવા મળ્યા, જ્યારે અન્ય લોકોએ તેને યાદગાર ક્ષણ તરીકે ગણાવી. બાળકોએ કહ્યું કે આ પહેલી વાર હતું જ્યારે કોઈ અધિકારીએ તેમની વાત સાંભળી અને તાત્કાલિક નિર્ણય લીધો.
આ નિર્ણય માત્ર એક રજાની જાહેરાત નહોતી, પરંતુ બાળકો પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીનું ઉદાહરણ પણ હતું. ઠંડીની ઋતુમાં બાળકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડે છે. એવામાં, જિલ્લા મેજિસ્ટ્રેટનું આ પગલું માતા-પિતા માટે પણ રાહતભર્યું સાબિત થયું. વાલીઓએ પણ આ નિર્ણયને બિરદાવ્યો અને કહ્યું કે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી બે દિવસની રજાની ભેટ મળતા બાળકોનો આ કાર્યક્રમ કાયમી સાંભરણું બની ગયું.

