- National
- દેશી દારૂ પકડવા ગઈ હતી પોલીસ, કબાટ ખોલતા જ નીકળ્યો નોટોનો ખજાનો
દેશી દારૂ પકડવા ગઈ હતી પોલીસ, કબાટ ખોલતા જ નીકળ્યો નોટોનો ખજાનો
મહારાષ્ટ્રના પુણેથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને આવકવેરા વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે. પુણે પોલીસની એક ટીમ કોંધવા વિસ્તારમાં એક ઘરમાં દરોડો પાડવા ગઇ હતી, કેમ કે ત્યાં દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું હતું. પરંતુ, પોલીસને દરોડા દરમિયાન જે મળ્યું, તેની પોલીસકર્મીઓને પણ અપેક્ષા નહોતી. એક બંધ કબાટમાંથી તેમને ચલણી નોટોના એટલા બધા બંડલ મળ્યા કે તેમને પૈસા ગણવાની મશીન મંગાવવી પડી.
https://twitter.com/thetatvaindia/status/2004474766036488387?s=20
શું છે આખો મામલો?
કોંધવા પોલીસને બાતમી મળી હતી કે, કાકડે વસતી વિસ્તારમાં એક ઘરમાં ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલી રહ્યો છે. ગુરુવારે જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘર પર દરોડો પાડ્યો ત્યારે તેમને વ્હિસ્કી, રમ અને ડબ્બાઓમાં ભરેલો 70 લીટર દારૂ મળી આવ્યો હતો. શરૂઆતની તપાસ દરમિયાન પોલીસે લગભગ 2 લાખ રૂપિયાનો દારૂ અને 1.41 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી, જેથી કુલ જપ્તી 3,46,950 થઈ ગઈ. જોકે, અસલી ખેલ તો હજી બાકી હતો.
પોલીસને શંકા હતી કે ધંધો જેટલો દેખાય છે તેના કરતા ખૂબ મોટો હતો. જ્યારે તેમણે આરોપીના બેડરૂમની સંપૂર્ણ તપાસ કરી, ત્યારે તેમને એક જૂનો કબાટ મળ્યો. કબાટના વિવિધ ખાનાઓની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. કબાટ અંદરથી નોટોના બંડલોથી ભરેલો હતો. જ્યારે ગણતરી શરૂ થઈ ત્યારે કુલ રકમ 1,00,85,950 રૂપિયા (1 કરોડથી વધુ) સુધી પહોંચી ગઈ. દારૂના નાના ધંધા પાછળ આટલી મોટી રકમ રોકડ મળવી એ પોલીસ માટે પણ ચોંકાવનારી ઘટના હતી.
https://twitter.com/sanjayjourno/status/2004471782783561919?s=20
પોલીસે આ કેસમાં 3 લોકોના નામ નોંધ્યા છે. આરોપીઓની ઓળખ અમર કૌર (ઉર્ફે માદરીકૌર), દિલદાર સિંહ અને દેવશ્રી જૂન્ની સિંહ તરીકે થઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ મોટી રકમ ગેરકાયદેસર દારૂના વેચાણ દ્વારા ભેગી કરવામાં આવી હતી, કે પછી આ રેકેટ પાછળ કોઈ બીજો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. પુણે પોલીસ હવે આરોપીઓના નાણાકીય નેટવર્કની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ગેરકાયદેસર દારૂનો વેપાર કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસે તાજેતરમાં 3.45 કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એવામાં શહેરમાં ગેરકાયદેસર ગતિવિધિઓ સામે પોલીસનું ‘ઓપરેશન ક્લીન’ ખૂબ ચર્ચામાં છે. આ કેસનું નેતૃત્વ કરી રહેલા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સોમય મુંડેના જણાવ્યા અનુસાર, નશીલી દવાઓના વેચાણના એક કેસમાં આરોપીની ધરપકડ બાદ આ રેકેટનો પર્દાફાશ થયો, જેના પગલે પોલીસે પુણે, પિંપરી-ચિંચવડ, મુંબઈ અને ગોવામાં સંકલિત કામગીરી હાથ ધરી હતી. દરોડા દરમિયાન મેફેડ્રોન, હાઇડ્રોપોનિક કેનબીસ (ઓજીકુશ), ચરસ અને LSD સહિત વિવિધ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં તુષાર ચેતન વર્મા (21), સુમિત સંતોષ દેદવાલ (25), અક્ષય સુખલાલ માહેર (25), મલય રાજેશ દેલીવાલા (28) અને સ્વરાજ અનંત ભોસલે (28) સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના બેંક ખાતામાંથી 7.80 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે. બધા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

