- National
- રાહુલનો લેટર... ગઈકાલે રાત્રે, મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષના મનરેગાને તોડી પાડ્યું
રાહુલનો લેટર... ગઈકાલે રાત્રે, મોદી સરકારે એક જ દિવસમાં 20 વર્ષના મનરેગાને તોડી પાડ્યું
18 ડિસેમ્બરના રોજ કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણય સામે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક લેટર લખીને આક્ષેપ કર્યો છે કે સરકારે એક જ દિવસમાં 20 વર્ષ જૂની ‘મનરેગા’ (MGNREGA) યોજનાના મૂળભૂત માળખાને તોડી પાડ્યું છે. નવા અમલમાં આવેલા VB–G RAM G બિલ અંગે વિવેચકોનું કહેવું છે કે આ કોઈ સુધારો નથી, પરંતુ ગ્રામીણ મજૂરોને મળતા કાયદેસરના કામના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે.
રાહુલે કહ્યું અત્યાર સુધી મનરેગા એક ‘માંગ-આધારિત’ યોજના હતી, જેમાં ગ્રામીણ શ્રમિકો કામની માંગ કરે ત્યારે તેમને રોજગારી આપવાની ગેરંટી મળતી હતી. નવા ફેરફારો મુજબ હવે આ યોજના રેશનિંગ સ્કીમમાં ફેરવાઈ જશે, જેનું સીધું નિયંત્રણ દિલ્હીથી થશે. વિપક્ષનો દાવો છે કે આ પગલું રાજ્ય સરકારો અને ગ્રામ પંચાયતોની સત્તા છીનવી લેનારું અને ગ્રામીણ અર્થતંત્ર વિરોધી છે.
લેખમાં જણાવ્યા અનુસાર, મનરેગાએ ગ્રામીણ શ્રમિકોને શોષણ સામે લડવાની અને મજૂરીના દરમાં વધારો કરાવવાની શક્તિ આપી હતી. આ યોજનાને કારણે શ્રમિકોનું આર્થિક શોષણ ઘટ્યું હતું. સ્થળાંતર (Migration) પર અંકુશ આવ્યો હતો. ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો હતો. પરંતુ હવે કામના દિવસો પર મર્યાદા (Cap) મૂકીને અને કામ ન આપવા માટેના નવા બહાના ઊભા કરીને સરકારે ગરીબોના હાથમાં રહેલું એકમાત્ર શસ્ત્ર નબળું પાડ્યું છે.
કોવિડકાળમાં જ્યારે દેશ થંભી ગયો હતો, ત્યારે મનરેગાએ જ કરોડો લોકોને ભૂખમરા અને દેવામાં ડૂબતા બચાવ્યા હતા. આંકડા દર્શાવે છે કે આ યોજનામાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. નિષ્ણાતોના મતે, જ્યારે રોજગારીના કાર્યક્રમોમાં કાપ મૂકવામાં આવે છે, ત્યારે તેનો સૌથી મોટો ફટકો મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના ભૂમિહીન શ્રમિકોને પડે છે.
આ કાયદાને પસાર કરવાની પદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા છે. વિપક્ષની માંગ હોવા છતાં આ બિલને 'સ્ટેન્ડિંગ કમિટી' પાસે મોકલવામાં આવ્યું નહોતું. નિષ્ણાતોનું કહેવું છે કે જે કાયદો કરોડો લોકોના જીવન અને સામાજિક કરાર સાથે જોડાયેલો હોય, તેને નિષ્ણાતોની સલાહ કે જાહેર સુનાવણી વિના પસાર કરવો લોકશાહી વિરોધી છે.
https://twitter.com/RahulGandhi/status/2001883142962245826
રાહુલે કહ્યું મનરેગા વિશ્વના સૌથી સફળ ગરીબી નિવારણ અને સશક્તિકરણ કાર્યક્રમોમાંનો એક છે. અમે આ સરકારને ગ્રામીણ ગરીબોના રક્ષણની છેલ્લી હરોળનો નાશ કરવા દઈશું નહીં. અમે આ પગલાને હરાવવા માટે કામદારો, પંચાયતો અને રાજ્યો સાથે ઉભા રહીશું અને આ કાયદાને પાછો ખેંચવા માટે રાષ્ટ્રવ્યાપી મોરચો બનાવીશું.

