- National
- ‘મને અંગ્રેજી નથી આવડતી..’, આટલું બોલીને શિક્ષણમંત્રીએ હાથ જોડ્યા અને પકડ્યા કાન’ દામિનીએ પૂછ્યો હતો...
‘મને અંગ્રેજી નથી આવડતી..’, આટલું બોલીને શિક્ષણમંત્રીએ હાથ જોડ્યા અને પકડ્યા કાન’ દામિનીએ પૂછ્યો હતો સવાલ

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર શનિવારે અચાનક ચર્ચામાં આવી ગયા. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક દિવસ અગાઉ, મદન દિલાવર બારાં જિલ્લાના પ્રવાસે હતા. અહીં તેમણે, ‘વંદે ગંગા’ અને ‘જળ સંરક્ષણ જન અભિયાન’ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મ્યુનિસિપલ કાઉન્સિલના સભાગારમાં ખુલ્લી જનસુનાવણી કરી હતી. આ દરમિયાન જિલ્લાના અધિકારી અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જનસુનાવણી દરમિયાન શિક્ષણ મંત્રી મદન દિલાવર સામે એક અસહજ કરનારો મામલો આવી ગયો. બારાંની એક વિદ્યાર્થિની દામિની હાડા પણ શિક્ષણ મંત્રી પાસે જિલ્લાની સરકારી શાળાઓ અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સમસ્યાઓને લઈને પહોંચી હતી. દામિની હાડાએ શિક્ષણ મંત્રી સામે પોતાની સમસ્યા અંગ્રેજી ભાષામાં રજૂ કરી. શિક્ષણ મંત્રી મદન દિલાવર જવાબ ન આપી શક્યા.

તેના પર વિદ્યાર્થિની દામિની હાડાએ કહ્યું કે, તમે રાજસ્થાનના શિક્ષણ મંત્રી છો અને તમને બધી ભાષાઓનું જ્ઞાન હશે. પરંતુ જ્યારે શિક્ષણ મંત્રી મદન દિલાવરે વિદ્યાર્થીનિની અંગ્રેજીમાં ફરિયાદ સાંભળી તો તેમણે કહ્યું કે તમે હિન્દીમાં બોલો. દામિની સતત અંગ્રેજીમાં બોલી રહી હતી. પરંતુ આ આખા મામલાને લઈને મંત્રી મદન દિલાવર વિદ્યાર્થિની સામે કાન પકડાતા અને હાથ જોડતા નજરે પડ્યા. આ કાર્યક્રમમાં તેમના તેમના પ્રભારી મંત્રી ઓટારામ દેવાસી પણ હતા. મંત્રીએ કહ્યું કે, હું ગામડાનો માણસ છું અને મને અંગ્રેજી આવડતી નથી.
https://twitter.com/TikaRamJullyINC/status/1931002413856567773
આ મામલે મીડિયા સાથે વાત કરતા દામિનીએ કહ્યું કે, ‘જ્યારે મને ખબર પડી કે જનસુનાવણી થઈ રહી છે, તો હું પણ આવી. અમે વિદ્યાર્થીઓ છીએ, તો મોટા ભાગે પોતાની સમસ્યાઓ કોઈ સામે રાખી શકતા નથી. જે માતા-પિતા સક્ષમ છે તેઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલી દે છે. ત્યાંની ફી વધારે હોય છે, પુસ્તકો મોંઘા હોય છે, પરંતુ જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, તેમના બાળકો સરકારી શાળાઓમાં જાય છે. ક્યાંક તો સરકારી શાળાઓ હોતી જ નથી, મોટા ભાગે બાળકોને બીજા ગામડાઓમાં ચાલીને જવું પડે છે. તેમને મારો સવાલ એજ હતો કે સરકારની શું યોજનાઓ છે? જેથી સરકારી શાળાઓના બાળકોનું ભવિષ્ય વધુ સારું બની શકે?

મંત્રીજીને અંગ્રેજીમાં સવાલ કરવા પર દામિની હાડાએ કહ્યું કે, એક વિદ્યાર્થી હોવાને કારણે અમે વિચારીએ છીએ કે અમારી પાસે શિક્ષણ મંત્રી છે. આજકાલ હિન્દીનો ઉપયોગ વધી રહ્યો છે. હિન્દી માધ્યમ પણ જરૂરી છે પરંતુ કેટલીક વખત આપણે અંગ્રેજીમાં પણ વાતચીત કરવા માગીએ છીએ. મને લાગ્યું કે સવાલ અંગ્રેજીમાં પૂછવા જોઈએ.