- National
- આકાશ દીપને રજીસ્ટ્રેશન વિનાની ગાડી ચલાવવાનું મોંઘું પડ્યું, RTOએ કરી કાર્યવાહી
આકાશ દીપને રજીસ્ટ્રેશન વિનાની ગાડી ચલાવવાનું મોંઘું પડ્યું, RTOએ કરી કાર્યવાહી
લખનૌમાં પરિવહન વિભાગે ભારતીય ક્રિકેટર આકાશ દીપ સિંહ અને ચિન્હટ સ્થિત કાર ડીલરશીપ મેસર્સ સની મોટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. વિભાગે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989ના નિયમ 44 હેઠળ ડીલરશીપને કારણદર્શક નોટિસ ફટકારી છે. આરોપ છે કે, ડીલરશીપે એક નવી ટોયોટા ફોર્ચ્યૂનર (ખરીદદાર-આકાશદીપ) રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના અને હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ (HSRP) અને થર્ડ રજીસ્ટ્રેશન માર્ક લગાવ્યા વિના ડિલિવરી કરી દીધી.
RTO લખનૌની તપાસ અને વાહન પોર્ટલ રેકોર્ડની મુજબ, વાહનનું વેચાણ બિલ 7 ઑગસ્ટ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, વીમો 8 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવ્યો હતો, પરંતુ રોડ ટેક્સની ચૂકવણી અત્યાર સુધી ચૂકવવામાં આવી નથી અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા અધૂરી છે. આમ છતા વાહન સાર્વજનિક રસ્તાઓ પર દોડતું જોવા મળ્યું.
મેસર્સ સની મોટર્સ (ટ્રેડ સર્ટિફિકેટ નંબર: UP32TC0664A–E)ને 14 દિવસમાં કાયદેસર રીતે સ્પષ્ટિકરણ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. આમ ન કરવા પર તેનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવાની કાર્યવાહી થશે. વિભાગે ડીલરશીપનું લાઇસન્સ એક મહિના માટે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું છે.
આકાશદીપ સિંહને મોટર વ્હીકલ અધિનિયમ 1988ની કલમ 39, 41 (6) અને 207 હેઠળ વાહન ઉપયોગ પ્રતિબંધ નોટિસ મોકલવામાં આવી છે. તેને રજીસ્ટ્રેશન, HSRP અને થર્ડ રજીસ્ટ્રેશન માર્ક લગાવવા અને અને માન્ય વીમો પૂરો થવા સુધી રસ્તા પર વાહન ન ચલાવવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લંઘનની સ્થિતિમાં વાહન જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી થશે.
વિભાગનું કહેવું છે કે, જો જાણીતી હસ્તીઓ નિયમો તોડે છે, તો તે સમાજમાં ખોટો સંદેશ આપે છે અને કાયદાનું પાલન કરવાની સંસ્કૃતિને નબળી કરે છે. એટલે કોઈને પણ કાયદાથી ઉપર માનવમાં નહીં આવે. પરિવહન વિભાગે વાહન માલિકો અને ડીલરોને અપીલ કરી છે કે વાહનની ડિલિવરી અગાઉ રજીસ્ટ્રેશન અને HSRP અનિવાર્ય રૂપે પૂર્ણ કરે અને માત્ર ઇનવોઇસ અને વીમાના આધારે વાહનને રસ્તા પર ન લઈ જાય.
તો કડક કાર્યવાહી હેઠળ લખનૌ પરિવહન વિભાગે 8322 વાહનોના પરમિટ રદ કર્યા છે.738 પરમિટ 45 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને 1200 પરમિટ ધારકોને નોટિસ જાહેર કરવામાં આવી છે જેમની માન્યતા 7 વર્ષથી વધુ સમય અગાઉ સમાપ્ત થઈ ચૂકી છે.

