- National
- પાકિસ્તાનથી 4 બાળકોને લઈને આવેલી સીમા હૈદર 11 મહિનામાં બીજા બાળકને જન્મ આપ્યો
પાકિસ્તાનથી 4 બાળકોને લઈને આવેલી સીમા હૈદર 11 મહિનામાં બીજા બાળકને જન્મ આપ્યો
ગ્રેટર નોઈડાના રબુપુરાની રહેવાસી સીમા હૈદર ફરી એકવાર ચર્ચામાં છે. મંગળવારે, તેણે એક ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. આ ખુશખબરથી તેના પરિવારમાં સેલિબ્રેશનનો માહોલ છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, માતા અને નવજાત બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને રજા મળ્યા બાદ ઘરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પુત્રના જન્મ સાથે સીમા હૈદર હવે 6 બાળકોની માતા બની ગઇ છે.
અગાઉ, તેણે 18 માર્ચ, 2025ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. એટલે કે માત્ર 11 મહિનામાં બીજી વખત ઘરમાં બાળક કિલકારીઓ ગૂંજી ઉઠી છે. સીમા હૈદરના પરિવારની વાત કરીએ તો તેના પહેલા પતિ ગુલામ હૈદરથી 4 બાળકો અને સચિન મીણા સાથે બે બાળકો- એક પુત્રી અને હવે એક પુત્રનો સમાવેશ થાય છે. તેના પુત્રના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છે, અને તેની આસપાસના લોકો પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
નોંધનીય છે કે, સીમા હૈદર જ્યારે તેના 4 બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી હતી ત્યારે ખૂબ ચર્ચામાં આવી હતી. તે એક ઓનલાઈન ગેમ દ્વારા સચિન મીણાને મળી હતી, અને તે તેના પ્રેમમાં પડી ગઇ હતી. બાદમાં તે નેપાળ થઈને ભારત આવી ગઈ અને ગ્રેટર નોઈડામાં રહેવા લાગી. આ મામલો લાંબા સમય સુધી દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો.
ભારત પરત ફર્યા બાદ, સીમા હૈદરની ઘણી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બાદમાં તેને જામીન આપી દેવામાં આવ્યા હતા અને હવે તે તેના પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહી છે. સીમા હૈદર અને સચિન મીણા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તેઓ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તેમના રોજિંદા જીવનના વીડિયો શેર કરે છે, જેને લાખો લોકો ફોલો કરે છે. તેમણે તાજેતરમાં જ તેમનું નવું ઘર બનાવ્યું હતું, જેની ઝલક તેમણે તેમના ફોલોઅર્સને આપી હતી. હાલમાં, તેમના પુત્રના જન્મ પછી તેમના ઘરમાં ખુશીનો માહોલ છે, અને પરિવાર નવજાત શિશુનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે.

