- National
- શેખ હસીના 'ન્યાય અપાવવા' માટે બાંગ્લાદેશ જશે, જાહેરમાં અમેરિકાને જવાબદાર ઠેરવ્યું
શેખ હસીના 'ન્યાય અપાવવા' માટે બાંગ્લાદેશ જશે, જાહેરમાં અમેરિકાને જવાબદાર ઠેરવ્યું
દિલ્હીમાં આશ્રય લેનાર શેખ હસીનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે ત્યારે જ બાંગ્લાદેશ પરત ફરશે, જ્યારે ત્યાં કાયદેસર સરકાર રચાય. એક સમાચાર એજન્સીની સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું, 'હું ઘરે જવા માંગુ છું, પરંતુ ત્યાં સરકાર કાયદેસર હોવી જોઈએ, બંધારણનું પાલન થવું જોઈએ અને કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ.' હસીનાનો પરિવાર પણ દિલ્હીમાં તેમની સાથે છે. તેઓ કહે છે કે, આ ફક્ત તેમનો કે તેમના પરિવારનો મુદ્દો નથી, પરંતુ બાંગ્લાદેશનું ભવિષ્ય જોખમમાં છે. રાજકીય સ્થિરતા જરૂરી છે.

હસીનાએ તેમની આવનારી પુસ્તક, 'ઇન્શાલ્લાહ બાંગ્લાદેશ: ધ સ્ટોરી ઓફ એન અનફિનિશ્ડ રિવોલ્યુશન'માં મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. આ પુસ્તક દીપ હલદર, જયદીપ મજુમદાર અને સાહિદુલ હસન ખોકોન દ્વારા લખાયેલ છે, અને જગરનોટ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તેમાં હસીનાએ યુનુસને 'ઠગ' ગણાવ્યા છે અને તેમના પર અમેરિકનોના ઇશારે જુલાઈ-ઓગસ્ટ 2024ના વિદ્યાર્થી આંદોલનનું કાવતરું ઘડવા, ભંડોળ પૂરું પાડવા અને તેને આગળ ધપાવવાનો આરોપ લગાવ્યો છે. હસીનાએ તેમના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે, 'યુનુસે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે દેશને બરબાદ કર્યો. હવે તે અને તેની ગેંગ દેશને લૂંટી રહ્યા છે અને બરબાદ કરી રહ્યા છે.'

હસીનાએ તેમની સરકારને ઉથલાવી પાડનારા વિદ્યાર્થી બળવાને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો હતો. તેઓ કહે છે કે તે શાંતિપૂર્ણ આંદોલન નહોતું પરંતુ યુનુસ અને તેના સહયોગીઓ દ્વારા ઉશ્કેરવામાં આવેલું એક સુનિયોજિત કાવતરું હતું. આ આરોપો બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપ લાવી શકે છે, કારણ કે યુનુસ નોબેલ પુરસ્કાર વિજેતા છે અને વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ અગાઉ, એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં, હસીનાએ પુષ્ટિ આપી હતી કે, તે નવી દિલ્હીમાં છે પરંતુ 'કાયદેસર' સરકાર રચાયા પછી બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લાખો બાંગ્લાદેશ અવામી લીગ સમર્થકો આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીનો બહિષ્કાર કરશે કારણ કે પક્ષને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

હસીનાએ કહ્યું, 'આ હકીકતમાં મારા કે મારા પરિવાર વિશે નથી. બાંગ્લાદેશને અમે બધા ઇચ્છીએ છીએ તે ભવિષ્ય પ્રાપ્ત કરવા માટે, બંધારણીય શાસન અને રાજકીય સ્થિરતા પાછી આવવી જોઈએ. કોઈ એક વ્યક્તિ કે પરિવાર અમારા દેશનું ભવિષ્ય નક્કી કરતો નથી.' તેમણે આગળ ઉમેર્યું, 'ચોક્કસ, હું ઘરે પાછા જવાનું પસંદ કરીશ, પરંતુ જો ત્યાંની સરકાર કાયદેસર હોય તો, બંધારણનું પાલન કરવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા ખરી રીતે જળવાઈ રહે.'

