- National
- સુપ્રીમ કોર્ટના જજ તપાસ એજન્સીઓ-નીચલી અદાલતો પર થયા ગુસ્સે, કહ્યું, 'આ પોલીસ રાજ નથી...'
સુપ્રીમ કોર્ટના જજ તપાસ એજન્સીઓ-નીચલી અદાલતો પર થયા ગુસ્સે, કહ્યું, 'આ પોલીસ રાજ નથી...'

સુપ્રીમ કોર્ટે તપાસ પૂર્ણ થવા છતાં, સામાન્ય કેસોમાં પણ ટ્રાયલ કોર્ટ એટલે કે નીચલી અદાલતો દ્વારા આરોપીઓને જામીન ન આપવા અને તેને રિજેક્ટ કરવા બદલ ઊંડી નિરાશા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓને બિનજરૂરી પૂછપરછ માટે વારંવાર અટકાયતમાં લેવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયાધીશ અભય S ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે, આ એક લોકશાહી દેશ છે અને તેને પોલીસ રાજની જેમ કામ ન કરવું જોઈએ, જ્યાં કાયદા અમલીકરણ એજન્સીઓ કોઈપણ વાસ્તવિક જરૂરિયાત વિના આરોપીઓને અટકાયતમાં રાખવા માટે મનસ્વી સત્તાઓનો ઉપયોગ કરે છે.
આ વાત પર ભાર મૂકતા, બેન્ચે લોકશાહી પ્રણાલીનો ઉલ્લેખ કરતા કહ્યું, 'બે દાયકા પહેલા સુધી, નાના કેસોમાં જામીન અરજીઓ ભાગ્યે જ હાઇકોર્ટ સુધી પહોંચતી હતી, સર્વોચ્ચ અદાલતનો તો વાત જ છોડી દો.', જસ્ટિસ ઓકાએ જામીન અરજીની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે, 'આ એક ચોંકાવનારી હકીકત છે કે, સુપ્રીમ કોર્ટ એવા કેસોમાં પણ જામીન અરજીઓનો નિર્ણય લઈ રહી છે જેનો નિકાલ ટ્રાયલ કોર્ટના સ્તરે થવો જોઈતો હતો. આમ, સિસ્ટમ પર બિનજરૂરી બોજ પડી રહ્યો છે.'

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દો ઉઠાવ્યો હોય. સુપ્રીમ કોર્ટે વારંવાર ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટને જામીન આપવામાં વધુ ઉદાર બનવા વિનંતી કરી છે, ખાસ કરીને કાયદાના નાના ઉલ્લંઘનના કેસોમાં. સોમવારે પોતાની નારાજગી વ્યક્ત કરનાર સુપ્રીમ કોર્ટે અગાઉ પણ નીચલી અદાલતો દ્વારા જામીન આપવાના ઇનકાર પર ઘણીવાર નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે પહેલાથી જ આવા કેસને 'બૌદ્ધિક અપ્રમાણિકતા' ગણાવી છે અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણના મહત્વ પર ભાર મૂકતા અનેક નિર્દેશો બહાર પાડ્યા છે, બળજબરીથી અટકાયતને વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સોમવારે સુનાવણી દરમિયાન, બેન્ચે છેતરપિંડીના કેસમાં બે વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા આરોપીને જામીન આપ્યા હતા. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ હોવા છતાં અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવા છતાં, આરોપીની જામીન અરજી ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ બંને દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

જસ્ટિસ ઓકાએ કહ્યું, 'એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, મેજિસ્ટ્રેટ દ્વારા સુનાવણી કરી શકાય તેવા કેસોને પણ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવી રહ્યા છે. અમને દુઃખ છે કે લોકોને એ સમયે જામીન નથી મળતા જે સમયે તેમને જમીન મળવા જોઈએ.' મોટી વાત એ છે કે, 2022માં જ, સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓને કસ્ટડીની જરૂર ન હોય તો મહત્તમ સાત વર્ષની જેલની સજાવાળા કોગ્નિઝેબલ ગુનાઓમાં ધરપકડ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને પણ વિનંતી કરી હતી કે, તેઓ યોગ્ય અને સમયસર જામીન મળે તે સુનિશ્ચિત કરીને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે. બેન્ચે કહ્યું કે, જે આરોપીએ તપાસમાં સહકાર આપ્યો છે અને તપાસ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી નથી, તેને ફક્ત ચાર્જશીટ દાખલ કર્યા પછી કસ્ટડીમાં લેવો જોઈએ નહીં.