- National
- સરકારી નોકરી કરતા બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે તો 10% પગાર કપાશે, આ રાજ્ય સરકારનો નિર્ણય
સરકારી નોકરી કરતા બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે તો 10% પગાર કપાશે, આ રાજ્ય સરકારનો નિર્ણય
તેલંગાણામાં વૃદ્ધ માતા-પિતાને સતાવવા બાળકોને હવે ભારે પડશે. સરકાર એક કાયદો લાવવા જઈ રહી છે, જે હેઠળ એ સરકારી કર્મચારીઓના પગારમાંથી 10% કપાત થશે, જે તેમના માતા-પિતાની સંભાળ રાખતા નથી. આ રકમ કર્મચારીના ખાતામાંથી કાપીને સીધા તેમના માતા-પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સ્પષ્ટતા કરી હતી કે, ‘જે સરકારી કર્મચારીઓ તેમના માતા-પિતાની સંભાળ નહીં રાખે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો વૃદ્ધ માતા-પિતા તેમના સરકારી કર્મચારી પુત્ર કે પુત્રી સામે ફરિયાદ નોંધાવશે, તો કર્મચારીના પગારમાંથી 10% કાપી લેવામાં આવશે. આ રકમ સીધી માતા-પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી તેઓ સન્માન સાથે જીવન જીવી શકે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે જે લોકો તેમના માતા-પિતાની સંભાળ રાખી રહ્યા નથી, તેઓ સામાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા નથી. આ એક માનવતાવાદી પગલું છે, જેથી આપણા વૃદ્ધો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. તેમણે જણાવ્યું કે સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ‘પ્રણામ’ નામનું ડે કેર સેન્ટર પણ બનાવવા જઈ રહી છે.
આટલું જ નહીં, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 2026-2027ના બજેટ પ્રસ્તાવોમાં નવી આરોગ્ય નીતિ રજૂ કરવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર રાજ્યમાં દરેકને સારી આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. એટલે, આગામી બજેટમાં નવી આરોગ્ય નીતિ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્રાન્સજેન્ડરો માટે પણ એક મોટી જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક કો-ઓપ્શન સભ્ય પદ ટ્રાન્સજેન્ડર લોકો માટે અનામત રાખવામાં આવશે.
મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડીએ કહ્યું કે, સરકાર વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે પણ કામ કરી રહી છે. તેમને શિક્ષણ અને રોજગારમાં વિશેષ ક્વોટા આપવામાં આવ્યા છે. સરકારે નવપરિણીત વિકલાંગ વ્યક્તિઓને 2 લાખ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. વિકલાંગ વ્યક્તિઓને તમામ ક્ષેત્રોમાં તકો પૂરી પાડવામાં આવી રહી છે જેથી તેઓ આ સ્પર્ધાત્મક દુનિયામાં પાછળ ન રહે.

