- World
- ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું
ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન બાદ વધુ એક દેશ સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો છે કે ઈરાન બાદ, તેઓ ક્યૂબામાં સત્તા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અગાઉ, વેનેઝુએલામાં સત્તા પરિવર્તન બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ક્યૂબા અમેરિકા સાથે ડીલ કરી લે અથવા પરિણામો ભોગવવા તૈયાર રહે.’
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, 5 માર્ચે વ્હાઇટ હાઉસ ખાતે ઇન્ટર મિયામી ફૂટબોલ ક્લબ ટીમના સ્વાગત દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે પહેલા વેનેઝુએલા, ત્યારબાદ ઈરાન બાદ સત્તા પરિવર્તન તેમનું આગામી લક્ષ્ય ક્યૂબા છે. તેમણે કહ્યું કે, ‘માર્કો રુબિયો (અમેરિકન વિદેશ મંત્રી) ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અને તમારું આગામી ફોકસ શું હશે, ક્યૂબા? છે ને? આપણે આ બધુ એક સાથે કરી શકીએ છીએ. પરંતુ એક સાથે ઘણી બધી વસ્તુઓ કરવાથી ખરાબ પરિણામો સામે આવે છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, ‘અમે પહેલા આ (ઈરાન યુદ્ધ) સમાપ્ત કરવા માંગીએ છીએ, પરંતુ તે માત્ર સમયની વાત છે. જ્યારે તમારા જેવા સુંદર લોકો ક્યૂબા પાછા ફરશે. મને આશા છે કે હું ત્યાં રહેવા નહીં, પરંતુ માત્ર ફરવા. અમે ક્યૂબાને એટલું સુંદર પણ બનાવવાના નથી કે તમે ત્યાં સ્થાયી થઇ જાવ. પરંતુ હા, કેટલાક લોકો ક્યૂબામાં જઈને સ્થાયી થવા માંગે છે. ક્યૂબા અમારી સાથે ડીલ કરવા માટે ખૂબ ઉત્સુક છે.’
ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક મહિનાઓથી ક્યૂબા પર પ્રહાર કરી રહ્યા છે. જાન્યુઆરીમાં વેનેઝુએલામાં સત્તા પરિવર્તન બાદ, અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ‘ક્યૂબા માટે વેનેઝુએલાથી તેલ અને નાણાંનો પ્રવાહ બંધ થઈ જશે. તેના જવાબમાં ક્યૂબાના રાષ્ટ્રપતિ મેગુએલ ડિયાઝ-કેનેલે કહ્યું હતું, ‘કોઈ અમને નહીં બતાવે કે અમે શું કરીએ.’
3 જાન્યુઆરીએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં અમેરિકન ઓપરેશન દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા બાદ ટ્રમ્પ જે દેશોમાં નજર રાખી રહ્યા છે તેમાં ક્યૂબાનો સમાવેશ થાય છે. એવું કહેવામા આવી રહ્યું છે કે ક્યૂબાનો લાંબા સમયનો મિત્ર, વેનેઝુએલા, દરરોજ આશરે 35,000 બેરલ તેલ ક્યૂબા મોકલતો હતો.
ક્યૂબા સાથે દુશ્મનાવટનો લાંબો ઇતિહાસ
વર્ષ 1959માં, સામ્યવાદી ફિડેલ કાસ્ત્રોએ ચે ગૂવેરા સાથે મળીને ક્યૂબામાં અમેરિકન સમર્થિત સરકારને ઉથલાવી દીધી હતી. ત્યારબાદ અમેરિકા અને ક્યૂબા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સુધારવા માટે ઘણા પગલાં લીધા હતા, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રએ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઘણી નીતિઓને ઉલટાવી દીધી છે. તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા બાદ તરત જ, ટ્રમ્પે ક્યૂબાને આતંકવાદને સ્પોન્સર કરનારો દેશ ગણાવ્યો હતો.

