- National
- દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ વિરુદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું
દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ વિરુદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું

કેન્દ્ર સરકારે ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીનો વિરોધ કર્યો છે. આ માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ગેરલાયકાતનો સમયગાળો નક્કી કરવાનો મામલો સંપૂર્ણપણે કાયદાકીય નીતિના દાયરામાં આવે છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, કેન્દ્રએ આ સોગંદનામું 2016માં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં દાખલ કર્યું છે, જેમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 અને 9ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પોતાના પ્રતિ-સોગંદનામામાં કહ્યું કે, આજીવન પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તે સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રનો પ્રશ્ન છે. આ નક્કી કરવાનું કામ અરજદાર કે પ્રતિવાદીનું નથી.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 મુજબ, કોઈ ચોક્કસ ગુનામાં દોષિત ઠરેલી વ્યક્તિને જેલની સજા પૂરી થયા પછી 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. જ્યારે કલમ 9 મુજબ, ભ્રષ્ટાચાર અથવા રાજ્ય પ્રત્યે વફાદારીના અભાવે બરતરફ કરાયેલા જાહેર સેવકોને બરતરફી થયાની તારીખથી પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં છે.
અરજદાર અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી હતી કે, ગેરલાયકાતને આજીવન પ્રતિબંધ સુધી લંબાવવી જોઈએ. આના જવાબમાં, કેન્દ્ર સરકારે કહ્યું કે હાલની જોગવાઈ બંધારણીય રીતે યોગ્ય છે અને સંસદના કાયદાકીય અધિકાર હેઠળ આવે છે. સરકાર વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, 'લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8ની તમામ પેટા કલમોમાં છ વર્ષની સજાને આજીવન કેદમાં રૂપાંતરિત કરવી એ કાયદાને ફરીથી લખવા સમાન હશે. અને ન્યાયિક સમીક્ષામાં પણ આવા અભિગમને માન્યતા આપવામાં આવી નથી. તેમજ તે બંધારણીય કાયદાના કોઈપણ સ્થાપિત સિદ્ધાંત અનુસાર નથી.'
કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અરજદારની પ્રાર્થના કાયદાને ફરીથી લખવા અથવા સંસદને ચોક્કસ રીતે કાયદો ઘડવાનો નિર્દેશ આપવા સમાન છે. જ્યારે સામાન્ય કાયદો છે કે, કોર્ટ સંસદને કાયદો બનાવવાનો અથવા કોઈ ચોક્કસ રીતે કાયદો બનાવવાનો નિર્દેશ આપી શકતી નથી.