- National
- આ મહિલા ચોર ઓનલાઈન ઘરેણાં શોધતી અને દિલ્હીથી નકલી બનાવતી, પછી શોરૂમમાં અસલીથી બદલી નાંખતી!
આ મહિલા ચોર ઓનલાઈન ઘરેણાં શોધતી અને દિલ્હીથી નકલી બનાવતી, પછી શોરૂમમાં અસલીથી બદલી નાંખતી!
જયપુર પોલીસે દિલ્હીની એક ચાલાક મહિલાની ધરપકડ કરી છે જે શહેરના પ્રખ્યાત જ્વેલરી શોરૂમમાં ચોરી કરતી હતી. આરોપી મહિલાનું નામ અંજુ ચોપડા છે, જેને પોલીસે હાઇટેક ટેકનોલોજીની મદદથી શોધી કાઢી અને પકડી લીધી. અંજુ ચોપડા છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીથી જયપુર આવતી હતી અને બ્રાન્ડેડ જ્વેલરી શોરૂમમાંથી ચોરી કરતી હતી, પરંતુ તેની પદ્ધતિ ખૂબ જ અનોખી અને ફિલ્મી સ્ટાઈલમાં હતી, જેના કારણે પોલીસ પણ મૂર્ખ બની ગઈ હતી.
મહિલા ચોર પહેલા મોટી બ્રાન્ડના ઘરેણાં ઓનલાઈન શોધતી અને પછી દિલ્હીમાં તેના જેવા જ નકલી ઘરેણાં ખરીદતી. આ પછી, તે ટ્રેન દ્વારા જયપુર આવતી અને બ્રાન્ડેડ શોરૂમમાં પહોંચતી. તે શોરૂમમાં કર્મચારીઓને વાતચીતમાં ફસાવીને અસલી ઘરેણાં પહેરતી અને નકલી ઘરેણાં ત્યાં છોડીને જતી રહેતી. આ રીતે, તેણે અત્યાર સુધી જયપુરમાં લાખોના ઘરેણાંની ચોરી કરી ચૂકી છે.
DCP સાઉથ રાજર્ષિ રાજે જણાવ્યું હતું કે, આરોપીએ જૂનમાં કલ્યાણ જ્વેલર્સમાં છેલ્લો ગુનો કર્યો હતો. જ્યારે ત્યાંથી કિંમતી ઘરેણાં ગાયબ થઈ ગયા, ત્યારે મેનેજરે CCTV ફૂટેજ શોધી કાઢ્યા અને વિધાયક પુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. ફૂટેજમાં મહિલાનો ફોટો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
વિધાયક પુરી પોલીસ સ્ટેશને મહિલાને પકડવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને CCTVમાંથી મળેલી તસવીર નેટ ગ્રીડ સોફ્ટવેર પર શોધવામાં આવી. ત્યાર પછી, ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે માહિતી મેચ કરીને મહિલાની સંપૂર્ણ વિગતો કાઢવામાં આવી.
જુલાઈમાં દિલ્હીમાં છાપો મારવામાં આવ્યો હતો, પરંતુ મહિલા પકડાઈ ન હતી. હવે આખરે પોલીસે તેને પકડી લીધી. ધરપકડ કરાયેલ આરોપી અંજુ ચોપરા લગભગ 40 વર્ષની છે અને પરિણીત છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તેની માતા અને ભાઈ સામે પણ ફોજદારી કેસ નોંધાયેલા છે. દરોડા દરમિયાન, જ્યારે પોલીસ ટીમ તેને પકડવા પહોંચી ત્યારે મહિલાએ પોલીસકર્મીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તે પકડાઈ જ ગઈ.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપી મહિલા ખૂબ જ ચાલાકીપૂર્વક અને પ્રોફેશનલ રીતે ચોરીઓ કરતી હતી. તે લાંબા સમયથી જયપુરમાં બ્રાન્ડેડ શોરૂમને નિશાન બનાવી રહી હતી. હાલમાં, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, તેણે અન્ય શહેરોમાં પણ ગુનાઓ કર્યા હશે.

