- National
- UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...
બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય છે, IAS અધિકારી બનવાનું સ્વપ્ન. એક એવું સ્વપ્ન જેના માટે લોકો પોતાની યુવાની જોખમમાં મૂકે છે. તેણે પણ તે જ સ્વપ્ન જોયું. તેણે 8 વર્ષ સુધી પુસ્તકો, નોંધો, કોચિંગ અને મોક ટેસ્ટ સાથે તૈયારી કરી, તો પણ સફળ થઈ શકી નહીં.
જ્યારે તે UPSC પાસ કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારે તેણે પોતાની જાતે એક નવી ઓળખ બનાવી. તે પોતાને SDM કહેવા લાગી. ધીમે ધીમે, આ 'SDM મેડમ' 'મેડમ કલેક્ટર' તરીકે જાણીતી થઈ. અને અહીંથી શરુ થઇ એક એવી વાર્તા જે કોઈ વેબ સિરીઝની સ્ક્રિપ્ટ જેવી લાગતી હતી.
એક મોંઘી લક્ઝરી SUV, VIP જેવી વર્તણૂક, સરકારી અધિકારીની બોડી લેંગ્વેજ, રુઆબદાર વાતચીત અને આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો. જેણે પણ તેને જોઈ તે પહેલી નજરે જ ખાતરી થઈ ગઈ. તે માત્ર એક અધિકારી જેવી દેખાતી નહોતી, પણ તેના જેવું જીવન પણ જીવતી હતી.
તેની એન્ટ્રી કોઈ ફિલ્મના દ્રશ્યથી ઓછી નહોતી. SUV આવીને ઉભી રહેતી, દરવાજો ખુલતો, અને 'મેડમ' બહાર નીકળતી. આજુ બાજુના લોકો તેના સન્માનમાં ઉભા થઇ જતા. કેટલાક સલામ કરતા, તો કેટલાક તેમને જવા માટે રસ્તો કરી આપતા.
તેણે પોતાની આસપાસ એવું પ્રભાવશાળી વાતાવરણ બનાવ્યું કે લોકો કોઈ પ્રશ્ન કર્યા વિના તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. બધા માનતા હતા કે, તેમની સામે બેઠેલી સ્ત્રી પાસે કંઇક તો શક્તિ છે, તેની પહોંચ છે અને વહીવટને ચલાવવાની ક્ષમતા છે. આ વિશ્વાસ તેની સૌથી મોટી સંપત્તિ બની ગયો.
ધીમે ધીમે, તેના બેંક ખાતામાં રકમ વધતી ગઈ. ભલે તે UPSC માટે પસંદ ન થઈ હોય, પરંતુ તેની તૈયારીએ ચોક્કસપણે તેને સિસ્ટમની ભાષા શીખવી દીધી હતી. અને તેણે તે જ્ઞાનનો ઉપયોગ નકલી ઓળખ બનાવવા માટે કર્યો.
આ બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ગ્રીન પાર્ક કોલોનીની રહેવાસી વિપ્રાની વાર્તા છે. વિપ્રાએ 2012થી 2020 સુધી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરી. જ્યારે તે UPSC પાસ કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારે વિપ્રાએ પહેલા SDM અને પછી ગજરૌલામાં પોસ્ટ કરાયેલ ADM (FR) તરીકે પોતાની પ્રતિષ્ઠા બનાવવાનું શરૂ કર્યું.
તેની પદ્ધતિઓ અત્યંત ચાલાક હતી. તે પહેલા યુવાનો સાથે મિત્રતા કરતી અને પછી તેમને સરકારી નોકરીઓ અપાવવાની લાલચ આપતી. તેના શબ્દો અને સત્તાવાર વર્તનથી પ્રભાવિત થઈને, ઘણા લોકો તેની છેતરપિંડીમાં ફસાઈ ગયા, નોકરી મેળવવાની આશામાં લાખો રૂપિયા ચૂકવ્યા.
વિપ્રાએ કૌભાંડને અસલી દેખાડવા માટે એક સંપૂર્ણ સિસ્ટમ ગોઠવી હતી. લખનઉમાં સરકારી કચેરીઓ નજીક સ્થિત પોસ્ટ ઓફિસોમાંથી નિમણૂક પત્રો અને અન્ય સરકારી દસ્તાવેજો કુરિયર કરવામાં આવ્યા હતા. આનાથી પીડિતો એવું માનતા હતા કે તેમના દસ્તાવેજો ખરેખર સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવ્યા હતા.
વિશ્વાસ બનાવવા માટે, તેણે એક પીડિતના ખાતામાં 'પગાર' તરીકે 17,000 રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ પીડિતને ખાતરી થઈ ગઈ કે, તેને નોકરી મળી છે અને તે તેનો પગાર મેળવી રહ્યો છે.
કિલા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી મુસાહિદ નામના એક યુવકે ફરિયાદ નોંધાવી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. મુસાહિદ સાથે કમ્પ્યુટર ઓપરેટરની નોકરી મેળવવાના બહાને 5,21,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. લાંબા સમય સુધી નોકરી ન મળ્યા પછી તેને સમજાયું કે, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, વિપ્રા એકલી નહોતી. તેની બહેન, શિખા શર્મા પણ આ છેતરપિંડીમાં સામેલ હતી. ત્યાર પછી, તેની બીજી બહેન, દિક્ષા અને અન્ય એક સંબંધી પણ તેમાં જોડાયા. આ ત્રણે બહેનો બેરોજગાર યુવાનોને નિશાન બનાવ્યા.
ASP પંકજ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, વિપ્રા આ ગેંગની મુખ્ય સૂત્રધાર હતી. તે ક્યારેક PCS અધિકારી, ક્યારેક IAS અધિકારી અને ક્યારેક ADM તરીકે પોતાની ઓળખ આપતી હતી. ચાર અલગ અલગ પીડિતો તરફથી ફરિયાદ મળ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઓપરેશન દરમિયાન, પોલીસે વિપ્રા, શિખા અને દિક્ષાની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી 'ADM' લખેલી એક લક્ઝરી કાર મળી આવી હતી. તેમને 10થી વધુ ચેકબુક, 2 લેપટોપ, ઘણા મોબાઇલ ફોન અને વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાયેલા આશરે રૂ. 55 લાખ પણ મળી આવ્યા હતા. પોલીસે આ ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે.
આરોપીઓ પાસેથી સાડા ચાર લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા પીડિતોને નિશાન બનાવ્યા છે. છેતરપિંડી સહિતના ગંભીર આરોપો હેઠળ 3 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં, તેની પૂછપરછ ચાલી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે.

