- National
- પત્નીથી છૂટકારો મેળવવા માટે પતિએ તેના લગ્ન બીજા પુરુષ સાથે કરાવી દીધા, પોલીસને કહે તે તેનો પ્રેમી છે...
પત્નીથી છૂટકારો મેળવવા માટે પતિએ તેના લગ્ન બીજા પુરુષ સાથે કરાવી દીધા, પોલીસને કહે તે તેનો પ્રેમી છે
ઉત્તર પ્રદેશના અમેઠીમાં, એક પુરુષે તેની પત્નીના લગ્ન બીજા પુરુષ સાથે કરાવી દીધા. તેણે આરોપ લગાવ્યો કે પત્ની લગ્ન પછી પણ તેના પ્રેમી સાથે સંપર્કમાં હતી અને સતત ફોન પર વાત કરતી હતી. તેથી તેણે તેમના લગ્ન મંદિરમાં કરાવી દીધા. પરંતુ આ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ આરોપ લગાવ્યો કે, પતિએ બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે તેનાથી છૂટકારો મેળવવા માટે આવું કર્યું. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ લગ્ન બળજબરીથી કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં, પોલીસ વહીવટીતંત્રે તેના સાસરિયાઓને ટેકો આપ્યો હતો.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક અને યુવતી એકબીજાને માળા પહેરાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પતિએ પત્નીના પ્રેમીને મંદિરમાં બોલાવીને લગ્ન કરાવ્યા હતા. પરંતુ આ મામલો કંઈક અલગ જ નીકળ્યો.
આખો મામલો અમેઠી જિલ્લાના કમરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. શિવશંકર પ્રજાપતિના લગ્ન 2 માર્ચ 2025ના રોજ રાણીગંજ ગામના રહેવાસી ઉમા પ્રજાપતિ સાથે થયા હતા. લગ્ન પછી, ઉમા તેના સાસરિયાના ઘરે આવી હતી. પરંતુ થોડા દિવસો પછી બંને વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. એક દિવસ શિવશંકરે તેની પત્નીના પ્રેમીને ફોન કરીને મંદિરમાં બોલાવ્યો અને લગ્ન કરાવી દીધા. પતિએ આરોપ લગાવ્યો કે લગ્ન પછી પણ ઉમા તેના પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી અને ઘણી વાર તેને મળવા જતી હતી. તેથી જ તેણે આવું કર્યું.
શિવશંકરના આરોપોને નકારી કાઢતા, ઉમાએ કહ્યું કે, તે તેના પતિ શિવશંકર સાથે રહેવા માંગે છે. પરંતુ તેના પતિના બીજી સ્ત્રી સાથે સંબંધો છે. તેણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે, પોલીસકર્મીઓની મિલીભગતથી તેના લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યા હતા. તેણે આગળ કહ્યું, 'મારા લગ્ન બળજબરીથી કરવામાં આવ્યા છે. મેં જે છોકરા સાથે લગ્ન કર્યા છે તે મારો દૂરનો સગો છે અને સબંધે મારા ભાઈ જેવો છે. પોલીસે દબાણ કરીને અમને છેતર્યા અને મારા ભાઈ સાથે જ બળજબરીથી મારા લગ્ન કરાવી દીધા.'
બીજી બાજુ, ઉમા જેની સાથે લગ્ન કર્યા હતા તે પુરુષે પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિશાલે દાવો કર્યો હતો કે, પોલીસે તેને બળજબરીથી ઉપાડી લીધો અને લગ્ન કરવા માટે દબાણ કર્યું. તેણે આગળ કહ્યું, 'પોલીસે મને માર માર્યો અને લગ્ન કરવા માટે દબાણ કર્યું. હું કે છોકરી બંને લગ્ન કરવા માંગતા ન હતા.'
કમરૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મુકેશે આ સમગ્ર વિવાદ પર એક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું કે, છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તેણે આ વાતની પુષ્ટિ કરવા માટે એક સોગંદનામું પણ આપ્યું છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું કહેવું છે કે, પતિ-પત્નીના આરોપો પાયાવિહોણા છે અને ત્રણેયના નિવેદનો મેળ ખાતા નથી, તેથી આ આખા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં સ્પષ્ટ થશે કે કોણે સાચું કહ્યું અને કોણે ખોટું બોલ્યું.

