- National
- દોઢ લાખની વસતી ધરાવતા સેશેલ્સની મુલાકાતે PM મોદી બીજીવાર કેમ ગયા? શું છે ભારત માટે આ દેશનું મહત્ત્વ
દોઢ લાખની વસતી ધરાવતા સેશેલ્સની મુલાકાતે PM મોદી બીજીવાર કેમ ગયા? શું છે ભારત માટે આ દેશનું મહત્ત્વ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સની ત્રણ દિવસીય મુલાકાતે છે. 50 વર્ષ જૂના રાજદ્વારી ઇતિહાસમાં ભારતીય વડાપ્રધાનની સેશેલ્સની આ માત્ર બીજી મુલાકાત છે, જેને પગલે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને ફરીથી વેગ મળવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડી મંથરતા આવી હતી, પરંતુ ગત ઓક્ટોબરમાં સેશેલ્સમાં પેટ્રિક હર્મિનીએ પ્રમુખપદ સંભાળ્યા બાદ દ્વિપક્ષીય સંબંધોમાં નવો આશાવાદ જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં પ્રમુખ હર્મિનીની ભારત મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી હતી અને તેમણે ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. PM મોદીની આ મુલાકાતથી બંને દેશોના ભાગીદારીને તમામ ક્ષેત્રોમાં નવી ગતિ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેશેલ્સની વસતીની વાત કરીએ તો માંડ દોઢ લાખ લોકો અહિયા રહે છે. તેમ છતા PM મોદી અહિંયા બીજીવાર કેમ આવ્યા તે સવાલ થાય. ભારત માટે આ દેશનું શું મહત્ત્વ છે, બંને વચ્ચે કેવા સંબંધ છે અને બંને દેશ એકબીજાને કેવી રીતે ફાયદો કરાવે છે, તે અંગે જાણીએ.
પશ્ચિમ એશિયાના સંઘર્ષે ભારત અને સેશેલ્સ બંને દેશો માટે એક 'વેક-અપ કોલ' સમાન કામ કર્યું છે. જો કે હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલનો પ્રવાહ શરૂ થઈ ગયો છે અને દરિયાઈ વેપાર પણ પૂર્વવત થયો છે, પરંતુ આ કટોકટીએ સમજાવી દીધું છે કે વૈશ્વિક આંચકા ગમે તેટલા નાના કે મોટા અને વિકસિત દેશોને પણ પ્રભાવિત કરી શકે છે.

દરિયાઈ માર્ગો પર લાંબા સમય સુધી ચાલેલા અવરોધોને કારણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અંગેની ચિંતાઓ વધુ ઘેરી બની છે. સેશેલ્સ જેવો સંપૂર્ણપણે આયાત પર નિર્ભર નાનો દેશ, જ્યાં ખોરાક, ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અચાનક અટકી ગયો હતો, તેના માટે આ યુદ્ધની નકારાત્મક અસરો ખૂબ ગંભીર હતી. આવી સ્થિતિમાં પ્રમુખ હર્મિનીની ભારત મુલાકાતના તુરંત બાદ ભારતે 250 મેટ્રિક ટન અનાજ, સિમેન્ટ સહિતની બાંધકામ સામગ્રી અને અન્ય કટોકટીની વસ્તુઓ સેશેલ્સ મોકલી આપી હતી, જેનાથી સેશેલ્સને તાત્કાલિક સંકટમાંથી ઉગરવામાં મોટી મદદ મળી હતી અને સેશેલ્સ સરકારે આ મદદની ભારે પ્રશંસા કરી હતી.
આ અગાઉ માર્ચ 2015માં PM મોદીએ સેશેલ્સની મુલાકાત લીધી હતી, જે 34 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત બાદ જ PM મોદીએ મોરેશિયસમાં પોતાના પ્રખ્યાત SAGAR (Security and Growth for All in the Region) વિઝનની જાહેરાત કરી હતી. આ વિઝન ભારતની "નેબરહુડ ફર્સ્ટ" ની નીતિનો દરિયાઈ પડોશીઓ સુધીનો વિસ્તાર દર્શાવે છે.
વર્તમાન મુલાકાતનો સમય પણ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં સેશેલ્સ પોતાનો 50મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, જે ભારત-સેશેલ્સના 50 વર્ષના રાજદ્વારી સંબંધો સાથે સુસંગત છે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં PM મોદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા અને સેશેલ્સની નેશનલ એસેમ્બલીના વિશેષ સત્રને સંબોધન કરવાનું આમંત્રણ આપવું એ દર્શાવે છે કે સેશેલ્સ ભારતને હિંદ મહાસાગરના એક વિશ્વસનીય ભાગીદાર અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના માર્ગદર્શક તરીકે જુએ છે.

પશ્ચિમ હિંદ મહાસાગરમાં આવેલા 115 ટાપુઓના આ નાના દેશમાં માત્ર 4 ટાપુઓ પર જ વસ્તી વસે છે. અંદાજે 1.3 લાખની વસ્તી ધરાવતો આ દેશ નવી દિલ્હીની વ્યૂહાત્મક ગણતરીઓમાં ઘણું મહત્વ ધરાવે છે.
ભારતના દ્રષ્ટિકોણથી, સેશેલ્સનું ભૌગોલિક સ્થાન મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોની નજીક હોવાથી તે ભારતના MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) વિઝનનો એક મુખ્ય સ્તંભ બને છે. આ વિઝન માત્ર સામૂહિક સુરક્ષા અને આર્થિક જોડાણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં આબોહવા પરિવર્તન, ટકાઉ વિકાસ, દરિયાકાંઠાની સુરક્ષા અને બ્લુ ઇકોનોમી જેવા બિન-પરંપરાગત પડકારોનો પણ સમાવેશ થાય છે. પોતાની મર્યાદિત નૌકા સૈન્ય ક્ષમતાઓને કારણે, સેશેલ્સ આ ક્ષેત્રમાં ચાંચિયાગીરી, ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદેસર માછીમારી જેવા આંતરરાષ્ટ્રીય જોખમો સામે લડવા માટે ભારતને પોતાના પ્રથમ પસંદગીના ભાગીદાર તરીકે જુએ છે.
પર્સિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા લાંબા ગાળાના તણાવને કારણે આ વિસ્તારમાં અન્ય વૈશ્વિક સૈન્ય દળોની હાજરી અને દરિયાઈ દેખરેખ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ સ્થિતિમાં, સેશેલ્સ સાથે મળીને મેરીટાઇમ ડોમેન અવેરનેસ (દરિયાઈ ક્ષેત્રની જાગરૂકતા) ને મજબૂત કરવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
બીજી તરફ, હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ચીન નાના ટાપુ દેશો અને પૂર્વ આફ્રિકન દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, બંદર નિર્માણ, સસ્તી લોન (સોફ્ટ લોન) આપવા અને સંરક્ષણ કરારો કરવા જેવી પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. આ સંવેદનશીલ વિસ્તારમાં પ્રાદેશિક સંતુલન જાળવવા અને ભારતીય પ્રભાવ જાળવી રાખવા માટે સેશેલ્સ સાથે મજબૂત ભાગીદારી અનિવાર્ય છે. સંરક્ષણ દ્રષ્ટિએ આ ટાપુ દેશ પૂર્વ આફ્રિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારતીય સૈન્ય મથકો માટે એક લોજિસ્ટિક્સ હબ તરીકે કામ કરી શકે છે અને ભારતીય વ્યાપારી સંસ્થાઓ માટે આફ્રિકાનું આર્થિક પ્રવેશદ્વાર બની શકે છે.

સેશેલ્સની કુલ વસ્તીના અંદાજે 12 ટકા લોકો ભારતીય નાગરિકો અથવા ભારતીય મૂળના છે. આ પ્રવાસી ભારતીયો બંને દેશો વચ્ચે સેતુ સમાન છે, જેમના દ્વારા ત્યાંના સ્થાનિક લોકોમાં ભારત પ્રત્યે સકારાત્મક લાગણી અને સદ્ભાવના ઊભી થાય છે.
પ્રમુખ હર્મિનીની ભારત મુલાકાત દરમિયાન ભારતે સેશેલ્સ માટે 175 મિલિયન ડોલરની વિશેષ આર્થિક સહાયની જાહેરાત કરી હતી, જેમાં 125 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ અને 50 મિલિયન ડોલરની ગ્રાન્ટ સામેલ છે. સેશેલ્સને મળેલી આ અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય સહાય છે.
બંને દેશોએ Joint Vision SESEL (Sustainability, Economic Growth and Security through Enhanced Linkages) નામનો એક નવો રોડમેપ પણ સ્વીકાર્યો છે, જેમાં રિન્યુએબલ એનર્જી, હેલ્થકેર અને મેરીટાઇમ સર્વેલન્સ જેવા ક્ષેત્રો આવરી લેવાયા છે.
ભારત અને સેશેલ્સ વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સહયોગ અત્યંત મજબૂત છે. ભારત સેશેલ્સના સંરક્ષણ દળોને વિશેષ તાલીમ, સંયુક્ત હાઇડ્રોગ્રાફી મેપિંગ અને સંકલિત સર્વેલન્સમાં મદદ કરી રહ્યું છે.
આ મુલાકાત દરમિયાન PM મોદી સેશેલ્સ કોસ્ટ ગાર્ડને એક ફાસ્ટ પેટ્રોલ વેસેલ (ઝડપી ગશ્તી જહાજ) સોંપશે. આ અગાઉ ભારતે સેશેલ્સને બે ડોર્નિયર એરક્રાફ્ટ અને પેટ્રોલિંગ બોટ્સ આપ્યા છે તેમજ ભારતીય સંરક્ષણ કર્મચારીઓ પણ ત્યાં તૈનાત છે. નોંધનીય છે કે માર્ચ 2026માં યોજાયેલી 'એક્સરસાઇઝ લેમિટિયે' યુદ્ધાભ્યાસની 11મી આવૃત્તિ પ્રથમ વખત ત્રણેય સેનાઓના સ્તરે આયોજિત કરવામાં આવી હતી.
સેશેલ્સ હવે 'કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ'નું પૂર્ણ સભ્ય બન્યું છે, જે આ પ્રદેશમાં કાયદા આધારિત વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. પૂર્ણ સભ્ય તરીકે સેશેલ્સ હવે ભારતના 'મિલાન' અને 'પ્રગતિ' જેવા બહુપક્ષીય સૈન્ય અભ્યાસોમાં ભાગ લઈ શકશે.
વર્તમાન સમયમાં સેશેલ્સના પશ્ચિમી દેશો સાથેના સંબંધો થોડા તણાવપૂર્ણ છે. પ્રમુખ હર્મિનીએ આ વર્ષે એપ્રિલમાં રશિયાની મુલાકાત લીધી હતી, જેનાથી યુરોપિયન યુનિયન નારાજ છે. જો કે, આ દરમિયાન સેશેલ્સના ભારત, રશિયા અને ચીન સાથેના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. પ્રમુખ હર્મિની આગામી વર્ષે ચીનની મુલાકાત લેવાના છે. રશિયા અને ચીન બંને સેશેલ્સને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારતના સક્રિય પ્રયાસો, ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને PM મોદીની વર્તમાન વ્યૂહાત્મક મુલાકાત બંને દેશોના સંબંધોને અંતે એક મજબૂત 'વ્યૂહાત્મક ભાગીદારી' તરફ લઈ જશે.

