- National
- નિવૃત્ત સૈનિકોને માત્ર 1.9% જ નોકરી કેમ મળે છે? રાહુલ ગાંધીએ રક્ષા સમિતિમાં ઉઠાવ્યો સવાલ
નિવૃત્ત સૈનિકોને માત્ર 1.9% જ નોકરી કેમ મળે છે? રાહુલ ગાંધીએ રક્ષા સમિતિમાં ઉઠાવ્યો સવાલ
તાજેતરમાં રક્ષા સંબંધિત સ્થાયી સમિતિની એક બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ઓછામાં ઓછા 10%-25% નિવૃત્ત સૈનિકોની ભરતી કરવાની જોગવાઈ છે ત્યારે સરકારી નોકરીઓમાં માત્ર 1,9% નિવૃત્ત સૈનિકોનો સમાવેશ કેમ કરવામાં આવે છે? આ ઉપરાંત, બેઠકમાં નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ભાજપના રાધા મોહન સિંહની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નિવૃત્ત સૈનિકો માટે પુનર્વસન, રોજગારની તકો અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ સમિતિના સભ્ય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ઘણા નિવૃત્ત સૈનિકો માટે મિલીટરી હોસ્પિટલોમાં સારવાર મેળવવામાં મુશ્કેલ થઈ જાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું હતું કે, જ્યારે નિવૃત્ત સૈનિકોને ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે, ત્યારે તેમને ઘણીવાર સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે ઘણી હોસ્પિટલો સરકારી લેણાંની ચૂકવણી ન થવાને કારણે તેમની સારવાર કરવાનો ઇનકાર કરી દે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેમને કેન્સર અને કિડનીની સારવાર માટે માત્ર 75,000 રૂપિયા મળે છે. આટલી ઓછી રકમથી કેન્સર અથવા કિડનીની બીમારીની સારવાર કેવી રીતે શક્ય છે? આ રકમ વધારવી જોઈએ.
કેટલાક સભ્યોએ એમ પણ કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (PSUs)એ પૂર્વ સૈનિકોની ભરતી કરવી જોઈએ. દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું કે 2019માં માત્ર 1.9 ટકા નિવૃત્ત સૈનિકોની જ ભરતી કરવામાં આવી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ક્વોટા સિસ્ટમના ફાયદા તેના ઉમેદવારો સુધી પહોંચી રહ્યા નથી. સાંસદોએ રક્ષા મંત્રાલયને વર્તમાન પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવા ઉપરાંત નોકરીના ક્વોટા અને તબીબી લાભોની ફાળવણીમાં પારદર્શિતા વધારવા અપીલ કરી.

