- Politics
- ટ્રમ્પના ટેરિફ પર શ્રીલંકન સાંસદે પોતાની જ સરકારને સંભળાવી દીધું
ટ્રમ્પના ટેરિફ પર શ્રીલંકન સાંસદે પોતાની જ સરકારને સંભળાવી દીધું
શ્રીલંકાના એક સાંસદ હર્ષા ડી સિલ્વાએ સોમવારે (11 ઓગસ્ટ, 2025ના રોજ) શ્રીલંકાની સંસદમાં અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને લઈને નિવેદન આપ્યું હતું. શ્રીલંકાના સાંસદે પોતાના દેશની સંસદને અમેરિકાના ટેરિફની ભારત પરની અસરને હળવાશથી ન લેવાનો આગ્રહ કર્યો છે અને તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જેણે સૌથી ખરાબ આર્થિક સંકટ દરમિયાન શ્રીલંકાને મહત્ત્વપૂર્ણ સહાયતા પ્રદાન કરી હતી.
સંસદમાં પોતાના વિચારો રજૂ કરતા હર્ષા ડી સિલ્વાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અનુચિત અને પસંદગીયુક્ત વ્યાપાર ઉપાયો પ્રત્યે ભારતના વિરોધનો બચાવ કર્યો. ડેઇલી મિરરના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે, ‘ભારત પર ન હસો. જ્યારે તેઓ નીચે હોય ત્યારે તેમની મજાક ન ઉડાવો, કારણ કે જ્યારે આપણે નીચે હતા ત્યારે એકલા તેઓ જ હતા, જેમણે આપણી મદદ કરી હતી. રમત હજુ પૂરી થઈ નથી. અમે તમને હસતા જોયા. હસશો નહીં. ભારતને અપેક્ષા હતી કે, ડ્યુટી 15 ટકા સુધી ઓછી થશે અને આપણને પણ એવી જ અપેક્ષા હતી.’
https://twitter.com/AsYouNotWish/status/1954804215429374019
વર્ષ 2022માં શ્રીલંકાની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે ઇંધણ સ્ટેશનો સુકાઈ ગયા હતા, ખાદ્ય અને દવાનો પુરવઠો ઘટ્યો હતો અને વિદેશી ભંડાર ખતમ થઈ ગયો હતો. ત્યારે ભારત કોલંબોનો સૌથી મોટો સમર્થક બનીને ઉભર્યું, જેણે 4 અબજ અમેરિકન ડોલરથી વધુની લોન સુવિધા, મુદ્રા વિનિમય અને લોન ચૂકવણીને સ્થગિત કરવા સાથે-સાથે માનવતાવાદી સહાયતાના અનેક કન્સાઇનમેન્ટ પૂરા પાડ્યા.
તો, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (6 ઓગસ્ટ, 2025) ભારત દ્વારા રશિયન તેલની સતત આયાતને કારણે ભારતીય વસ્તુઓ પર વધારાની 25 ટકા ડ્યૂટી લગાવી દીધી, ત્યારબાદ ભારત પર અમેરિકા તરફથી લગાવવામાં આવેલા કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે.

