- Politics
- સરકાર માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કેમ મુશ્કેલ છે? જાણો શું કારણો છે
સરકાર માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કેમ મુશ્કેલ છે? જાણો શું કારણો છે
આ ક્ષણે અભિજીત દિપકે, સોનમ વાંગચુક, હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે વિરોધ પક્ષો પણ આ આંદોલનમાં જોડાયા છે. આ બધા દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.
20 જુલાઈના રોજ, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના એક પ્રતિનિધિમંડળે પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તેમની માંગણીઓનો એક પત્ર સુપરત કર્યોં હતો. જેપી નડ્ડા આ મુદ્દા પર સરકાર વતી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. એટલે કે પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીતના માર્ગો ખુલ્લા રહે છે.
આ સાથે જ, મોદી સરકારે સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન આ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ કહી રહી છે કે પહેલાં શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ ત્યારે સંસદીય ચર્ચા થશે. બીજી તરફ, CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે ત્યાં સુધી તેઓ જંતર-મંતર છોડશે નહીં. આ સંજોગોમાં, મોદી સરકાર માટે પરિસ્થિતિ સરળ લાગતી નથી. આ તમામ રાજકીય ઘટનાક્રમો વચ્ચે, એક મુખ્ય પ્રશ્ન ઉભો થયો છે શું ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાનું મોદી સરકાર માટે મુશ્કેલ કાર્ય છે?
મોદી સરકારની રણનીતિ
ભૂતકાળમાં પણ મોદી સરકારના વિવિધ મંત્રીઓના રાજીનામાની માંગણીઓ ઉઠાવવામાં આવી છે. ભાજપ આવી માંગણીઓ પ્રત્યે સખત રહી છે એટલે કે આ માંગોને અવગણતી રહી છે. અનુભવી પત્રકાર અને રાષ્ટ્રીય રાજનીતિક વિશ્લેષક વિજય ત્રિવેદીનું કહેવું છે કે જો 2014 થી મોદી સરકારની રાજકીય શૈલી પર નજર કરીએ તો, રાજકીય દબાણને કારણે મંત્રીઓએ રાજીનામું આપ્યાના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. અત્યાર સુધી રાજ્યમંત્રી એમ.જે. અકબર સિવાય, ભાગ્યે જ કોઈ મંત્રીએ નૈતિક જવાબદારીના આધારે રાજીનામું આપ્યું છે.
ત્રિવેદી કહે છે કે, કોવિડ-19 મહામારી દરમિયાન આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના રાજીનામાની માંગણીઓ ઉઠાવવામાં આવી હતી. 'એપસ્ટેઇન ફાઇલ્સ' મુદ્દા બાદ હરદીપ સિંહ પુરીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. ખેડૂતો આંદોલન દરમિયાન નરેન્દ્ર સિંહ તોમરને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. ટ્રેન અકસ્માત પછી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. જોકે, તેમાંથી કોઈએ તાત્કાલિક રાજીનામું આપ્યું નહોતું. એકંદરે, એવું લાગે છે કે આ સરકાર રાજકીય દબાણ સામે ઝૂકવા તૈયાર નથી.
જૂન 2015માં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલ એક નિવેદન આ દૃષ્ટિકોણની પુષ્ટી કરે છે. તે સમયે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા NDA સરકારના કેટલાક મંત્રીઓના રાજીનામાની માંગ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, અહીં રાજીનામા નથી થતા ભાઇ. આ NDA સરકાર છે, UPA સરકાર નહીં." વિજય ત્રિવેદી માને છે કે પક્ષમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજકીય કદ પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. ધર્મેન્દ્ર પ્રધાનના પરિવારના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે લાંબા સમયથી સંબંધો છે. તેમણે 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના સહયોગી માનવામાં આવે છે. રાજકીય દબાણ હેઠળ આવા નેતાને દૂર કરવાને સરકાર માટે એક પ્રકારની રાજકીય હાર તરીકે જોઈ શકાય છે.
BBCના અહેવાલ મુજબ, નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)ના રાજકીય વૈજ્ઞાનિક અને ફેલો રાહુલ વર્માએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મંત્રીઓ મંત્રાલયમાં ગેરવહીવટ, ભ્રષ્ટાચારના આરોપો અથવા તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળતા જેવા કારણોસર રાજીનામું આપતા હતા અથવા તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવતી હતી. પરંતુ, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન, જાહેર દબાણને કારણે મંત્રીઓએ રાજીનામું આપવાની ઘટનાઓ ખૂબ જ ઓછી થઇ છે. "શક્ય છે કે સરકારનું માનવું છે કે આવા વિરોધ પ્રદર્શન સમય-સમય પર થતા રહેશે અને દર વખતે તેને રાજકીય મહત્ત્વ આપવું જરૂરી નથી.
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. આમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. આ ઉપરાંત, CJPની માંગણીઓમાં NEET પરીક્ષાની તૈયારી કરતા જીવન ટૂંકાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર, પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને સંસદમાં આ સમગ્ર મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવાનો સમાવેશ થાય છે.
આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું હતું કે સરકાર સંસદમાં NEET પરીક્ષાના પેપર લીક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. અમારી સરકાર સંસદમાં NEET પરીક્ષાના મુદ્દા પર ચર્ચા કરવા અને યુવાનો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ વાજબી પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. આપણાં વિદ્યાર્થીઓને ફક્ત ગુસ્સો નહીં, પણ જવાબો, સુધારા અને જવાબદારી જોઇએ છે જોકે, 21 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર વાત કરતા, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાનો કોઈ સંકેત આપ્યો નહોતો.
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈએ કહ્યું કે, મંત્રીઓ નૈતિક ધોરણે રાજીનામું આપે તે કદાચ મોદીના રાજકારણનો ભાગ નથી. તેઓ એકલા નેતૃત્વ કરવા માંગે છે. જો મંત્રીઓ રાજીનામું આપે અથવા રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવે, તો તે તેમના સમર્થકોને સંદેશ જઇ શકે છે કે સરકાર બિનઅસરકારક છે. મોદી સરકાર માટે, નૈતિકતાથી વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે રાજીનામાથી ચૂંટણી પર શું અસર થશે.
કિદવાઈ અને રાહુલ વર્મા બંને માને છે કે જ્યાં સુધી જન દબાણ ભાજપની ચૂંટણી સંભાવનાઓને પ્રભાવિત ન કરે ત્યાં સુધી મોદી સરકાર જાહેર દબાણ સામે ઝૂકવાની શક્યતા ઓછી છે.
બીજી તરફ, રાજકીય વિશ્લેષક અને લેખક અભિષેક ચૌધરી કહે છે કે, શક્ય છે કે વડાપ્રધાન મોદી હવે આવું કરી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે રાજકીય જમીન સરકી રહી છે. જો એક મંત્રી રાજીનામું આપે છે, તો ભવિષ્યમાં વિપક્ષ અન્ય મંત્રીઓ પર પણ દબાણ વધારી શકે છે. કદાચ આ જ કારણ છે કે વડાપ્રધાન તેમના મંત્રીઓને રાજીનામું આપવા માટે કહી રહ્યા નથી.
આ મુદ્દા પર વિગતવાર વાત કરતાં, રશીદ કિદવાઈએ કહ્યું કે, આ આંદોલન અગાઉના આંદોલનો કરતા અલગ દેખાય છે. તેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં યુવાનો સામેલ છે. હવે, વિરોધ પક્ષો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. જો સરકાર દબાણને વશ થઈને મંત્રીઓના રાજીનામા સ્વીકારે છે, તો વિરોધીઓનું મનોબળ વધુ વધશે. આ મોદીની કેન્દ્રિય અને કડક રાજકીય શૈલી સાથે સુસંગત રહેશે નહીં.
જોકે, વિજય ત્રિવેદી દલીલ કરે છે કે એ કહેવું ખોટું છે કે મોદી સરકાર ક્યારેય વિવાદોમાં ફસાયેલા મંત્રીઓને દૂર કરતી નથી. તેમના મતે, જ્યારે મંત્રીમંડળ વિસ્તરણ અથવા ફેરબદલનો સમય આવ્યો ત્યારે કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યા અથવા ચૂંટણી પછી મંત્રીમંડળમાંથી તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. છતાં રાજકીય દબાણના સમયે મોદી સરકારે સામાન્ય રીતે તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.
શું આનાથી ભાજપને રાજકીય નુકસાન થશે?
રાજકીય વિશ્લેષકો માને છે કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો ભાજપને રાજકીય નુકસાન થશે કે નહીં તે સમય જ કહેશે. તેમનું કહેવું છે કે કોઈ પણ આંદોલન કાયમ માટે ટકતું નથી. હાલમાં કોઈ ચૂંટણીઓ નથી. આ ઉપરાંત, આંદોલનના મુદ્દાઓ અને ચૂંટણીઓના મુદ્દાઓ અલગ-અલગ હોય છે.
રાહુલ વર્માનું વિશ્લેષણ સૂચવે છે કે વિરોધ પક્ષો વર્તમાન પરિસ્થિતિનો રાજકીય રીતે કેટલો લાભ લઈ શકે છે તેના પર ઘણું નિર્ભર રહેશે. આગામી છ મહિનામાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે; ત્યાં સુધી વિપક્ષ આ મુદ્દાને કેવી રીતે ઉઠાવે છે, તે જોવાનું રહેશે.
આ દરમિયાન, 21 જુલાઈથી આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહી છે. રશીદ કિદવાઈનું કહેવું છે કે આનાથી વિરોધ પક્ષોમાં એકતાનો અભાવ છતી થયો છે. કિદવાઈના મતે, એ જોવાનું બાકી છે કે શું હાલમાં રસ્તાઓ પર વિરોધ કરી રહેલા લોકો ચૂંટણી આવે ત્યારે ફક્ત પ્રશ્નપત્ર લીકના મુદ્દા પર જ મતદાન કરશે, કે પછી રાજકીય અને ધાર્મિક ધ્રુવીકરણ ફરી એકવાર પ્રભુત્વ મેળવશે. ભારતીય રાજકારણનું બદલાયેલું દૃશ્ય આ પ્રશ્નને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
આ સમયે દેશમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ધ્રુવીકરણ ખૂબ ઊંડું છે. એક મજબૂત સમર્થન આધાર ઉભરી આવ્યો છે જે મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે; તેઓ તેમના નેતાને નબળા દેખાતા જોવા માંગતા નથી અને માને છે કે મોદી જે કંઈ કહે છે તે સાચું છે. બીજી બાજુ, મોદીના વિરોધીઓના વિચારો બદલવા લગભગ અશક્ય છે, ભલે મોદી ગમે તે કરે.
કોવિડ-19 મહામારીનું સંચાલન, નોટબંધી, પાકિસ્તાન અને ચીન અંગેની વિદેશ નીતિ, મણિપુરમાં હિંસા અને CAA વિરોધ સહિત વિવિધ મુદ્દાઓ પર મોદી સરકારને વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ રાશિદ કિડવાઈનું કહેવું છે કે આ વિવાદોની ચૂંટણી અસર ખૂબ જ મર્યાદિત હતી.
તેમણે કહ્યું કે, જ્યારે સરકારને ખ્યાલ આવ્યો કે કૃષિ કાયદા ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીમાં ભાજપની નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને પાછા ખેંચી લીધા. આ જ મોદી સરકારની ચૂંટણીનું અંકગણિત અથવા 'મેન્ડેટ થિયરી' છે."
જો કે, જો સરકારને એવો સહેજ પણ સંકેત મળે કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન આગામી વિધાનસભા ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે છે, તો તે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી દૂર કરી શકે છે અથવા તેમનો વિભાગ બદલી શકે છે. પરંતુ વિજય ત્રિવેદીનું કહેવું છે કે હાલમાં આવા કોઈ કોઈ સંકેતો નથી.
મંત્રીઓ શા માટે રાજીનામું આપે છે?
રાજકીય વિશ્લેષક અભિષેક ચૌધરી કહે છે, જ્યારે કોઈ વિવાદાસ્પદ બાબતની તપાસ ચાલી રહી હોય, ત્યારે પ્રભારી મંત્રીનું રાજીનામું એ લઘુત્તમ રાજકીય જવાબદારી સ્વીકારવા જેવો હોય છે. જો એ મંત્રી પક્ષમાં નોંધપાત્ર રાજકીય મહત્ત્વ હોય, તો વડાપ્રધાન તેમને પછીથી મંત્રીમંડળમાં પાછા પણ સામેલ કરી શકે છે. પરંતુ, તે સમયે રાજીનામું આપવું એ નિષ્ફળતાની જવાબદારી નક્કી કરવા અને સરકારની છબી સુધારવાની રીત માનવામાં આવે છે. તેઓ આના ઉદાહરણ તરીકે અટલ બિહારી વાજપેયી સરકારનો ઉલ્લેખ કરે છે.
માર્ચ 2001માં, તહલકા સ્ટિંગ ઓપરેશન પછી, જ્યોર્જ ફર્નાન્ડિઝે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું; વાજપેયીએ પણ આ પ્રક્રિયામાં પહેલ કરી હતી. એ જ રીતે, નવેમ્બર 1956માં, તત્કાલીન રેલ્વે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ટ્રેન અકસ્માત પછી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. તેમના આ પગલાને આજે પણ જવાબદારીના એક ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ વિગતવાર જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની જરૂર કેમ છે.
તેઓ જણાવે છે કે, ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ, કારણ કે શિક્ષણ પ્રણાલીમાં આ ગંભીર નિષ્ફળતાની અંતિમ જવાબદારી મંત્રાલયની છે. પરીક્ષા પ્રણાલીમાં ફેલાયેલી અવ્યવસ્થા, તણાવ અને સંબંધિત ઘટનાઓએ ઘણા વિદ્યાર્થીઓના જીવ લીધા છે. એવામાં ધર્મેન્દ્ર પ્રધાન માટે પદ પર રહેવું યોગ્ય નથી.
અભિજીત દીપકે કહે છે કે, આવા રાજીનામાથી અન્ય કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જવાબદાર બનાવશે. આ તે ખ્યાલ આપશે કે જો તેઓ કોઈ ગંભીર ભૂલ કરશે, તો તેમને પણ તેમના પદ પરથી દૂર કરી શકાય છે.

