- National
- અમેરિકામાં ભણેલી ધર્મેન્દ્ર પ્રધાનની દીકરીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ કેમ ડિલીટ કર્યું?
અમેરિકામાં ભણેલી ધર્મેન્દ્ર પ્રધાનની દીકરીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ કેમ ડિલીટ કર્યું?
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા બદલ સોશિયલ મીડિયા પર થયેલા ભારે વિરોધ અને ટ્રોલિંગ બાદ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દીધું છે. નૈમિષાએ અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્થિત એક યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લોઝ (LLM) ની ડિગ્રી મેળવી છે. મળતી માહિતી મુજબ, તેણે આ અભ્યાસક્રમ વર્ષ 2023માં પૂર્ણ કર્યો હતો.
જંતર-મંતર ખાતે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના વિરોધ પ્રદર્શન વચ્ચે, કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સે તેમની પુત્રીનું એકાઉન્ટ શોધી કાઢ્યું હતું અને તેની વિવિધ પોસ્ટોના કમેન્ટ સેક્શનમાં ટેગ કરીને કમેન્ટ્સનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આ સપ્તાહની શરૂઆતમાં સોમવારે, જ્યારે CJP ના કાર્યકરો પોતાના મુદ્દાઓ સાથે સંસદ તરફ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી થતા આ આક્રોશ વધુ વધ્યો હતો. આટલું જ નહીં પણ પ્રદર્શનકારીઓએ જે કોલેજમાં તેણે અભ્યાસ કર્યો છે, તેના સોશિયલ મીડિયા અકાઉન્ટના કમેન્ટ સેક્શનમાં પણ ટીકા કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર ઘણા યુઝર્સે વીડિયો અને પોસ્ટ શેર કરીને નૈમિષાના વિદેશમાં થયેલા અભ્યાસ સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેના પિતાના રાજીનામાની માંગ કરી હતી. યુઝર્સે નૈમિષાની યુનિવર્સિટીની કમેન્ટ સેક્શનમાં પણ ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો’ જેવા નારા લખીને વિરોધ નોંધાવ્યો હતો તથા યુનિવર્સિટીમાંથી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે નૈમિષાએ પોતાની LLM ની ડિગ્રી 2023માં જ પૂર્ણ કરી લીધી હતી.
નૈમિષાને ટેગ કરીને કરવામાં આવેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દેશની નબળી શિક્ષણ વ્યવસ્થાને કારણે જ તેમણે વિદેશમાં અભ્યાસ કરવો પડ્યો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે તમે વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છો કારણ કે તમે પણ એ જ જાણો છો જે દેશના લાખો ભારતીય વિદ્યાર્થીઓ જાણે છે— આપણી શિક્ષણ વ્યવસ્થા તેમને નિષ્ફળ બનાવી રહી છે.
સાથે જ ઉમેરવામાં આવ્યું હતું કે જો અન્ય વિદ્યાર્થીઓ પાસે પણ વિશેષાધિકાર અને પૈસા હોત, તો તેઓ પણ દેશ છોડીને ચાલી ગયા હોત.
બીજી તરફ, કેટલાક યુઝર્સે યુનિવર્સિટીને ટેગ કરીને નૈમિષાને પણ સમસ્યાનો ભાગ ગણાવી હતી. જોકે, ઘણા યુઝર્સે આ બાબતે અસહમતી દર્શાવતા કહ્યું હતું કે મુદ્દો માત્ર મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પૂરતો જ સીમિત રહેવો જોઈએ અને તેમના પરિવારના સભ્યોને વચ્ચે ન લાવવા જોઈએ. એક યુઝરે લખ્યું પરિવારના કોઈ સભ્યને, ખાસ કરીને જેઓ નિર્ણાયક નથી, તેમને વચ્ચે ખેંચવા એ મર્યાદા બહારની વાત છે. જેઓ પદ પર બેઠા છે તેમની પાસે જ જવાબદેહી માંગવી જોઈએ. સત્તામાં બેઠેલા લોકોની ટીકા કરો, તેમના કામો સામે સવાલ ઉઠાવો અને પરિવર્તનની માંગ કરો.
CJP વિરોધ પર શિક્ષણ મંત્રીની પહેલી પ્રતિક્રિયા: 'વિદ્યાર્થીઓને આક્રોશ નહીં, જવાબ અને સુધારા જોઈએ છે'
જંતર-મંતર ખાતે CJP ના વિરોધ પ્રદર્શન પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે સરકાર સંસદના ગૃહમાં NEET મુદ્દે અને યુવાનોની ચિંતાઓ પર ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે.

X (ટ્વિટર) પર એક પોસ્ટમાં પ્રધાને જણાવ્યું હતું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અરાજકતા ઊભી કરવા માટે રાજકીય હથિયાર તરીકે વિદ્યાર્થીઓનો બેશરમીથી ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કરીને જનતા માટે મુશ્કેલી ઊભી કરી હતી અને નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું.
https://twitter.com/dpradhanbjp/status/2079617783613313136
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે સંસદમાં NEET અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ કોંગ્રેસે લોકશાહી ચર્ચાને બદલે રાજકીય ડ્રામા પસંદ કર્યો.
પ્રધાને વધુમાં ઉમેર્યું રાહુલ ગાંધી માટે આ મુદ્દો વિદ્યાર્થીઓનો નથી, પરંતુ ચર્ચાના તમામ યોગ્ય માર્ગો ખુલ્લા હોવા છતાં વિવાદ ઊભો કરવાનો છે. સરકાર NEET પર ચર્ચા કરવા માટે 100% પ્રતિબદ્ધ છે. વિદ્યાર્થીઓ રાજકીય પ્રચારના સાધન બનવા કરતાં વધુ શ્રેષ્ઠ વ્યવહારને પાત્ર છે. આપણે આપણા વિદ્યાર્થીઓને આક્રોશ કરતાં વધુ આપવું પડશે— આપણે તેમને જવાબ, સુધારા અને ઉત્તરદાયિત્વ આપવા પડશે, અને આપણી સરકાર આ જ આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

