- Sports
- પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ
પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ
દુનિયાનો દરેક ક્રિકેટરની ઈચ્છા IPLમાં રમવાની હોય છે. તેની પાછળનું કારણમાં અહી મળતા પૈસા અને આ T20 લીગનું હાઇ-ક્લાસ સ્ટાન્ડર્ડ છે. પરંતુ, ઓસ્ટ્રેલિયન ઓફ-સ્પિનર એડમ ઝમ્પાએ IPL છોડીને PSLમાં રમવાનો નિર્ણય લીધો હતો.
PSL તેના પોતાના જ દેશમાં રમાતી બિગ બેશ લીગ (BBL)ની તુલનામાં પણ ફિક્કી પડે છે, આખરે તેણે PSLમાં રમવાનો નિર્ણય કેમ લીધો? એ પણ ત્યારે જ્યારે ભારતીય રૂપિયામાં IPLમાં મળી રહેલી 2.40 કરોડની સેલેરીની તુલનમાં PSLમાં માત્ર 1.51 કરોડ રૂપિયા જ મળે છે. આના જવાબમાં, એડમ ઝમ્પાએ કહ્યું કે તેના માટે પૈસા મહત્ત્વના નથી.
એડમ ઝમ્પાના મતે, વિશ્વભરના અન્ય ઘણા ખેલાડીઓની જેમ તેના માટે પૈસા એટલા મહત્ત્વના નથી. ઝમ્પાએ કહ્યું કે, તેણે IPLમાં લાગતા સમયને જોતા તેણે સ્કીપ કરવાનો નિર્ણય લીધો. ઝમ્પાના મતે, તે આટલો સમય આપવા માટે તૈયાર નહોતો. ઉલ્લેખનીય છે કે, સનરાઇઝર્સ હૈદરાબાદે ઝમ્પાને IPL 2026ની હરાજી પહેલા રીલિઝ કરી દીધો હતો, ત્યારબાદ તેણે હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
ઝમ્પાએ કહ્યું કે, ‘હા, હકીકતમાં હું કોઈની નજરમાં નહોતો. મેં આ વર્ષે IPLમાંથી મારું નામ પાછું ખેંચી લીધું હતું. સાચું કહું તો, મારા જેવા કૌશલ્યવાળા ખેલાડીને સામાન્ય રીતે એટલા પૈસા મળતા નથી, જેટલા બીજા પ્રકારના કૌશલ્યવાળા ખેલાડીઓને મળે છે. IPL માટે જેટલો સમય આપવો પડે છે, તેને જોતા મને નથી લાગતું કે, તેમાં રમવાનું ચાલુ રાખવું મારા માટે સમજદારીભર્યો નિર્ણય હશે. હું બ્રેક લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ પછી, લગભગ એક મહિના અગાઉ PSL તરફથી એક ઓફર આવી. બધું ખૂબ જ ઝડપથી થયું, પરંતુ મને આમાં મજા આવી રહી છે.’ ઝમ્પા PSLમાં કરાચી કિંગ્સ સાથે જોડાયો છે, જેની કેપ્ટનશીપ ડેવિડ વોર્નર કરી રહ્યો છે.
એડમ ઝમ્પાની છેલ્લી IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) હતી; જેના માટે તેણે 2025ની સીઝન દરમિયાન બે મેચ રમી હતી પરંતુ ઈજાને કારણે તે બહાર થઈ ગયો હતો. ફ્રેન્ચાઇઝીએ તેને IPL 2026 ની હરાજી પહેલા રિટેઇન કર્યો નહોતો. ત્યારબાદ, ઝમ્પાએ પણ પોતાનું નામ હરાજીમાંથી પાછું ખેંચી લીધું હતું.

