- Sports
- અર્શદીપ સિંહે ફેંકી 13 બૉલની ઓવર, લાઈવ મેચમાં ગંભીર ગુસ્સે
અર્શદીપ સિંહે ફેંકી 13 બૉલની ઓવર, લાઈવ મેચમાં ગંભીર ગુસ્સે
ભારતના સૌથી સફળ T20 આંતરરાષ્ટ્રીય બૉલર અર્શદીપ સિંહ શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પરંતુ પોતાના જ ઘરેલુ મેદાન પર તેની સાથે કંઈક એવું થઈ ગયું, જેને જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો છે. અર્શદીપે બીજી T20Iમાં એક એવી ભૂલ કરી, જેના કારણે ગૌતમ ગંભીર પણ ગુસ્સે થઇ ગયા હતા. અર્શદીપ સિંહે બીજી T20Iમાં પોતાની ત્રીજી ઓવર પૂરી કરવા માટે 13 બૉલ ફેંક્યા હતા. એવું લાગતું હતું કે તે બોલિંગ કરવાનું જ ભૂલી ગયો હોય.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 11મી ઓવરમાં અર્શદીપ સિંહને બૉલિંગ આપવામાં આવી હતી. ડી કોકે તેના પહેલા બૉલ પર જ છગ્ગો ફટકાર્યો, પરંતુ તેણે પછી 2 વાઈડ બૉલ ફેંક્યા, ત્યારબાદ તેને વધુ 5 વાઈડ બૉલ ફેંક્યા. અર્શદીપ સિંહે આ ઓવરમાં 13 બૉલ ફેંક્યા, જેમાં તેણે 18 રન આપ્યા હતા. અર્શદીપ સિંહને વાઈડ બૉલ ફેંકતો જોઈને જસપ્રીત બૂમરાહ તેને સમજાવવા આવ્યો, છતા તે સીધો બોલિંગ કરી ન શક્યો. જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં બેસીને ગુસ્સે થઈ રહ્યા હતા.
અર્શદીપ સિંહે એક ઓવરમાં 7 વાઈડ બૉલ ફેંકીને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવી દીધો. અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આટલી લાંબી ઓવર ફેંકનાર પહેલો ભારતીય બની ગયો છે. તેના પહેલા અફઘાનિસ્તાનના નવીન ઉલ હકે પણ એક ઓવરમાં 13 બૉલ ફેંક્યા હતા. અર્શદીપ સિંહ સામાન્ય રીતે T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે, કારણ કે તેનો રેકોર્ડ આ વાતની સાક્ષી આપે છે, પરંતુ બીજી T20માં તેની લય ખરાબ રહી, જેના કારણે ભારતીય ટીમ ને પણ નુકસાન થયું. અર્શદીપ સિંહે પોતાની 4 ઓવરમાં 54 રન આપ્યા. આ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા, તેણે 2022માં 62 રન આપ્યા હતા. તો મેચની વાત કરીએ તો ભારતીય ટીમને આ મેચમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે.

