- Sports
- ભારત વિરુદ્ધના નિવેદન પર કમિન્સે કહ્યું- હું આવું નથી બોલ્યો, ઓસ્ટ્રેલિયન મીડિયાને ખખડાવી
ભારત વિરુદ્ધના નિવેદન પર કમિન્સે કહ્યું- હું આવું નથી બોલ્યો, ઓસ્ટ્રેલિયન મીડિયાને ખખડાવી

ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત વિશે આપેલા નિવેદનને કારણે ચર્ચામાં છવાયેલો છે. હવે તેણે એક ઓસ્ટ્રેલિયન મીડિયા આઉટલેટ દ્વારા તેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવા બદલ ટીકા કરી છે. હકીકતમાં, કોડ ક્રિકેટ નામની સંસ્થાએ ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સનો ખોટો ઉલ્લેખ કર્યો હતો. હવે પેટ કમિન્સે કહ્યું છે કે, 'મેં ક્યારેય આવું કંઈ કહ્યું જ નથી.'
ખરેખર, પેટ કમિન્સે તાજેતરમાં એક TV સ્પોર્ટ્સ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આમાં તેણે કહ્યું, 'મને લાગે છે કે ટુર્નામેન્ટ ચાલુ રહી શકે તે સારી વાત છે. પરંતુ સ્વાભાવિક છે કે, ભારતને એક જ મેદાન પર રમવાથી મોટો ફાયદો થઈ રહ્યો છે. તે પહેલેથી જ ઘણી મજબૂત ટીમ દેખાઈ રહી છે. હવે આ પ્રકારના ફાયદાથી તે વધુ ખતરનાક બની શકે છે.'

જોકે, કોડ ક્રિકેટના એક્સ પોસ્ટ અનુસાર, પેટ કમિન્સે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને એ પ્રકારનો 'દેખાડો' ગણાવી હતી. પેટ કમિન્સે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 'ભારતને અન્યાયી ફાયદો આપવા' બદલ ICCની પણ ટીકા કરી હતી. કોડ ક્રિકેટે પેટ કમિન્સનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તમે ક્યાં રમશો અને ક્યાં નહીં તે પસંદ કરી શકતા નથી. આના લીધે ટુર્નામેન્ટ હાસ્યાસ્પદ બની જાય છે.'
પેટ કમિન્સે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. આ પોસ્ટ ફરીથી પોસ્ટ કરતી વખતે, તેણે લખ્યું, 'મેં ચોક્કસપણે ક્યારેય આવું કહ્યું નહીં.' પેટ કમિન્સ દ્વારા આવું કર્યા પછી, કોડ ક્રિકેટે તેની પોસ્ટ દૂર કરી દીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, કોડ ક્રિકેટે કમિન્સ પાસેથી જે ક્વોટનો ઉલ્લેખ કર્યો હતો તે હકીકતમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોનાથન એગ્ન્યુનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. પરંતુ સુરક્ષા કારણોસર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણે, ટીમ ઈન્ડિયાની બધી મેચ તટસ્થ સ્થળ એટલે કે દુબઈમાં યોજાઈ રહી છે.
ભારતની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યારે બાકીની સાત ટીમો પાકિસ્તાનના અલગ અલગ મેદાનો પર પોતાની મેચ રમી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાના બીજા બાળક, પુત્રી એડીના જન્મ અને પોતાને થયેલી ઈજાની સારવાર માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની ના પાડી દીધી હતી.