- Sports
- 17 વર્ષ બાદ છલકાયું સૌરવ ગાંગુલીનું દર્દ, બોલ્યા- આવું ન થાત તો મારા નામે 50 કરતા વધુ સદી હોત
17 વર્ષ બાદ છલકાયું સૌરવ ગાંગુલીનું દર્દ, બોલ્યા- આવું ન થાત તો મારા નામે 50 કરતા વધુ સદી હોત
પોતાના સમયના ડાબા હાથના દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલીને પોતાના કરિયરમાં ઘણી સદીઓ ચૂંકવાનો અફસોસ છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 સદી ફટકારી છે, પરંતુ તેમને આ સંખ્યા પસંદ નથી. ગાંગુલીએ 311 વન-ડે અને 113 ટેસ્ટ મેચ રમી છે. તેમના આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેમણે કુલ 18575 રન બનાવ્યા છે. ગાંગુલીએ આ અફસોસ ત્યારે વ્યક્ત કર્યો છે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ જૂના ગાંગુલીને શું સલાહ આપવા માગશે.
ગાંગુલીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું ઘણી વખત સદી લાગાવવાનું ચૂકી ગયો, મારે હજી વધારે રન બનાવવા જોઈતા હતા. મેં ઘણી વખત 90 અને 80 રન બનાવ્યા.’ ગાંગુલીના આંકડા પર નજર કરીએ ખબર પડે છે કે તેઓ 30 વખત 80ના સ્કોરથી આગળ વધ્યા અને સદી પૂરી કરતા પહેલા જ આઉટ થઈ ગયા. જો તેઓ આ ઇનિંગ્સને પણ સદીમાં બદલવામાં સફળ થઈ જતા તો તેમના નામે 50થી વધુ સદી નોંધાઈ જતી. તમને જણાવી દઈએ કે ગાંગુલીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2008માં રમી હતી. ત્યારબાદ તેમણે સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.
ગાંગુલી જ્યારે એકલા હોય છે, ત્યારે તેમને પોતાની જૂની ઇનિંગ્સ જોવાનું પસંદ છે. તેનાથી તેમને યાદ આવે છે કે તેઓ વધુ સદી બનાવવાની કેટલી નજીક હતા. તેમણે કહ્યું કે, હું પોતાના (બેટિંગના) વીડિયો ત્યારે જોઉં છું, જ્યારે હું એકલો હોઉ છુ. ગાંગુલીએ કહ્યું કે જ્યારે મારી પત્ની ઘરે હોતી નથી કેમ કે સના લંડનમાં રહે છે. હું યુટ્યુબ પર જાઉં છું, અને જોઉં છું અને મારી જાતને કહું છું કે અરે, હું પાછો 70 પર આઉટ થઈ ગયો. મારે સદી બનાવવી જોઈતી હતી, પરંતુ હવે તમે બદલી નહીં શકો. ગાંગુલીએ વન-ડેમાં 72 અને ટેસ્ટ ક્રિકેટમાં 35 અડધી સદી ફટકારી છે. ગાંગુલીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ (ટેસ્ટ) નવેમ્બર 2008માં રમી હતી.

