- Gujarat
- ક્રિકેટર બનવાની ઘેલછામાં સુરતના ધો-9માં ભણતા બે સગીર ઘરેથી નીકળી ભીલવાડા પહોંચ્યા
ક્રિકેટર બનવાની ઘેલછામાં સુરતના ધો-9માં ભણતા બે સગીર ઘરેથી નીકળી ભીલવાડા પહોંચ્યા
સુરતના મોરા ગામના બે કિશોરોએ ક્રિકેટર બનવાની ઈચ્છામાં ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી મુંબઇ અને ત્યારબાદ રાજસ્થાન સુધીનો સફર કરી નાખ્યો હતો. ધોરણ 9માં સાથે ભણતા બંને સગીર પહેલા સુરતથી ટ્રેનમાં બેસીને મુંબઇ–બોરીવલી પહોંચ્યા અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં બેસી ભીલવાડા સુધી પહોંચી ગયા હતા. જતાં પહેલાં એક સગીરે પરિવારને હિન્દીમાં ચિઠ્ઠી લખીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાળકો પરત ન આવતા ચિંતિત પરિવારજનોએ પોલીસની મદદ માગતા ઇચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને રેલવે સ્ટેશનના 93 CCTV ફૂટેજ તપાસીને બંનેને શોધી કાઢ્યા હતા.
વાળ કપાવવા નીકળેલો દીકરો ઘરે ન પહોચતા માતા-પિતા ગભરાયા
મોરા ટેકરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની વેપારીનો 16 વર્ષીય પુત્ર વિકાસ (નામ બદલ્યું) 7 નવેમ્બરની બપોરે 4 વાગ્યે વાળ કપાવવા નીકળ્યો હતો. સાંજ સુધી પરત ન ફરતા તેની માતાએ પતિને જાણ કરી. સલૂનમાં પૂછપરછ કરતા વિકાસ વાળ કપાવ્યા બાદ ઘરે જવા નીકળ્યો હતો તેવું જાણવા મળ્યું.
CCTV તપાસતા હાથમાં બેગ અને ક્રિકેટ બેટ સાથે જોવા મળ્યો
દોડધામમાં માતા-પિતાએ વિસ્તારમાંના CCTV ફૂટેજ તપાસ્યા જેમાં મોરા કોમ્યુનિટી હોલ નજીક વિકાસ હાથમાં બેગ અને ક્રિકેટ બેટ લઈને જતા નજરે પડ્યો. ત્યારબાદ વાલીઓએ સ્કૂલમાં સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે વિકાસ અને તેનો મિત્ર 15 વર્ષીય નીરવ (નામ બદલ્યું) બંને ક્રિકેટના ભારે શોખીન છે અને વારંવાર ક્રિકેટર બનવાની ઈચ્છા વ્યક્ત કરતા રહેતા.
મિત્ર પણ ગાયબ; પરિવારજનો રેલવે–બસ સ્ટેશન પર કરી શોધખોળ
વિકાસના માતા–પિતા નીરવના ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ પણ જણાવ્યું કે દીકરો 4 વાગ્યાથી ગાયબ છે. બંને પરિવારોએ રાત સુધી રેલવે અને બસ સ્ટેશનો પર શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન મળતાં બીજા દિવસે ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી.
પોલીસની ઝડપ: મુંબઇ–જયપુર રુટ ટ્રેસ કરીને કિશોરોને ભીલવાડામાં શોધ્યા
પોલીસે સુરત રેલવે સ્ટેશનના 93 કેમેરા ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે બંને મુંબઇ જતી ટ્રેનમાં બેઠા છે. ત્યારપછી બોરીવલી સ્ટેશનના ફૂટેજથી ખબર પડી કે ત્યાંથી બંને જયપુર જતી ટ્રેનમાં સવાર થયા હતા. વિકાસ રાજસ્થાનનો હોવાને કારણે પોલીસે પરિવારની મદદથી સ્થાનિક સગાઓને જાણ કરી અને અંતે ભીલવાડામાં મામાના ઘર નજીકથી બંનેને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ જણાવ્યું કે તેઓ ક્રિકેટર બનવાની ઈચ્છા પૂરી કરવા ઘરેથી નીકળ્યા હતા.
ચિઠ્ઠીમાં સગીરે લખ્યું હતું:
“मम्मी–पापा, मैं अपने सपने पूरे करने जा रहा हूँ. आप चिंता मत करना. मैं वापस आ जाऊँगा कुछ ही सालों में. मुझे ढूंढने की कोशिश मत करना—जितना ढूंढोगे, मुझे उतनी ही दिक्कतें होंगी और उतनी ही देर से घर लौट पाऊँगा. लव यू. इसे मेरा बचपना मत समझना…!”

