- Sports
- પાકિસ્તાની બેટ્સમેન મુનિબા અલીના રન આઉટ પર હાઈવોલ્ટેજ ડ્રામા, શું કહે છે ICCની રૂલ બુક?
પાકિસ્તાની બેટ્સમેન મુનિબા અલીના રન આઉટ પર હાઈવોલ્ટેજ ડ્રામા, શું કહે છે ICCની રૂલ બુક?
રવિવાર 5 ઓક્ટોબરના રોજ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 હેઠળ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક બ્લોકબસ્ટર મેચ રમાઈ હતી. પાકિસ્તાની બેટ્સમેન મુનીબા અલીના રન આઉટ થવા પર વિવાદ સર્જાયો હતો. મુનિબા દીપ્તિ શર્માના થ્રોથી રન આઉટ થઈ ગઈ હતી. આ ઘટના પાકિસ્તાની ઇનિંગની ચોથી ઓવરમાં બની હતી. તે ઓવરમાં ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડનો છેલ્લો બોલ, મુનીબા અલીના પેડ પર લાગ્યો હતો. ભારતીય ખેલાડીઓએ LBW માટે અપીલ કરી હતી, પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને નોટ આઉટ આપી હતી. ભારતીય વિકેટકીપર રિચા ઘોષને પણ લાગ્યું કે બોલ લેગ સ્ટમ્પની બહાર પીચ થયો છે, એટલે ભારતે રિવ્યૂ લીધું નહોતું.
આ દરમિયાન, દીપ્તિ શર્માએ બોલ ઉપાડ્યો અને તેને સીધો વિકેટકીપર એન્ડ પર સ્ટમ્પ પર થ્રો કર્યો. મુનીબા અલી ક્રીઝથી થોડી બહાર હતી અને તેણે પોતાનું બેટ પાછું ક્રીઝમાં મૂક્યું હતું, પરંતુ જ્યારે બેલ્સ પડ્યા એ સમયે તેનું બેટ જમીનથી થોડું ઉપર હતું. શરૂઆતમાં થર્ડ અમ્પાયરે મુનીબાને નોટ આઉટ આપી, પરંતુ ફરીથી રિપ્લે જોયા બાદ તેમણે તેને આઉટ આપી દીધી.
https://twitter.com/LogicLitLatte/status/1974847025423524018
ICCનો નિયમ શું કહે છે?
થર્ડ અમ્પાયરનો નિર્ણય પૂરી રીતે સાચો હતો. ICCની રૂલ બુક કહે છે કે જ્યાં સુધી બોલ પ્લે હોય, એટલે કે ડેડ ન થયો હોય, ત્યાં સુધી બેટ્સમેનનું બેટ પોપિંગ ક્રીઝની અંદર રહેવું જોઈએ. જો કોઈ બેટ્સમેન રન માટે દોડી રહ્યો હોય, તો પણ જો તેનું બેટ ક્રીઝ પર પહોંચ્યા બાદ પણ હવામાં હોય, તો પણ તેને નોટ આઉટ જાહેર કરવામાં આવશે, પરંતુ અહીં મુનીબા અલી તો રન માટે દોડી રહી નહોતી, એવામાં થ્રોના સમયે તેનું બેટ અથવા પગ ક્રીઝમાં હોવા જરૂરી હતા, ભલે તેણે પહેલા એક વખત પોતાનું બેટ ક્રીઝમાં મૂક્યું હતું. જ્યારે બેલ્સ પડ્યા, ત્યારે મુનીબાનું બેટ હવામાં હતું અને તેના પગ ક્રીઝની બહાર હતા. જો મુનીબા રન માટે દોડી રહી હોત, તો તે નોટઆઉટ રહેતી.
નિયમ 30.1 મુજબ, જો કોઈ બેટ્સમેનના શરીરનો કોઈ ભાગ અથવા બેટ પોપિંગ ક્રીઝ પાછળ જમીનને સ્પર્શતું નથી, તો તેને ક્રીઝની બહાર ગણવામાં આવશે, એટલે કે જો બેટ અથવા પગ હવામાં હોય, તો બેટ્સમેન ક્રીઝની અંદર માનવામાં આવતો નથી.
નિયમ 30.1.2 જણાવે છે કે જો કોઈ બેટ્સમેન દોડતી વખતે અથવા ડાઇવ કરતી વખતે ક્રીઝ પર પહોંચે છે અને એકવાર તેનું બેટ અથવા શરીર ક્રીઝની અંદર જમીનને સ્પર્શે છે, તો પણ તે તેમનું બેટ અથવા પગ થોડો ઊંચો કરે છે, તો પણ તેને ક્રીઝની અંદર ગણવામાં આવશે.
જોકે, પાકિસ્તાની ખેલાડીઓને કદાચ નિયમનું જ્ઞાન નહીં હોય. આ ઘટના બાદ પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના ચોથા અમ્પાયર સાથે દલીલ કરતી જોવા મળી હતી, જ્યારે મુનીબા અલી ખૂબ નિરાશ દેખાતી હતી. તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ સેલિબ્રેશન મનાવી રહ્યા હતા. પાછળથી રિપ્લેમાં એ પણ સામે આવ્યું કે જો ભારતે તે બોલ પર રિવ્યૂ લીધું હોત, તો મુનીબા LBW આઉટ થઈ ગઈ હોત.

