- Sports
- કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી
કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દી હવે તેના અંતિમ તબક્કામાં છે. ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિતની વનડે (ODI) કારકિર્દીને લઈને પણ અટકળોનો દોર ગરમ છે. આ દરમિયાન ભારતના ભૂતપૂર્વ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને રોહિતને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે. અશ્વિનના મતે નિવૃત્તિ લેતાની સાથે જ રોહિતને મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં કોઈ મોટી જવાબદારી મળી શકે છે.
રોહિતની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત IPLની ટ્રોફી જીતી છે. આર. અશ્વિનનું માનવું છે કે આટલા સફળ કેપ્ટન અને બહેતરીન ક્રિકેટિંગ માઈન્ડ ધરાવતા ખેલાડીને નિવૃત્તિ પછી ફ્રેન્ચાઈઝી પોતાનાથી દૂર જવા દે તે એક મોટી ભૂલ ગણાશે. પોતાની યુટ્યુબ ચેનલ પર અશ્વિને રોહિત અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી કોચિંગ ક્ષેત્રે આવવાની શક્યતાઓ પર વાત કરી હતી. આ દરમિયાન તેણે રોહિતને લઈને મુંબઈ ઈન્ડિયન્સને ખાસ સલાહ પણ આપી હતી.

આર. અશ્વિને જણાવ્યું હતું કે, "જો કાલે રોહિત એવો નિર્ણય લે કે હવે હું નહીં રમીશ, તો મુંબઈ ઈન્ડિયન્સે તુરંત જ તેમને પોતાની સાથે જોડી લેવા જોઈએ. પાંચ IPL ટાઈટલ જીતનાર કેપ્ટન અને ભારતને વર્લ્ડ કપ જીતાડનાર લીડર તમને સરળતાથી નહીં મળે." અશ્વિનના જણાવ્યા મુજબ, રોહિતને સીધી જ હેડ કોચની જવાબદારી સોંપવી જરૂરી નથી. તેઓ મેન્ટર કે અન્ય કોઈ મહત્વપૂર્ણ ભૂમિકામાં પણ ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આર. અશ્વિને સ્વીકાર્યું હતું કે હેડ કોચની ભૂમિકા ખૂબ મહેનત અને સમય માગી લે છે. તેવામાં શક્ય છે કે રોહિત શર્મા પોતાની રમવાની કારકિર્દી પૂરી થયાના તુરંત બાદ આટલી મોટી જવાબદારી લેવા ન ઈચ્છે. તેણે રાહુલ દ્રવિડનું ઉદાહરણ આપતાં કહ્યું કે રોહિત એક-બે વર્ષનો બ્રેક લઈને ક્રિકેટમાં બીજી કોઈ ભૂમિકા સાથે વાપસી કરી શકે છે.
અશ્વિનનું માનવું છે કે આવનારા સમયમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં માત્ર હેડ કોચની ભૂમિકા સુધીના વિકલ્પો સીમિત નહીં રહે. મેન્ટર, ડિરેક્ટર ઓફ ક્રિકેટ અને હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર જેવા પદો પર પણ પૂર્વ ખેલાડીઓની માંગ વધશે.

રોહિત શર્માનો મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો સંબંધ માત્ર એક ખેલાડી પૂરતો સીમિત રહ્યો નથી. તેમની કપ્તાની હેઠળ જ એમઆઈ IPLની સૌથી સફળ ટીમોમાં સામેલ થઈ હતી. આ જ કારણ છે કે અશ્વિન તેમની વ્યુહાત્મક સમજને ફ્રેન્ચાઈઝી માટે એક મોટી સંપત્તિ માને છે. અશ્વિને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ જેવી ફ્રેન્ચાઈઝી રોહિત જેવી વિચારસરણી અને ક્રિકેટની સમજ ધરાવતા ખેલાડીને સહેલાઈથી હાથમાંથી જવા દેશે નહીં.
અશ્વિને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જોકે તેને નથી લાગતું કે કોહલી પોતાની રમતની કારકિર્દી પૂરી થતાં જ કોચિંગમાં આવી જશે.
આર. અશ્વિન કહે છે, "મને નથી લાગતું કે વિરાટ તુરંત કોચ બનવા માટે તૈયાર થશે. બંનેએ ખૂબ મહેનત કરી છે. કદાચ રોહિત મુંબઈ ઈન્ડિયન્સમાં કોઈ ભૂમિકામાં આવી શકે છે. વિરાટને લઈને હું ચોક્કસ નથી. મારા મતે વિરાટ કદાચ થોડા સમય માટે બ્રેક લેવા માંગશે." અશ્વિનનું માનવું છે કે લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને સતત ક્રિકેટ રમ્યા બાદ આ બંને દિગ્ગજ ખેલાડીઓ થોડો સમય મેદાનથી દૂર રહેવાનું પસંદ કરી શકે છે.

