- Travel
- અમેરિકાના નવા વીઝા નિયમોથી ભારતીયો ટેન્શનમાં
અમેરિકાના નવા વીઝા નિયમોથી ભારતીયો ટેન્શનમાં
USએ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે, અને આ નવો નિયમ સીધા લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે સંબંધિત છે. હવે, H-1B વિઝા ધારકો, તેમજ પહેલાથી કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારોએ વિઝા નિરીક્ષણ દરમિયાન તેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર (X) અને લિંક્ડઇન એકાઉન્ટ્સને જાહેર રાખવા પડશે. આનો અર્થ એ છે કે, US અધિકારીઓ તમારી ભૂતકાળની પોસ્ટ્સ, ફોટા, ટિપ્પણીઓ અને તમારા રિઝ્યુમ પણ ચકાસી શકે છે. આનાથી ભારતીય વિઝા અરજદારોમાં ડર ફેલાયો છે, કારણ કે H-1B વિઝા ધારકોમાં ભારતીયો સૌથી વધુ સંખ્યા ધરાવે છે.
આ નવો નિયમ ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક બન્યો છે, કારણ કે USમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિઝા (H-1B) ધારકોમાં 70 ટકાથી વધુ અને H-4 EAD ધારકોમાં 90 ટકા સુધી ભારતીયો છે. આનો અર્થ એ છે કે આ નિયમ આપણા લાખો ભાઈ-બહેનોના કારકિર્દી, લોન અને બાળકોના શિક્ષણ પર સીધી અસર કરશે. 15 ડિસેમ્બરથી અમલમાં આવનારા આ નિયમ હેઠળ, ભલે તમે પહેલી વાર વિઝા માટે અરજી કરી રહ્યા હોવ કે રિન્યુ કરી રહ્યા હોવ, તમારે તમારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાર્વજનિક કરવા પડશે. વિઝા અધિકારીઓ હવે સમય લઈને ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન જેવી સાઇટ્સ પર તમારી જાહેર પોસ્ટ્સની સરળતાથી સમીક્ષા કરશે.
ઇમિગ્રેશન વકીલો કહે છે કે, લોકોમાં ડર પેસી ગયો છે. કલ્પના કરો કે કોઈ રાજકીય મીમને મજાક તરીકે શેર કરી હોય, કોઈ વિષય પર હળવી ટિપ્પણી કરી હોય, અથવા તમારા રિઝ્યુમ પર અમુક નાની વિગતો પણ યોગ્ય રીતે દસ્તાવેજીકૃત કરવામાં નિષ્ફળ ગયા હો, બસ આટલી અમથી વાત પણ તમારા વિઝાને અટકાવવામાં કારણરૂપ બની શકે છે. હવે તો ટેક કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને તેમની સોશિયલ પ્રોફાઇલ્સનું ઑડિટ કરવાની અને બિનજરૂરી સામગ્રીથી દૂર રહેવાની સલાહ આપવાનું શરૂ કર્યું છે.
આ નવા નિયમ આવવાથી સામાન્ય રીતે પણ ખુબ મોટો હોબાળો મચી ગયો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં ભારતીય દૂતાવાસોમાં વિઝા ઇન્ટરવ્યુની તારીખો અચાનક રદ કરવામાં આવી છે. જેમના ઇન્ટરવ્યુ ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવ્યા હતા તેમને હવે માર્ચ 2026ની તારીખો આપવામાં આવી છે. કલ્પના કરો, જેઓ નવી નોકરી શરૂ કરવાના હતા, અથવા લગ્ન માટે ઘરે આવવાના હતા અથવા માતાપિતાને મળવા જવાના હતા, તેમના માટે દોઢ વર્ષથી વધુનો આ રાહ જોવાનો સમયગાળો કોઈ આઘાતથી ઓછો નથી.
હવે, તેઓ તેમની નવી નોકરીમાં જોડાઈ શકશે નહીં કે, તેમના પરિવાર પાસે પાછા ફરી શકશે નહીં. ઇમિગ્રેશન વકીલ સ્ટીવન બ્રાઉને પણ આ વાતની પુષ્ટિ કરી. તેમણે સમજાવ્યું કે, 'મિશન ઇન્ડિયા'એ આગામી અઠવાડિયા માટે ઘણી એપોઇન્ટમેન્ટ રદ કરી છે અને સોશિયલ મીડિયા ચકાસણીને કારણે તેમને મુલતવી રાખી છે.
વિઝા અરજદારો માટે આ મુશ્કેલી વચ્ચે, ભારતમાં US એમ્બેસીએ એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. એમ્બેસીએ X પર એક પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'જો તમને એક ઇમેઇલ મળ્યો હોય જેમાં તમને જાણ કરવામાં આવી હોય કે, તમારી ઇન્ટરવ્યૂ તારીખ બદલાઈ ગઈ છે (ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે), તો ભૂલથી પણ, તમારી પાછલી તારીખે એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં પહોંચશો નહીં.' અધિકારીઓએ કડક ચેતવણી આપી છે કે, તેમની અગાઉની નિર્ધારિત તારીખે આવનાર કોઈપણ વ્યક્તિને ગેટ પર પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવશે. આ નિર્દેશ એવા સમયે આવ્યો છે, જ્યારે વિઝા ઇન્ટરવ્યૂ પહેલાથી જ મહિનાઓ સુધીની લાંબી વેઇટિંગમાં ચાલે છે.
US સ્ટેટ ડિપાર્ટમેન્ટે 'રાષ્ટ્રીય સુરક્ષા'નો ઉલ્લેખ કરીને આ કડક નીતિનો બચાવ કર્યો છે. તેઓ કહે છે કે વિઝા સંબંધિત દરેક નિર્ણય અમેરિકન સુરક્ષા સાથે જોડાયેલો છે. આ નવો નિયમ, પહેલા વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ મુલાકાતીઓ માટે બનાવવામાં આવ્યો હતો, જેને હવે H-1B અને H-4 વિઝા ધારકો સુધી લંબાવવામાં આવ્યો છે.
વિભાગે સ્પષ્ટતા કરી છે કે, અરજદારોએ તેમની બધી સોશિયલ મીડિયા પ્રોફાઇલ જાહેર રાખવી પડશે જેથી અધિકારીઓ તેમની ચકાસણી કરી શકે. માર્ગદર્શિકામાં, વિભાગ જણાવે છે કે, 'અમેરિકન વિઝા એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.' તેમનો હેતુ સ્પષ્ટ છે, ચકાસણી એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશમાં પ્રવેશનારાઓનો ઇરાદો 'અમેરિકનો અથવા તેમના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવાનો નથી.' આનો અર્થ એ છે કે, જો સોશિયલ મીડિયા પર કંઈપણ શંકાસ્પદ જોવા મળે છે, તો વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે.

