- World
- શું છે રેસિપ્રોકલ ટેરિફ, જેને ટ્રંપ ભારતમાં બનેલા iPhones પર લગાવી શકે છે, શું થશે તેની અસર?
શું છે રેસિપ્રોકલ ટેરિફ, જેને ટ્રંપ ભારતમાં બનેલા iPhones પર લગાવી શકે છે, શું થશે તેની અસર?

ભારતે ગયા વર્ષે સ્માર્ટફોન નિકાસમાં જોરદાર વધારો નોંધ્યો છે. તેમાં એપલનો હિસ્સો સૌથી મોટો રહ્યો છે. એપલે ભારતમાંથી મેડ ઇન ઇન્ડિયા આઇફોન્સ સમગ્ર વિશ્વમાં નિકાસ કર્યા, જેનો ભારતને ખૂબ ફાયદો થયો. ભારત એવા 10 દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે, જ્યાંથી સૌથી વધુ ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કરવામાં આવે છે. ભારત પહેલી વખત 2.5 લાખ કરોડ રૂપિયાના નિકાસના આંકડાને પાર કરી ગયું છે. કુલ ઇલેક્ટ્રોનિક નિકાસમાં એકલા સ્માર્ટફોનનો હિસ્સો 60 ટકા હતો.
મેડ ઇન ઇન્ડિયા પ્લાનની વધશે મુશ્કેલી
જોકે, ટ્રમ્પના આ નિવેદનથી ભારત સહિત અમેરિકન ટેક કંપની એપલની મુશ્કેલી વધી શકે છે. વાસ્તવમાં, ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેથી એપલ સાથે ભારતના મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન ઝુંબેશને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. તો, આગળ વધતા પહેલા, ચાલો જાણીએ કે રેસિપ્રોકલ ટેરિફ શું છે?
શું છે રેસિપ્રોકલ ટેરિફ?
રેસિપ્રોકલ ટેરિફ એટલે એક સમાન ટેરિફ. ટ્રમ્પનું કહેવું છે કે જો કોઈ દેશ અમેરિકન માલ પર વધુ ટેરિફ લગાવે છે, તો અમેરિકા પણ તે દેશ પર ટેરિફ લગાવશે. હવે સરળ શબ્દોમાં સમજો, જો ભારત સ્થાનિક સ્માર્ટફોન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિદેશથી આવતા સ્માર્ટફોન પર વધુ ટેરિફ લગાવે છે, તો અમેરિકા પણ ભારતમાં બનેલા અને અમેરિકામાં વેચાતા સ્માર્ટફોન પર વધુ ટેરિફ લગાવશે.
ભારત પર ટેરિફની શું અસર થશે?
ટેરિફ એક પ્રકારની બોર્ડર ડ્યૂટી કે એક પ્રકારનો ટેક્સ છે, જે વિદેશથી આવતા માલ પર લગાવવામાં આવે છે. સરકારોની આવક માત્ર ટેરિફ દ્વારા જ વધે છે. ટેરિફ લગાવવા પાછળનું એક કારણ એ પણ છે કે દેશ તેના માધ્યમથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે અન્ય દેશોમાંથી આવતા માલ કરતા સસ્તા હોય છે.
એપલને ટેરિફથી સૌથી વધુ નુકસાન
જો ટ્રમ્પ પ્રશાસન ભારતથી ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોનની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય લે છે, તો એપલને સૌથી વધુ ઝટકો લાગશે કારણ કે આ નિર્ણય એપલના મેન્યુફેક્ચરિંગ ઇનવેસ્ટમેન્ટના પ્લાન વચ્ચે લટકી શકે છે. જો અમેરિકા ભારતમાંથી આવતા ઉત્પાદનો પર ટેરિફ વધારશે, તો તેમને પોતાનો બિઝનેસ ગુમાવવાનું જોખમ રહે છે.
ભારતના ઉત્પાદન ક્ષેત્રને નુકસાન થશે
ભારત અન્ય દેશોમાંથી આવતા ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર 16.5 ટકા ડ્યૂટી લગાવે છે. જો ટ્રમ્પ ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર 16.5 ટકાની રેસિપ્રોકલ ડ્યુટી લગાવે છે, તો ભારતના ઉત્પાદન ક્ષેત્રને ભારે નુકસાન થશે.
ચીનની તુલનામાં મોંઘા થઇ જશે ભારતીય ઉત્પાદન
ટ્રમ્પ પ્રશાસને ચીની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની આયાત પર 10 ટકા ડ્યૂટી લગાવવાનો નિર્ણય લીધો છે, જે ભારતના ઉત્પાદન ક્ષેત્ર માટે ફાયદાકારક રહેશે. પરંતુ જો ભારત પર 16.5 ટકા આયાત ડ્યૂટી લગાવવામાં આવે તો ચીનની તુલનામાં ભારતમાં બનેલા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો મોંઘા થઈ જશે.