- Tech and Auto
- SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં નાની અમથી બેદરકારી પણ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમારા નામે નોંધાયેલો SIM કાર્ડ અન્ય કોઈ વ્યક્તિ વાપરી રહી હોય, અથવા તમે તમારું SIM અન્ય કોઈને આપો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ SIM સંબંધિત છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે કડક ચેતવણી આપી છે. નવા ટેલિકોમ નિયમો હેઠ, નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીનો ભારે દંડ થઈ શકે છે.
DoTએ લોકોને ખોટી રીતે SIM કાર્ડ આપવા, ટેલિકોમ ઓળખનો દુરુપયોગ કરવા અને મોબાઈલ IMEI નંબરો સાથે ચેડાં કરવા અંગે આ ચેતવણી આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ટેલિકોમ્યુનિકેશન એક્ટ, 2023 હેઠળ આવા ગુનાઓ માટે ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે DoTના મધ્ય પ્રદેશ લાયસન્સ સર્વિસ એરિયામાં ખોટી રીતે SIM ફાળવવાનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઈમ તપાસમાં જાણવા મળ્યું હતું કે છત્તીસગઢમાં એક PoS એજન્ટે લોકોની જાણ કે સંમતિ વિના તેમના ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને 25 મોબાઈલ કનેક્શન સક્રિય કર્યા હતા.
આ ઘટનાની જાણ થયા બાદ, DoT અને ટેલિકોમ કંપનીઓએ તે PoS એજન્ટને બ્લેકલિસ્ટ કરી દીધો છે. હવે તે ભવિષ્યમાં કોઈના પણ નામે મોબાઈલ કનેક્શન જાહેર કરી શકશે નહીં.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને, DoTએ લોકોને સલાહ આપી છે કે તેઓ ક્યારેય અન્ય વ્યક્તિને તેમના નામે જાહેર કરાયેલ SIM કાર્ડનો ઉપયોગ કરવા ન દે. જો તમારા નામે નોંધાયેલ SIMનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવે, તો કાયદાકીય કાર્યવાહી માટે તમને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.
વિભાગનું કહેવું છે કે, વપરાશકર્તાઓ સમયાંતરે તપાસ કરે કે તેમના નામે કેટલા મોબાઈલ નંબર સક્રિય છે. આ હેતુ માટે 'સંચાર સાથી' પોર્ટલ અને મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાય છે. અહીં વપરાશકર્તાઓ તેમના નામે જાહેર કરાયેલા તમામ મોબાઈલ કનેક્શન જોઈ શકે છે. જો કોઈ નંબર અજાણ્યો હોય અથવા તેની હવે જરૂર ન હોય, તો તેને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ લોકોને કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. આમાં નકલી દસ્તાવેજો અથવા અન્ય વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવવું, પોતાના નામનો સિમ કાર્ડ અન્ય કોઈને આપવો, સિમ ભાડે આપવો અથવા તેનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે થવા દેવો જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ સાથે જ, આવા મોડેમ, મોડ્યૂલ, સિમ બોક્સ અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેનો IMEI નંબર બદલાયો હોય. મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ કે અન્ય રીતે 'કોલિંગ લાઈન આઈડેન્ટિટી' (CLI) અથવા અન્ય ટેલિકોમ ઓળખ નંબરોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવો પણ ગેરકાયદેસર હોઈ શકે છે.
'સંચાર સાથી' પર મોબાઈલ કનેક્શનની વિગતો જોવા ઉપરાંત, ફોનની અસલી ઓળખ ચકાસવાની સુવિધા પણ આપે છે. તેનો ઉપયોગ કરીને મોબાઇલનો IMEI નંબર ચકાસી શકે છે. અહીં ફોનની બ્રાન્ડ, મોડેલ તથા નિર્માતા જેવી વિગતો જોઈ શકાય છે.

