- Agriculture
- કૃષિ મંત્રીના મતે આ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવાશે
કૃષિ મંત્રીના મતે આ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવાશે
ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર સત્ર દરમિયાન માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતાં કૃષિમંત્રી આર. સી. ફળદુએ કહ્યું હતું કે, ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોની પડખે રહી છે અને રહેશે. વિશ્વમાં ફકત ખેતી એજ એક એવો ઉધોગ છે કે, જે કુદરતી રીતે ઉપલબ્ધ સંસાધનોમાંથી અનેકગણું ઉત્પાદન આપે છે. બધીજ ઔધોગિક પેદાશ આપણી જરૂરીયાત અને અનુકૂળતા મુજબ કારખાનાઓમાં ઉત્પન્ન કરી શકાય છે, પણ કૃષિ ઉત્પાદન તો જમીન અને આબોહવાના અનિયંત્રિત કુદરતી પરિબળોનો સમન્વય કરીને કરવું પડે છે.
તેમણે કહ્યું હતું કે, આજે આપણા દેશ સામે મુખ્ય ત્રણ પડકારો છે. સતત વધતી જતી વસ્તીને જરૂરિયાત પ્રમાણે વ્યાજબી કિંમતે પોષણયુકત અનાજ પૂરું પાડવું, ખેડૂત સદ્ધરતાના આધારે અનાજની સલામતીનો આધાર છે અને હવામાનના વર્તારા આધારિત આફત નિવારણ વ્યવસ્થા. આ ત્રણેય બાબતોથી ગ્રામિણ ઉદયના દ્વાર ખુલે છે અને એના આધારે શહેરી વિકાસ અને સર્વ સમાવેશક વિકાસ સંભવિત છે. રાજ્યના લાખો ખેડૂતોની મહેનત અને રાજ્ય સરકારના પ્રયત્નો થકી આપણે વિકાસ હાંસિલ કરી શક્યા છીએ.
તેમણે કૃષિક્ષેત્રની પૂરક શકિતઓ વિશે જણાવતાં કહ્યું હતું કે, જળસિંચન માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ હેક્ટર હતો,જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં પિયત સુવિધાઓ માટે થયેલ પ્રયત્નોને કારણે કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તાર એક થી વધુ વખત વાવેતર હેઠળ આવતો થયો છે. સુક્ષ્મ સિંચાઇ માટે વર્ષ 2020-21માં 675 કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવી છે. વિજળી માટે વિજ વિતરણ વ્યવસ્થા સુદૃઢ હોવી અનિવાર્ય છે જે ગુજરાતમાં છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને ઇલેક્ટ્રીસીટી ડ્યુટી ભરવી પડતી નથી. અગાઉ માત્ર 15000 પ્રતિ વર્ષ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17 વર્ષની સરેરાશ કરીએ તો સરેરાશ એક લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. કિસાન સુર્યોદય યોજના શરુ કરીને ખેડૂતોને દિવસ દરમ્યાન વિજળી મળી રહે તેવું આયોજન કરેલ છે. આ હેતુ માટે રૂા.3500ની જોગવાઇ કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં તમામ ગામોમાં આ યોજનાનો લાભ મળશે તેવું નક્કર આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ખેડૂતોના વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દર વર્ષે અંદાજે રૂા.7385 કરોડ વીજ સબસીડી તરીકે રાજ્યના 18 લાખ ખેડૂતોને લાભ આપે છે.
તેમણે કહ્યું હતું કે, મુખ્યત્વે પાક ઉત્પાદનનો આધાર બિયારણની ગુણવત્તા પર રહેલો છે. વર્ષ 2021-22માં બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન/સર્ટીફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ.55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને જેમાં આદિવાસી ખેડૂતો ભાઈઓ તથા પ્લગ નર્સરી માટે રૂા. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ વ્યાજબી ભાવે મળી રહેશે જે થકી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે. રાજ્યમાં ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ પાકનો વાવેતર વિસ્તાર વધારવાના સહાય કાર્યક્રમ હેઠળ વર્ષ 2020-21 માં રૂ.38.74 કરોડની સહાય આપી અંદાજિત 20,800 હેક્ટરમાં કુલ 27,100 ઉપરાંત ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, એક જમાનો હતો કે જ્યારે ગુજરાતનો ખેડૂત ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભો રહેતો હતો છતાં ખાતર મળવાના ફાંફાં પડતા. જ્યારે છેલ્લા દાયકાથી ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત સર્જાઇ નથી. યોગ્ય જથ્થામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં કુલ 15 જેટલી સરકાર માન્ય મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ, 839 જેટલા હોલસેલર તેમજ 8500 થી વધુ સક્રિય ખાતર વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરની વિતરણ વ્યવસ્થા સાથે સંકલન કરી 40 લાખ મેટ્રિક ટન જેટલું રાસાયણિક ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ઘનિષ્ઠ કૃષિ થકી ખેડૂતો ઓછા સમયમાં વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે અને વધુ ને વધુ આવક રળી શકે તે માટે રાજ્ય સરકારે કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે ક્યારેય ન અપાયો હોય એવો લાભ આપવાનો શરૂ કર્યો છે. કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં નાના-સીમાંત ખેડૂતોને અનુરૂપ સાધનોથી લઇ આધુનિક મોટા સાધનો ખેડૂતોને સહાયથી આપવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્ય સરકાર ધ્વારા કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે ટ્રેકટર સહિત વિવિધ સાધનોમાં છ લાખથી વધુ ખેડૂતોને રૂ.1800 કરોડ જેટલી સહાય પૂરી પાડી છે. વર્ષ 2020-21 માં જાન્યુ-21 અંતિત 26,770 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.126.85 કરોડની સહાય આપવામાં આવી છે. આમ કૃષિ યાંત્રિકીકરણ અન્વયે જાન્યુ-21 અંતિત 48,924 ખેડૂતોને રૂ.191.90 કરોડની સહાય આપવામાં આવી છે.
ખેડૂતોની આવક ઝડપથી બમણી કરવા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે, કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂત ભાઈઓ અને ખેડૂત મહિલાઓ માટે જુદી જુદી વિસ્તરણ પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યના કુલ 1,07,643 લાભાર્થીઓને આવરી લીધા છે. સાહિત્ય, પેમફલેટ વિતરણ કરી ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના લાભાર્થે વર્ષ 2020-21 માં સાત પગલાં ખેડૂત ક્લ્યાણના અંતર્ગત વાવણીથી વેચાણ સુધીની વિવિધ યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ યોજનાઓના ખૂબ સારા પરિણામો અને પ્રતિસાદ સાંપડયા છે. ખેડૂતોની પડખે રહેવાની નેમ સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણના અભિયાન અંતર્ગતની યોજનાઓ બહોળા ખેડૂત સમુદાયને વધુ ને વધુ લાભ પહોંચે એ માટે ચાલુ રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 57.35 લાખ લાભાર્થીઓને કુલ રૂ.6727.14 કરોડનું લાભાર્થીઓના બૅન્ક એકાઉન્ટમાં DBTથી ચુકવણું કરવામાં આવ્યું છે. જે એક ઇતિહાસ બન્યો છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતી ક્ષેત્ર દાહોદ જિલ્લાને ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર ધ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતની સફળતાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા ચીંધી છે. દેશની વસ્તીના 4.99 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં લગભગ 7.9 ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં વરસાદની પ્રતિકૂળ અસર હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષોમાં રાજ્યના અર્થતંત્રએ સતત વૃધ્ધિ દર્શાવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણો દેશ વિશ્વના કુલ વિસ્તારના 2.4 ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. પરંતુ વિશ્વની 17.5 ટકા વસ્તીનો સમાવેશ કરે છે. ગુજરાત રાજ્ય દેશના કુલ ભૌગોલિક વિસ્તારનાં માત્ર 6 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તેમ છતાં દેશના અગત્યનાં પાકો જેવા કે કપાસ, મગફળી, દિવેલા, તલ, જીરૂ, ઈસબગુલ તેમજ દુધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં હોવાનું ગૌરવ અનુભવે છે. ગુજરાતમાં વર્ષ 2019-20 દરમ્યાન અનાજનું કુલ ઉત્પાદન 93.28 લાખ ટન,કપાસનું ઉત્પાદન 88.01 લાખ ગાંસડી, મગફળીનું ઉત્પાદન 46.43 લાખ ટન અને તેલીબીયાનું ઉત્પાદન 66.64 લાખ ટન થયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત વિશ્વકક્ષાએ કેળા, જીરૂ, ઈસબગુલ, વરિયાળી અને દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત કપાસમાં 36 ટકા, મગફળીમાં 42 ટકા, દિવેલામાં 80 ટકા, વરીયાળીમાં 70 ટકા અને જીરૂમાં 60 ટકા ફાળો ધરાવે છે. ગુજરાતમાં બટાટાની ઉત્પાદકતા 31 ટન અને ચણાની 1663 કિલો/હે. છે, જે રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ છે. ગુજરાત રાજ્યમાં વાવેતર હેઠળ કુલ 98 લાખ હેક્ટર વિસ્તાર છે તે પૈકી બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર 16.16 ટકા જેવો છે.
તેમણે કહ્યું હતું કે, બજાર વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત રાજ્યમા કુલ 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, 211 મુખ્યયાર્ડ, 193 સબયાર્ડ એમ કુલ 404 માકેટ્યાર્ડ છે. જેમાં તંતુ, અનાજ, કઠોળ, તેલીબીયા, મસાલા, તેજાના અને બીજ ઉત્પાદન, ફળ અને શાકભાજી જેવી જણશી વેચાણ માટે આવે છે. વર્ષ 2019-2020માં જણસીઓની કુલ આવક 1339.4 લાખ કિવન્ટલ તથા કુલ આવક રૂ. 31562.21 કરોડ છે. વર્ષ 2019-20 દરમ્યાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની કુલ માકેટ સેસ ફીની આવક રૂ. 26756.75 લાખની છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની નિર્ણાયક સરકાર ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે ટુંકી મુદતનું પાક ધિરાણ પુરુ પાડે છે. વર્ષ 2020-21માં રૂા.1955 કરોડની ભારત સરકાર અને રાજ્ય સરકારની વ્યાજ સહાયથી 13.31 લાખ ખેડૂતોને આ વ્યાજ રાહતનો લાભ મળેલ છે. 19 લાખથી વધુ ખેડૂતો પાસેથી 2016-17 થી 2021 દરમિયાન રૂ.18348 કરોડના મૂલ્યની તથા 37,07,358 મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની એજ્ન્સી નાફેડ દ્વારા ગુજરાત રાજ્યમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા અને રાયડાની કુલ રૂ. 7262.63 કરોડના મૂલ્યની કુલ 14,38,229.36 મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારની એજ્ન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (સીસીઆઇ) દ્વારા ગુજરાત રાજ્યમાં કપાસની કુલ રૂ.4198.72 કરોડના મૂલ્યની કુલ 7,62,330.70 મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારની એજ્ન્સી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં ઘઉં,મકાઇ,ડાંગર(કોમન),ડાંગર (ગ્રેડ-A), તથા બાજરીની કુલ રૂ. 462.84 કરોડના મૂલ્યની કુલ 2,45,116.96 મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આમ કુલ ત્રણ વર્ષમાં રૂ.11,924.19 કરોડના મૂલ્યની કુલ 24,45,677.02 મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, કુદરતી આકસ્મિક સંજોગોમાં ઉભા પાકને નુકશાન થાય તિડ, જીવાત નિયંત્રણ, રોગ નિયંત્રણ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જેવી સ્થિતી ઉત્પન્ન થાય તો રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રે તમામ તબક્કે ખેડૂતોની સાથે ઊભી રહી છે. અને વિષમ કુદરતી સ્થિતી પછી તે દુષ્કાળની સ્થિતી હોય કે પછી વધુ વરસાદ, માવઠું પડ્યુ હોય કે પછી રોગ-જિવાતનું આક્રમણ થયું હોય, રાજ્ય સરકાર આ તમામ આકસ્મિક પરિસ્થિતીમાં ખેડૂતોની પડખે રહી છે. ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં ઓગષ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડૂતોને મદદરૂપ થવા જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આકસ્મિક પરિસ્થિતીમાં ખેડૂતોને મદદરૂપ થતા રાજ્ય સરકારે રૂ. 5800 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા કરાવ્યા છે. જે થકી રાજ્યના ખેડૂતો વિષમ કુદરતી સ્થિતીમાં પણ હિંમત હાર્યા નથી. 2015-16 થી આજ દિન સુધી રૂા. 9050 કરોડ થી વધુ સહાય ખેડૂતોને ચુકવવામાં આવી છે.
તેમણે વિપક્ષને કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું હતું કે, દુષ્કાળના વર્ષોમાં ખેડૂતોના દેવા માફીની માંગ કરતા ખેડૂતોને ગાંધીનગરનો ઘેરાવો કરવો પડ્યો હતો અમારી સંવેદનશીલ સરકાર સામે રાહત માટે ખેડૂતોએ ક્યારે કોઇ મોરચો માંડવો નથી પડ્યો ભુતકાળમાં વિધાનસભાનો ઘેરાવ કરનારા ખેડૂતોને ગોળીઓ ધરબી દીધી હતી તા. 19મી માર્ચ 1987નો ગોજારો દિવસ ખેડૂતો ક્યારે ભુલશે નહી. પોલીસ ગોળીબારમાં 19 ખેડૂત શહિદ થયા હતા. જેમાં સાબરકાંઠાના-5 ખેડૂતોમાંથી 3 ખેડૂતો શહિદ થયા હતા. અને તત્કાલીક સરકારે કરેલા અત્યાચારો અને ગોળીબાર ગુજરાતનો ખેડૂત ક્યારેય ભુલ્યો નથી. હજુ પણ મત સ્વરૂપે કોંગ્રેસને જવાબ આપે છે. ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે. રાજ્યના ખેડૂતોને હવામાન એડવાઇઝરી પૂરી પાડી તે થકી પાક વાવણી, રોગ-જિવાત નિયંત્રણ, પિયત વ્યવસ્થાપન જેવી ખેતીની કામગીરી સમયસર વધુ કાર્યક્ષમતાથી કરી શકાય તે માટે રાજ્યમાં અંદાજિત 1800 ઓટોમેટીક વેધર સ્ટેશનની સ્થાપના કરી હવામાનના ડેટા મેળવવા રૂ.11.96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ ખેતી ક્ષેત્રે રાજ્ય સરકારની મહત્વની યોજ્નાઓ વિશે જણાવતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો કાપણી પછી ખેત પેદાશો વરસાદ,વાવાઝોડું વગેરે ઘટનાથી બચાવી શકે તેમજ સંગ્રહ કરી સારા ભાવ મળે ત્યારે વેચાણ કરી વધુ વળતર મેળવી શકે તેવા શુભ આશયથી ખેતપેદાશોના સંગ્રહ માટે ખેતર પર નાના ગોડાઉન બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ સહાય આપવા માટે વર્ષ 2021-22માં રૂ.280 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો પોતાના ઉત્પાદનો બજારો સાથે પહોંચાડી શકે અને વધુ વળતર મેળવી શકે તે માટે મધ્યમ કદના માલવાહક વાહન ખરીદવા સહાય માટે કિસાન પરિવહન યોજના માટે વર્ષ 2021-22માં રૂ.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજનાઅંતર્ગત વર્ષ 2021-22માં રૂ. 213 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત પરીવારને એક ગાય માટે માસિક રૂ. 900 લેખે વાર્ષિક રૂ.10,800ની સહાય આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, આર્થિક ક્ષમતા ઓછી ધરાવતા સિમાંત ખેડૂતો અને ખેત કામદારોને યાંત્રિકરણનો લાભ આપવા તેમજ અધતન હેન્ડ ટુલ કીટ આપવાથી કાર્યક્ષમતામાં વધારો અને શ્રમમાં ઘટાડો થાય તે હેતુથી સિમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવા વર્ષ 2021-22માં રૂ.20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કિસાનોના પસીનાથી લહેરાતા પાકને ભૂંડ, રોજડા જેવા જાનવરો નષ્ટ ન કરે તે માટે તેમના પાકને રક્ષણ આપવાના હેતુથી આ સરકારે ખેતરની ચારે બાજુ કાંટાળા તારની વાડ બાંધવા માટે સહાય આપવાની યોજના વર્ષ 2020-21માં સહાય અને અમલીકરણના ધોરણોમાં સરળતા કરી અમલમાં મુકવામાં આવી હતી. વર્ષ 2021-22માં તારની વાડ યોજના માટે રૂ.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સમયસર રોગ-જીવાતના સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક (ફરતા કૃષિ ક્લિનિક) માટે રૂ.1.40 કરોડની જોગવાઈ કરેલ છે.રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતો સુધી પહોંચી છે અને તેમની તમામ જરૂરિયાતો માટે મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. રાજ્યના ખેડૂતોને મલ્ટી પર્પઝ હેતુ માટે એક ડ્રમ તેમજ પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્યે આપવા માટે રૂ. 87.47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે હેઠળ પ્રથમ વર્ષે ચાર લાખ જેટલા ખેડૂતોને સહાય મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના હેતુસર ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 31.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે શરૂઆતના પ્રથમ બે વર્ષ ઉત્પાદન ઘટને સરભર કરવા પ્રથમ વર્ષે રૂ. 10,000 તથા બીજા વર્ષે રૂ. 6,000 નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષે અંદાજિત 30000 હેક્ટર જમીન આવરી લેવામાં આવશે. રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને વધુ સઘન બનાવવાના હેતુથી વર્ષ 2021-22 માટે રૂા. 698.00 કરોડની અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે.

