- Astro and Religion
- કેટલા દિવસ સુધી ગણેશજીને ઘરે રાખવા શુભ હોય છે? જાણો બધા દિવસોનું મહત્ત્વ
કેટલા દિવસ સુધી ગણેશજીને ઘરે રાખવા શુભ હોય છે? જાણો બધા દિવસોનું મહત્ત્વ
ગણેશ ચતુર્થી ભારતના સૌથી મોટા તહેવારોમાંથી એક છે. આ દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું દરેક ઘરમાં ભક્તિ, પ્રેમ અને ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે. ચારેય તરફ ઢોલ-નગારાની ગુંજ અને ભજન-કીર્તનનો અવાજ સંભળાય છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ દર વર્ષે લોકોના મનમાં એક સવાલ જરૂર ઊઠે છે કે, ગણપતિ બાપ્પાને ઘરમાં કેટલા દિવસ રાખવા જોઈએ? શાસ્ત્રો અનુસાર, આ વસ્તુ પરંપરા, આસ્થા અને સુવિધા પર નિર્ભર કરે છે. આ જ કારણ છે કે દરેક ઘરમાં અલગ-અલગ દિવસો માટે બાપ્પાની સ્થાપના થાય છે.
ગણેશ ચતુર્થી અને વિસર્જન 2025ની તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, ચતુર્થી તિથિ 26 ઑગસ્ટના રોજ બપોરે 01:54 વાગ્યે શરૂ થશે અને 27 ઑગસ્ટના રોજ બપોરે 03:44 વાગ્યે સમાપ્ત થશે. જો કે, ઉદયતિથિ માન્ય હોય છે એટલે આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઑગસ્ટ બુધવારે મનાવવામાં આવશે. દર વર્ષે ગણેશ વિસર્જન અનંત ચૌદશના દિવસે થાય છે. આ વર્ષે અનંત ચૌદશ રવિવાર 7 સપ્ટેમ્બરના રોજ હશે.
ગણપતિ બાપ્પાને ઘરે રાખવાની પરંપરાઓ
દોઢ દિવસના ગણપતિ
ઘણા પરિવારો બાપ્પાને દોઢ દિવસ માટે ઘરમાં રાખે છે. આ પરંપરા નાની, સરળ અને ભાવપૂર્ણ હોય છે. તેમાં જલદી વિદાય આપીને બાપ્પા પાસેથી આશીર્વાદ લેવામાં આવે છે અને તેમને આગામી વર્ષે ફરીથી આમંત્રણ આપવાનો સંકલ્પ લેવામાં આવે છે.
3 દિવસના ગણપતિ
કામ કરતા પરિવારો માટે ગણપતિ બાપ્પાને 3 દિવસ માટે ઘરે રાખવાની અવધિ સુવિધાજનક હોય છે. 3 દિવસ સુધી બાપ્પાની પૂજા, ભક્તિ અને પ્રસાદ સાથે તહેવાર ઉજવ્યા બાદ વિસર્જન કરવામાં આવે છે.

5 દિવસના ગણપતિ
માન્યતા છે કે ગણપતિ બાપ્પાને 5 દિવસ ઘરે લાવવાથી સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે. 5 દિવસ સુધી બાપ્પા ઘરમાં રહેવાથી, પરિવાર અને મિત્રોને આમંત્રણ આપવા, પૂજા કરવા અને પ્રસાદ વહેંચવા માટે પૂરતો સમય મળી જાય છે.
7 દિવસના ગણપતિ
ગણપતિ બાપ્પાનું 7 દિવસનું રોકાણ ગાઢ આસ્થા અને સમર્પણનું પ્રતિક છે. આખા અઠવાડિયા દરમિયાન ઘરમાં ભક્તિ સંગીત, પૂજા અને પ્રશન્નતાનું વાતાવરણ રહે છે. આ પરંપરા મોટાભાગે એ લોકો નિભાવે છે, જેઓ પૂરા દિલથી ઉત્સવમાં ડૂબવા માગે છે.
11 દિવસના ગણપતિ
ગણેશ ચતુર્થીનું સૌથી પારંપારિક અને ભવ્ય રૂપ 11 દિવસના ગણપતિ છે. બાપ્પા અગિયાર દિવસ સુધી ઘરમાં અને પંડાલમાં રહે છે. આ પરંપરાનું મહારાષ્ટ્ર અને ઘણા રાજ્યોમાં પાલન કરવામાં આવે છે. છેલ્લા દિવસે, અનંત ચૌદશ પર વિસર્જન અગાઉ આખો સમાજ ભક્તિ, આનંદ અને એકતામાં ડૂબી જાય છે.

