- Business
- જૈનમ બ્રોકિંગ સાથે સંકળાયેલી કંપની દ્વારા 4.84 કરોડનું કૌભાંડ
જૈનમ બ્રોકિંગ સાથે સંકળાયેલી કંપની દ્વારા 4.84 કરોડનું કૌભાંડ
સુરત પોલીસે એક મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.જેમાં શેર ટ્રેડિંગ ફર્મ દ્વારા 54થી વધુ બ્રોકર્સ અને રોકાણકારો સાથે 4.84 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના માલિકો જે જૈનમ બ્રોકિંગ લિમિટેડ વતી કાર્યરત હોવાનું કહેવાય છે, તેઓ આ કેસના સેન્ટરમાં છે. આ કેસમાં હિરેન જાદવની રવિવારે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો ભાગીદાર નિમિત શાહ હજુ પણ ફરાર છે.
આરોપીઓએ રોકાણકારોને પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરતા અટકાવ્યા હતા અને ડિપોઝિટ અને અન્ય ભંડોળ પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું હતું. ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કરીને તપાસ આર્થિક ગુના (ઇકો) સેલને સોંપવામાં આવી છે. સુરતમાં ફર્મ ચલાવતા સ્ટોકબ્રોકર રૂત્વિજ કોઠારી સપ્ટેમ્બર 2024માં બ્રોકર મનીષા પટેલ દ્વારા જૈનમ બ્રોકિંગ લિમિટેડ સાથે પરિચય કરાવ્યો હતો. તેમને ખબર પડી કે ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના માલિકો નિમિત શાહ અને હિરેન જાદવ જૈનમ વતી તેમના એકાઉન્ટનું સંચાલન કરતા હતા. કોઠારીએ નવેમ્બર 2024માં એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

જેમ-જેમ તેમનો વ્યવસાય વિસ્તરતો ગયો, તેમ-તેમ કોઠારીએ મિત્રો અને ગ્રાહકોને ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ દ્વારા જૈનમ બ્રોકિંગ લિમિટેડમાં ખાતા ખોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કંપનીની નીતિ હેઠળ રોકાણકારો 5 લાખ રૂપિયાની ડિપોઝિટ સામે 50 લાખ રૂપિયામાં ટ્રેડ કરી શકતા હતા, જે 6-18% વ્યાજ ચૂકવતા હતા, જે તેઓ નિયમિતપણે કરતા હતા. કોઠારીએ 25 ગ્રાહકો પાસેથી 2.53 કરોડ રૂપિયા ગ્રીન વોલ દ્વારા જૈનમ ટ્રેડિંગમાં ટ્રાન્સફર કર્યા. 14 ઓગસ્ટના રોજ કોઠારીનું ખાતું અચાનક બંધ થઈ ગયું ત્યારે આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી, જેના કારણે તેઓ ટ્રેડિંગ કરી શકતા ન હતા. શાહ કથિત રીતે સંપર્કહીન બન્યા હતા અને ઘણા અન્ય રોકાણકારોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
કોઠારીના ગ્રાહકો ઉપરાંત 29 અન્ય રોકાણકારોએ પેઢીમાં 2.11 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. સૂત્રો મુજબ કુલ છેતરપિંડી 50 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે, જેમાં રાજકોટ, દિલ્હી, મુંબઈ, સુરેન્દ્રનગર અને અમદાવાદના રોકાણકારો સામેલ હતા. પોલીસે તમામ અસરગ્રસ્ત રોકાણકારોને તપાસમાં મદદ કરવા આગળ આવવા વિનંતી કરી છે.

2024માં જૈનમ બ્રોકિંગ લિમિટેડને SEBI પણ ફટકારી ચૂકી છે દંડ
જૈનમ બ્રોકિંગ લિમિટેડનું નામ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યું છે. 30 ઓગસ્ટ 2024ના રોજ સેબીએ સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી (CKYCR) પર 1501 ક્લાયન્ટ્સ માટે કેવાયસી વિગતો અપડેટ કરવામાં નિષ્ફળ રહેવા બદલ જૈનમ બ્રોકિંગને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આદેશમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે કેટલાક ક્લાયન્ટ્સની વિગતો સાત વર્ષ સુધી અપડેટ કરવામાં આવી ન હતી.
29 ઓગસ્ટ 2024ના રોજ જૈનમ બ્રોકિંગને તેમના અધિકૃત વ્યક્તિઓ (એપી) દ્વારા ઉલ્લંઘન બદલ 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉલ્લંઘનોમાં એપી દ્વારા તેમના નામમાં "સંપત્તિ સલાહકાર" અથવા "રોકાણ સલાહકાર" જેવા અનધિકૃત શબ્દોનો ઉપયોગ અને તેમની પ્રથાઓનું અપૂરતું નિરીક્ષણ શામેલ હતું. એપી દ્વારા કરવામાં આવેલા અન્ય ઉલ્લંઘનોમાં ક્લાયન્ટ ઓર્ડર, અનધિકૃત તૃતીય પક્ષો દ્વારા સંચાલિત ટર્મિનલ્સના પૂરતા રેકોર્ડ ન રાખવા અને ઓફિસ મેનેજમેન્ટમાં અનિયમિતતાઓનો સમાવેશ થાય છે.

