- Business
- તેજસ ક્રેશ બાદ શું HAL સંકટ છવાશે? એક રિપોર્ટમાં થયો ખુલાસો, શેર પર કેટલી અસર પડશે?
તેજસ ક્રેશ બાદ શું HAL સંકટ છવાશે? એક રિપોર્ટમાં થયો ખુલાસો, શેર પર કેટલી અસર પડશે?
શુક્રવારે દુબઈમાં એક એર શૉ દરમિયાન તેજસ Mk-1 વિમાન ક્રેશ થઇ ગયું. ક્રેશ થયા બાદ બ્રોકરેજ Elaraએ HAL પર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો. CNBCના રિપોર્ટ મુજબ, બ્રોકરેજે જણાવ્યું હતું કે F-35 અને F-16 જેવા ફાઇટર જેટ વિશ્વભરમાં ઘણી વખત ક્રેશ થઇ ચૂક્યા છે, એટલે HALની ઓર્ડર બૂક અથવા ડિલિવરી પર આની કોઈ ખાસ નાણાકીય અસર નહીં પડે. જોકે, Tejas Mk-1Aના નિકાસમાં થોડો વિલંબ થવાની ધારણા છે. દુબઈમાં Tejas Mk-1 ક્રેશ થયા બાદ બ્રોકરેજ ફર્મ Elara Capitalએ HAL પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે. બ્રોકરેજે HALના શેર પર બાય રેટિંગ યથાવત રાખ્યું છે અને ટારગેટ પ્રાઇઝ 5680 રૂપિયા નક્કી કરી છે.
Elaraએ સ્પષ્ટ કહ્યું કે, ફાઇટર જેટ ક્રેશ થવું, દુનિયામાં કોઈ નવી વાત નથી. અમેરિકના F-35, F-16 અને યુરોપના યુરોફાઇટર ટાયફૂન જેવા સુપર-એડવાન્સ્ડ જેટ ઘણી વખત ક્રેશ થયા છે. આ અકસ્માતો મોટાભાગે પાઇલટની ભૂલ, ટેક્નિકલ ખરાબી અથવા ઓપરેશન દરમિયાન થાય છે. જોકે, તે કંપનીની નાણાકીય પરિસ્થિતિ અથવા સરકારી ઓર્ડર પર ખાસ અસર કરતા નથી. ભારતે HAL સાથે 97 તેજસ Mk-1A એરક્રાફ્ટ માટે ઓર્ડર આપી દીધો છે અને આ ડીલ પૂરી રીતે સુરક્ષિત છે.
Elaraનું માનવું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે, પરંતુ તે HALના લાંબા ગાળાના વ્યવસાય અથવા ભવિષ્યના ઓર્ડરમાં અવરોધ નહીં લાવે. કંપનીની ઓર્ડર બુક અત્યારે પણ મજબૂત છે, જેમાં હેલિકોપ્ટર અને ICH પ્રચંડ જેવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. એવામાં રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી; HAL લાંબા ગાળે ઉત્તમ વળતર આપશે. ટૂંકા ગાળામાં શેરના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ આ ખરીદી માટે એક સારી તક છે.
હાલ માટે HALની ઓર્ડર બુક પર કોઈ અસર થવાની અપેક્ષા નથી. 97 તેજસ Mk-1A એરક્રાફ્ટ માટે સ્થાનિક ઓર્ડર પૂરી રીતે સુરક્ષિત છે, અને વાયુસેનાનો ભરોસો યથાવત છે. ડિલિવરીનું શેડ્યૂલ પણ લગભગ એવો જ રહેશે, કોઈ મોટા ફેરફારો નહીં આવે. કંપની પાસે આટલો મજબૂત કેશ ફ્લો અને બેલેન્સ શીટ છે કે એક અકસ્માતથી કઈ બગડવાનું નથી. Elaraએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતની માગ પર કોઈ પણ જોખમ નથી.
નિકાસ એક અલગ વાત છે. વિદેશી ખરીદદારો અને તેમના એવિએશન નિયમનકારો વધારાના પરીક્ષણ અને નિરીક્ષણ કરશે, એટલે તેજસ નિકાસ ડીલમાં થોડો વિલંબ થઈ શકે છે. પરંતુ આ માત્ર થોડા મહિનાઓની વાત હશે; લાંબા ગાળે નિકાસ પણ પાટા પર આવી જશે.
કંપનીના શેરની સ્થિતિ
HALના શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર BSE પર 3.27% ઘટીને 4444.80 પર ટ્રેડ થઈ રહ્યા છે. દુબઈ એર શૉમાં તેજસ ફાઇટર જેટ ક્રેશ થયા બાદ વાયુસેનાના એક અધિકારીનું મોત થયું હતું. 24 નવેમ્બરના રોજ વહેલી સવારે HALના શેર લગભગ 9% ઘટ્યા હતા. આ 7 મહિનામાં સૌથી નીચું સ્તર હતું. કંપનીના શેર શુક્રવારે 4,595 પર બંધ થયા હતા અને સોમવારે 4,205 રૂપિયા પર ખુલ્યા હતા. કંપનીએ પોતાના 52 અઠવાડિયાની ઊંચી સપાટી 5,166.00 રૂપિયા બનાવી હતી, જે 16 મે, 2025ના રોજ પહોંચી હતી. Elaraનું માનવું છે કે આ અકસ્માતથી HALના લાંબા ગાળાના વ્યવસાય અથવા ભાવિ ઓર્ડર નહીં રોકાય. પરંતુ, શોર્ટ ટર્મમાં શેરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

