- Business
- ભારતમાં 5 વર્ષમાં અબજોપતિઓ ચાર ગણા થયા; જાણો દેશમાં કેટલા છે Billionaires?
ભારતમાં 5 વર્ષમાં અબજોપતિઓ ચાર ગણા થયા; જાણો દેશમાં કેટલા છે Billionaires?
ભારતમાં અતિ-ધનિક વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરના આવકવેરા રિટર્ન (ITR) ડેટા આ પરિવર્તનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં, ₹100 કરોડ કે તેથી વધુ આવક જાહેર કરનારા લોકોની સંખ્યા ચાર ગણાથી વધુ વધી ગઈ છે. સરકારે સંસદમાં માહિતી આપી હતી કે આકારણી વર્ષ 2025-26માં આવા વ્યક્તિઓની સંખ્યા વધીને 576 થઈ ગઈ છે. આ આંકડો દર્શાવે છે કે દેશમાં ઉચ્ચ આવક ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે આકારણી વર્ષ 2025-26 માટે 576 વ્યક્તિઓએ તેમના આવકવેરા રિટર્નમાં ₹100 કરોડ કે તેથી વધુની કુલ આવક જાહેર કરી હતી. પાંચ વર્ષ પહેલાં એટલે કે આકારણી વર્ષ 2021-22માં આ આંકડો ફક્ત 142 હતો. આમ આ પાંચ વર્ષના સમયગાળામાં આ સંખ્યા ચાર ગણાથી વધુ વધી ગઈ છે.
સરકારી માહિતી અનુસાર, આકારણી વર્ષ 2022-23માં 301 વ્યક્તિઓએ 100 કરોડથી વધુની આવક જાહેર કરી હતી. 2023-24માં આ આંકડો ઘટીને 284 થયો હતો. જોકે, આગામી બે વર્ષમાં તેમાં ફરી વધારો થયો, 2024-25માં 415 સુધી પહોંચ્યો અને 2025-26માં વધીને 576 થયો.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે આવકવેરા કાયદા હેઠળ 'અબજપતિ' શબ્દની કોઈ સત્તાવાર કે કાનૂની વ્યાખ્યા નથી. એટલે, સરકારે એ વ્યક્તિઓનો ડેટા શેર કર્યા છે, જેમણે તેમના ટેક્સ રિટર્નમાં 100 કરોડ કે તેથી વધુની કુલ આવક જાહેર કરી છે.
સરકારનું કહેવું છે કે દેશભરમાં રોજગાર અને સમાવેશી વૃદ્ધિને વેગ આપવા માટે વિવિધ પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. પીરિયૉડિક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારીનો દર 2022માં 3.6% હતો, જે 2025માં ઘટીને 3.1% થયો છે. સરકારે જણાવ્યું હતું કે પ્રગતિશીલ આવકવેરા વ્યવસ્થા અને ખોરાક, આરોગ્ય, શિક્ષણ, આવાસ અને સામાજિક સુરક્ષા પર ખર્ચમાં વધારો જેવા પગલાં દ્વારા આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવા અને રોજગાર વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ આંકડા શું સૂચવે છે?
તાજેતરના ITR ડેટા દર્શાવે છે કે ભારતમાં ઉચ્ચ આવક ધરાવતો વર્ગ ઝડપથી વધી રહ્યો છે. જો કે, આનાથી દેશની વધતી જતી સંપત્તિ વચ્ચે આર્થિક અસમાનતાને કેવી રીતે સંતુલિત કરવી તે પ્રશ્ન પણ ઉભો થાય છે. આગામી વર્ષોમાં વિકાસ અને સમાન તકો વચ્ચે સંતુલન સ્થાપિત કરવું સરકાર માટે એક મોટો પડકાર હશે.

