- Central Gujarat
- સપ્ટેમ્બરની 22 તારીખે જે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં વરસાદ લાવશે: અંબાલાલ પટેલ
સપ્ટેમ્બરની 22 તારીખે જે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં વરસાદ લાવશે: અંબાલાલ પટેલ

લગભગ આખો ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું એક સપ્તાહ વરસાદ ગાયબ થઇ ગયો હતો, પરંતુ 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં ગરમીમાંથી રાહત મળી શકે એટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરતમાં 7 અને 8 સપ્ટેમ્બરે સારો એવો વરસાદ પડ્યો. હવામાન વિભાગે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે વરસાદની હેલી 13 સપ્ટેમ્બર સુધી ચાલું રહેશે અને 22 સપ્ટેમ્બરે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 13 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસવાનું ચાલું રહેશે. 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ બનશે અને ઉત્તર-પૂર્વ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે.
પટેલે આગળ કહ્યુ કે, આગામી 22 સપ્ટેમ્બરે જે એક સિસ્ટમ સક્રીય થવાની છે તેને કારણે પંચમંહાલ, વડોદરાસ ખેડા,મહિસાગર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 10 સપ્ટેમ્બર પછી જે વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેમાં ઉત્તર-પૂર્વના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. 14 સપ્ટેમ્બર સુધી નવી સિસ્ટમ બનશે જે પછી મધ્ય પ્રદેશ તરફ જશે અને તેને કારણે ગુજરાતમાં વરસાદ પડશે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલનું માનવું છે કે અત્યારે જે વરસાદ પડી રહ્યું છે તે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પડી રહ્યો છે, જે ખેડુતો માટે સારો કહેવાતો નથી. 13 સપ્ટેમ્બર પછી ઉત્તરા ફાલ્ગુનીમાં જે વરસાદ પડશે તે ખેડુતો માટે ફાયદાકારક રહેશે.
આ પહેલા ગુજરાતના હવામાન વિભાગે પણ થોડા દિવસ પહેલા આગાહી કરી હતી કે એક સપ્તાહ સુધી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દિવ, દ્વારકા, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેવાની સભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વખતે ખાસ્સી મોડી શરૂ થઇ હતી, પરંતુ જુલાઇ મહિનામાં તો મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ કરીને ગુજરાતના મોટાભાગના વિસ્તારોને પાણીથી તરબોળ કરી દીધા હતા, પરંતુ ઓગસ્ટ મહિનામાં તો વરસાદ રીતસરનો ગાયબ જ થઇ ગયો હતો. છેલ્લાં કેટલાંક દિવસોથી લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા. છેલ્લાં 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ગરમીમાંથી થોડી રાહત મળી છે. લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદ પડે તો સારું.