- Education
- સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરાયું, બીજી શાળાઓમાં એડમિશનને લઈને DEOએ લીધો આ નિર્ણય
સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરાયું, બીજી શાળાઓમાં એડમિશનને લઈને DEOએ લીધો આ નિર્ણય
ગત મંગળવારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના બની હતી. કોઈક વખતે ધોરણ 10 અને ધોરણ 8ના વિદ્યાર્થી વચ્ચે ધક્કા-મુક્કી જેવી ઘટના બની હતી. ત્યારથી ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીએ આ નાનકડી વાતને મનમાં એટલી ભરી લીધી હતી કે તે જ્યારે પણ મળતો ધોરણ 10ના વિદ્યાર્થીને કંઈક ને કંઈક બોલી દેતો હતો. ખબર નહીં આ વિદ્યાર્થીને આટલો ગુસ્સો, આટલું વેર રાખવાનું ક્યાથી સૂઝયું હશે, પરંતુ ગત મંગળવારે તો તેણે હદ જ કરી દીધી અને ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી દીધી હતી, જેના કારણે 10માંનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને હૉસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
વિદ્યાર્થીનું મોત થયા બાદ સ્થાનિકો, વાલીઓ અને સિંધી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો તો આસપાસની શાળાઓએ પણ વિદ્યાર્થીઓએ માટે રજા જાહેર કરી હતી. સેવન્થ ડે સ્કૂલનો મામલો સામે આવ્યા બાદ ત્યાં શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયું હતું અને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી હતી. હવે એક અઠવાડિયા બાદ શાળાનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલ પૂરતી શિક્ષણ કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું છે. જો કે ધોરણ 1-5ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હજી પણ ચાલુ કરવામાં આવ્યું નથી, જ્યારે ધોરણ 6-12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન ખોરવાય તે માટે વચગાળાના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. તેના માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના 4 અધિકારીઓની એક ટીમને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે. આ ટીમ વાલીઓના સવાલોનું નિરાકરણ કરશે અને જે વાલીઓ પોતાના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા માગતા હોય તો તેમને મદદ કરશે.
હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે. હવે વાલીઓ સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
DEOએ શિક્ષણ વિભાગને આ ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી હોવાનો રિપોર્ટ કર્યા બાદ NOC કેમ રદ ન કરવી એ અંગેનો ખુલાસો માગતી ફરી એક વખત નોટિસ ફટકારવામાં આવી છે. DEOની નોટિસની મુદત મંગળવારના રોજ પૂર્ણ થશે. બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, સોમવારે મોટી સંખ્યામાં વાલીઓ DEO કચેરીમાં પણ રજૂઆત કરવા પહોંચવાના છે. જે મામલે સત્તાવાર કોઈ જણાવવા તૈયાર નથી. બીજી તરફ ઘણા વાલીઓ પોતાના સંતાનોની LC લેવાની પણ તૈયારી કરી રહ્યા છે.

