- Entertainment
- REVIEW: એક્શન, લાગણી અને જુસ્સાથી ભરેલી છે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 'ઈક્કીસ'
REVIEW: એક્શન, લાગણી અને જુસ્સાથી ભરેલી છે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 'ઈક્કીસ'
આપણા દેશના દરેક ઘરમાં એક વાર્તા હોય છે. અહીં અસંખ્ય એવા યુવાનો છે, જે સમાજ અને પરિવારથી લડી ઝઘડીને પણ આગળ વધી ગયા છે. તેમાંથી કેટલાક તો એવા છે જેમણે બાળપણથી જ સેનામાં જોડાવાનું સ્વપ્ન જોતા હતા. તેમાંથી જ એક હતા અરુણ ખેત્રપાલ, જે ભારતના સૌથી નાના પરમવીર ચક્ર વિજેતા હતા. અરુણે માત્ર 21 વર્ષની ઉંમરે આ ચક્ર જીતવાનું સ્વપ્ન જોયું હતું. તેણે તે પૂરું પણ કર્યું અને બાળપણથી જ તે જે દેશની સેવા કરવા માંગતો હતો તેના માટે પોતાનો જીવ પણ આપી દીધો. એક સાચો સૈનિક આવું જ તો કરતો હોય છે. ફિલ્મ 'ઈક્કીસ'એ જ અરુણની બહાદુરીની ગાથા છે.
દિગ્દર્શક શ્રીરામ રાઘવનની 'ઈક્કીસ' ફિલ્મ ઘણા સમયથી સમાચારમાં છવાયેલી છે. આ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ છે. અમિતાભ બચ્ચનના ભાણેજ, અગસ્ત્ય નંદા, આ ફિલ્મ સાથે થિયેટરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અક્ષય કુમારની ભત્રીજી, સિમર ભાટિયાની પણ પહેલી ફિલ્મ છે. જયદીપ અહલાવત પણ તેમની સાથે અભિનય કરે છે. સ્વાભાવિક છે કે, આ યુદ્ધ ફિલ્મ, જે ઘણા બધા તત્વોથી બનેલી છે, તે ખાસ તો બનવાની જ હતી. તો ચાલો તમને જણાવીએ કે ફિલ્મ 'ઈક્કીસ' કેવી છે.
ફિલ્મ 'ઈક્કીસ' એક વિચારોના વમળોમાં ડૂબેલા બ્રિગેડિયર નાસિર (જયદીપ અહલાવત)ની નિવૃત્ત બ્રિગેડિયર ML ખેત્રપાલ (ધર્મેન્દ્ર) સાથે મુલાકાતથી શરૂ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધને ત્રીસ વર્ષ વીતી ગયા છે. 2001ની વાત છે, જ્યારે વરિષ્ઠ ખેત્રપાલ પાકિસ્તાન ગયા છે. બંને મળે છે, નાસિર તેમને પોતાના ઘરમાં આવકારે છે અને તેને તેના ગામ, સરગોધા પણ લઈ જાય છે, જ્યાં તે એક સમયે રહેતા હતા. ML ખેત્રપાલ હજુ પણ તેના પુત્રના મૃત્યુનું દુઃખ અનુભવે છે. તેમને છેલ્લી વાત જે ખબર છે તે એ છે કે, અરુણને પાછા ફરવાનો આદેશ મળ્યો હતો, પરંતુ તે પાછો ફર્યો નહીં. તેણે પોતાનો રેડિયો પણ બંધ કરી દીધો હતો. આના કારણે તેમને ખબર નથી કે તે કેવી રીતે શહીદ થયો.
વાર્તા ફ્લેશબેકમાં જતી રહે છે, જેમાં એક યુવાન અરુણ ખેત્રપાલ તમને દેખાય છે. આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ, તે તેના સાથીઓ સાથે મજાક મસ્તી તો કરે છે પણ, તે તેના સિદ્ધાંતો પર પણ અડગ છે. તે નિયમો તોડવાના તદ્દન વિરુદ્ધમાં છે અને તેનામાં કંઇક અલગ કરી બતાવવાનો જુસ્સો હોય છે. અરુણ કિરણને એક મૂવી થિયેટરની બહાર મળે છે, અને ત્યાંથી તેમની નાની એવી લવસ્ટોરી તમને જોવા મળે છે. પછી આવે છે યુદ્ધનો વારો. પોતાને સાબિત કરવાની તક શોધતા, અરુણ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જવા માટે પોતાનું નામ આગળ કરે છે. તેના કમાન્ડિંગ ઓફિસરને લાગે છે કે તે ફક્ત એક જુસ્સાવાળો છોકરો છે. પરંતુ અરુણને પણ કદાચ ખ્યાલ ન હતો કે તે જ્યાં જઈ રહ્યો છે તે દુનિયા સંપૂર્ણપણે અલગ હોય છે અને ત્યાં જિંદગીનો કોઈ ભરોસો નહોતો.
આ ફિલ્મમાં, ધર્મેન્દ્રને ફિલ્મના હીરો અગસ્ત્ય નંદા જેટલો જ સ્ક્રીન સમય મળ્યો છે. ફિલ્મના પહેલા ભાગમાં તમને સૌથી વધારે ધર્મેન્દ્ર જ દેખાશે. તેમના પુત્રને શાહિદ થયાના ત્રીસ વર્ષ પછી, નિવૃત્ત બ્રિગેડિયર ખેત્રપાલ એ જ દેશમાં જાય છે, કે જે દેશે તેમના પુત્રને તેમની પાસેથી છીનવી લીધો હતો. પરંતુ તેમના મનમાં કોઈ દ્વેષ નથી. તેમને હજુ પણ પાકિસ્તાન પોતાના દેશ જેવો જ લાગે છે. તેઓ બાળપણમાં જેટલો સરગોધાને પ્રેમ કરતા હતા, તેટલો અત્યારે પણ કરે છે, તેમને તેમના પુત્રની યાદ આજે પણ આવે છે, પરંતુ આજે પણ તેના પર એટલો જ ગર્વ અનુભવે છે, જેટલો તે દિવસે હતો, જ્યારે અરુણે ઘરે જાહેરાત કરી હતી કે, 'હું યુદ્ધમાં જઈ રહ્યો છું.'
89 વર્ષીય ધર્મેન્દ્રને છેલ્લી વાર સ્ક્રીન પર જોવું એ એક ઊંડો ભાવનાત્મક અનુભવ છે. પરંતુ તેમને જોઈને તમે ખુશ પણ થશો. આ ઉંમરે પણ તેમને શાનદાર અભિનય કર્યો છે. પરંતુ હા, ઉંમર અને સ્વાસ્થ્યને કારણે, તેમના સંવાદો ક્યારેક સમજી ન શકાય તેવા હોય છે. પરંતુ તેમની વાતો અને ફિલ્મમાં લાગણી એવી ને એવી જ રહેલી છે. જયદીપ અહલાવત મોટાભાગે ધર્મેન્દ્ર સાથે સ્ક્રીન પર રહે છે. એક વરિષ્ઠ અભિનેતા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવી અને છાપ છોડવી એ મોટી વાત છે. જયદીપ અહલાવતે પણ કંઇક એવું જ કર્યું છે. ધર્મેન્દ્ર તેના દ્રશ્યના દરેક ફ્રેમમાં અદ્ભુત છે, અને જયદીપ પણ એટલો જ અદ્ભુત છે. તેણે નાસિરના દિલની અંદર દબાવી રાખેલી એક વાતને અને તેના લીધે તેની અંદર ચાલી રહેલી ઉથલપાથલને ખુબ પ્રભાવી રીતે પડદા પર દર્શાવી છે.
અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયાનું ડેબ્યૂ પણ સારું હતું. કિરણની ભૂમિકામાં સિમરને જોવી ખૂબ જ યોગ્ય હતી. અગસ્ત્ય સાથે તેની જોડી પણ સારી હતી. તેનો ખૂબ જ નાનો રોલ છે અને તેણે તે સારી રીતે ભજવ્યો છે. ફિલ્મમાં બે કેમિયો છે, એક સિનિયર અભિનેતા અસરાનીનો અને બીજો દીપક ડોબરિયાલનો. દીપકનો કેમિયો ઠીક રહ્યો હતો. આ વર્ષે અસરાનીનું પણ અવસાન થયું. તેમને અને ધર્મેન્દ્રને સાથે જોવું ખૂબ ભાવુક પળ હતી. માત્ર એક નાના એવા દ્રશ્યમાં અભિનય કરીને અસરાનીએ દિલ ખુશ કરી દીધું.
ફિલ્મમાં એક દ્રશ્ય છે, જ્યારે જયદીપનું પાત્ર, નાસિર, ધર્મેન્દ્રના પાત્ર, ML ખેત્રપાલને તેમના વતન સરગોધા ગામ લઈ જાય છે. અહીં, તમે ધર્મેન્દ્રની એક કવિતા સાંભળશો, 'આજ ભી જી કરતા હૈ, પિંડ અપને નુ જાનવાં.' તે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. આ કવિતા ધર્મેન્દ્રએ પોતે ફિલ્મ માટે લખી હતી. આ કવિતા તેમના મોઢાથી અને તેમના દિલમાંથી પણ નીકળી છે, કારણ કે દરેક જાણે છે કે તેઓ તેમના ગામને ખૂબ પ્રેમ કરતા હતા.

